વસઈમાં આઠ વર્ષની બાળકીનો મૃતદેહ ગૂણીમાંથી મળી આવ્યો
ત્રણ દિવસથી ગુમ બાળકીની ગળું દબાવીને હત્યા: ઘર નજીકની ખાલી રૂમમાં મૃતદેહ સંતાડવામાં આવેલો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વસઈમાં રમવા માટે ઘરની બહાર ગયા પછી ગુમ થઈ ગયેલી આઠ વર્ષની બાળકીનો કોહવાયેલો મૃતદેહ ત્રણ દિવસ બાદ એક ગૂણીમાંથી મળી આવ્યો હતો. ગળું દબાવીને હત્યા કરવામાં આવ્યા પછી આરોપીએ બાળકીના મૃતદેહને ઘર નજીકની ખાલી રૂમમાં સંતાડી દીધો હતો.
પેલ્હાર પોલીસના જણાવ્યા મુજબ ત્રીજા ધોરણમાં ભણતી અંજલિ (નામ બદલ્યું છે) પરિવાર સાથે વસઈ પૂર્વમાં વસઈ ફાટા નજીક રહેતી હતી. પહેલી ડિસેમ્બરે શાળાથી ઘરે આવ્યા પછી સાંજે સાડાપાંચ વાગ્યાની આસપાસ તે અન્ય બાળકો સાથે રમવા માટે ગઈ હતી. રાતે અંજલિ ઘરે પાછી ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. બાળકીની કોઈ ભાળ ન મળતાં પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.
આ પ્રકરણે પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પરિવારજનોએ પેમ્ફલેટ છપાવી આખા પરિસરમાં ચીટકાવ્યા હતા. બાળકીની માહિતી આપનારી વ્યક્તિને 20 હજાર રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બાળકીનો પરિવાર ભાડેના ઘરમાં રહેતો હતો. એ જ પરિસરમાં આવેલી એક રૂમ ખાલી હતી અને તેના દરવાજાને લૉક પણ નહોતું. ખુલ્લી રૂમ હોવાથી આરોપીએ બાળકીના મૃતદેહને ત્યાં સંતાડી હોવાનું માનવામાં આવે છે.
પોલીસને શંકા છે કે ગળું દબાવીને બાળકીની હત્યા કરવામાં આવી હશે. સોમવારે બપોરે રૂમમાંથી દુર્ગંધ આવવા લાગતાં પડોશીઓએ તપાસ કરી હતી. પ્લાસ્ટિકની ગૂણીમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો. તેના પગ ચામડાના પટ્ટાથી બાંધેલા હતા.
બનાવની જાણ થતાં પેલ્હાર પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસ સંબંધિત પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે. પોલીસને શંકા છે કે આરોપી બાળકીનો ઓળખીતો હોવો જોઈએ. શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું પોલીસનું કહેવું છે.