પરિણામ અનપેક્ષિત નથી, અમિત શાહે કહ્યું હતું કે પરિણામ સારું હશે: અજિત પવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં ભાજપે સત્તા સ્થાપન કરવા માટે આવશ્યક બહુમતી મેળવી છે અને તેલંગણામાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે, પરંતુ રાજસ્થાન અને છત્તીસગઢ જેવા રાજ્યો કૉંગ્રેસના હાથમાંથી છીનવાઈ ગયા છે. આ અંગે પ્રતિક્રિયા આપતાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રવિવારે કહ્યું હતું કે આ પરિણામો અનપેક્ષિત નથી. હું દિલ્હીમાં ગૃહપ્રધાન અમિત શાહને મળવા ગયો ત્યારે તેમણે મને કહ્યું હતું કે પરિણામો સારા આવશે. કેટલીક વખત આત્મવિશ્ર્વાસ દેખાડવા માટે આવા નિવેદનો કરવામાં આવતો હોય છે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશની પ્રગતિ થઈ રહી છે. વૈશ્ર્વિક સ્તરે ભારતનું ગૌરવ વધ્યું છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં નાગરિકોએ પોતાનો મત આપ્યો ચે. તેલંગણામાં રેવંથ રેડ્ડી પોતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના કાર્યકર્તા હતા અને કેટલાક કારણોસર તે કોંગ્રેસમાં ગયા હતા. આને કારણે તેલંગણામાં ચિત્ર અલગ દેખાઈ રહ્યું છે. કે. ચંદ્રશેખર રાવે ખૂબ જાહેરાતબાજી કરી હતી, પરંતુ લોકોએ તેમને નકારી કાઢ્યા છે, એમ પણ અજિત પવારે કહ્યું હતું.
અત્યારે ઈન્ડિયા આઘાડીના નેતા ઈવીએમ કૌભાંડનો આરોપ કરવા લાગે તો નવાઈ લાગવી જોઈએ નહીં. તો પછી, તેલંગણામાં અલગ ચુકાદો કેમ આવ્યો? જનતાએ મોદી સરકારને ટેકો આપ્યો છે. પંજાબમાં આપની સરકાર આવી. દિલ્હીમાં બીજી વખત આપ જીતીને આવી, તેમણે પણ ઈવીએમ કૌભાંડ કર્યું હતું? એવો સવાલ અજિત પવારે કર્યો હતો.