નેશનલ

નવી દિશાઃ ઝારખંડનો આ પ્રધાનપુત્ર કરશે પટ્ટાવાળા તરીકે નોકરી

ભાજપ ભલે કૉંગ્રેસને વંશવાદના નામે વખોડતી હોય, પરંતુ દરેક પક્ષ પોતાના નેતા પોતાના સગાઓને એક યા બીજા કામમાં મદદ કરી આગળ લાવી જ દેતા હોય છે. ત્યારે ઝારખંડ જેવા પછાત માનવામાં આવતા રાજ્યનો એક પ્રધાનપુત્ર નવી રાહ ચિંધી રહ્યો છે.

આરજેડીના ઝારખંડના શ્રમ અને રોજગાર પ્રધાન સત્યાનંદ ભોક્તાના પુત્ર મુકેશ કુમારની ચતરા સિવિલ કોર્ટમાં પટાવાળાના પદ માટે પસંદગી કરવામાં આવી છે. મુકેશ માટે આ ખુશીની વાત છે. આ વિશે જાણીને લોકોને આશ્ચર્ય થાય છે કે પ્રધાનનો પુત્ર પટાવાળાની નોકરી કેવી રીતે કરી શકે છે.

.અત્યાર સુધી લોકો એવું જ જોતા આવ્યા છે કે પ્રધાનનો પુત્ર તો શું તેનો ભત્રીજો કે તેનો ડ્રાયવર પણ રાજકારણમાં હાથ અજમાવે છે કે મોટા હોદ્દા પર છે, કોન્ટ્રાક્ટનું કામ કરે છે, ધંધામાં લાગી જાય છે. કારણ કે તેને આ આસાનીથી મળી જાય છે. તેના માટે રસ્તો પહેલેથી જ તૈયાર છે. જો બીજે ક્યાંય ફીટ ન બેસે તો સંગંઠનમાં ક્યાક સચવાઈ જાય છે. તેવામાં એક પ્રધાનનો પુત્ર પટ્ટાવાળાની નોકરી કરે તે સૌકોઈ માટે પચાવવું અઘરું છે. તેની પસંદગી કોર્ટમાં વર્ગ ચારના કર્મચારી માટે થઈ છે.

આર્ટ્સના વિષયોમાં સ્નાતક થયેલા મુકેશ કુમાર ભોક્તાએ જણાવ્યું કે તેમના પિતા એક નેતા છે. તેઓ ચતરા સીટ જીત્યા અને હાલમાં શ્રમ રોજગાર ખાતાના પ્રધાન છે. તેઓ તેને આ કામ કરવાથી ના પાડશે, પરંતુ તેણે આ નોકરી મેળવી છે તો તે આ કામ જ કરશે.

રિપોર્ટ અનુસાર, 28 વર્ષીય મુકેશ અને તેના પિતરાઈ ભાઈ રામદેવ ભોક્તાએ પટાવાળાની નોકરી માટે અરજી કરી હતી. થોડા સમય પહેલા તેનો ઈન્ટટવ્યુ લેવામાં આવ્યો હતો. આ પછી મુકેશની પસંદગી કરવામાં આવી હતી. રામદેવનું નામ હજુ પણ વેઇટિંગ લિસ્ટમાં છે. મુકેશે કહ્યું કે તેના પિતા રાજકારણમાં છે અને પ્રધાન છે પરંતુ તેનો અર્થ એ નથી કે તે પણ રાજકારણમાં જોડાશે. તે પટાવાળા તરીકે કામ કરવા તૈયાર છે.

તેના સિલેકશન બાદ વિરોધપક્ષો રાજ્યમાં બેરોજગારી વિશે પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button