રાજસ્થાનમાં સીએમની બેઠકના શું છે હાલ? ગહેલોત આ પગલું ભરશે
પણ મુખ્ય પ્રધાનપદ માટે આ નેતાનું નામ મોખરે
જયપુરઃ રાજસ્થાનમાં ફરી એકવાર દર પાંચ વર્ષે સરકાર બદલવાનો ટ્રેન્ડ યથાવત જોવા મળી રહ્યો છે. અત્યારના વલણો અનુસાર રાજસ્થાનમાં ભાજપને બહુમતી મળી ગઇ છે. અશોક ગહેલોતના નેતૃત્વમાં 5 વર્ષ સરકાર ચલાવનાર કોંગ્રેસે સત્તામાંથી પીછેહઠ કરવી પડી છે, અને આ સાથે જ રાજસ્થાનમાં હવે કોણ મુખ્યપ્રધાન બનશે તેને લઇને અટકળો થઇ રહી છે.
એ વાત જગજાહેર છે કે રાજસ્થાનમાં ભાજપને ચૂંટણી જીતાડવા પાછળ વસુંધરા રાજેનો ઘણો મોટો હાથ છે અને તેઓ પોતે મુખ્યપ્રધાનની રેસમાં પણ છે જ. જો કે આ રેસમાં એક નવી એન્ટ્રી થઇ છે અને તે છે બાબા બાલકનાથ. ઉત્તરપ્રદેશના રાજકારણમાં યોગી આદિત્યનાથનું જે સ્થાન છે તેવું જ સ્થાન બાબા બાલકનાથ યોગીનું છે.
બાબા બાલકનાથ તિજારા બેઠક પરથી જીત મેળવવા તરફ આગળ વધી રહ્યાં છે. તેઓ વર્તમાનમાં સાંસદ પણ છે. બાલકનાથ યોગીને મુખ્યપ્રધાન બનાવવાની ચર્ચા એટલા માટે પણ છે કારણ કે તેનાથી ભાજપ હિન્દુત્વ અને ઓબીસી બન્ને કાર્ડ રમી શકે છે. બાબા બાલકનાથ યોગી મસ્તનાથ મઠના આઠમા મહંત છે અને તેઓ ઓબીસી કેટેગરીના છે.
તેઓ યોગી આદિત્યનાથના પણ ઘણા નજીકના ગણાય છે. કેમકે તેઓ એ જ નાથ સંપ્રદાયના સંત છે, જેની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સંકળાયેલા છે. ખાસ કરીને પૂર્વ રાજસ્થાનમાં તેમની ખાસ્સી લોકપ્રિયતા છે.
વાત વર્તમાન મુખ્યપ્રધાનની કરીએ તો અશોક ગહેલોત સરદારપુરા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ 95000થી પણ વધુ મતોથી આગળ છે. એટલે કે પક્ષ ભલે હારી ગયો હોય પરંતુ મુખ્યપ્રધાન પોતાની બેઠક પર તો અણનમ રહ્યા છે તેવું કહી શકાય. જો કે બહુમતીના આંકડાને ભાજપ પાર કરી ચુકી છે એટલે અશોક ગહેલોતને ભારે હૈયે હવે મુખ્યપ્રધાન પદ છોડવું પડશે.
તેમણે હાર સ્વીકારી પણ લીધી છે અને એવી અટકળો છે કે તેઓ આજે સાંજે જ રાજ્યપાલ કલરાજ મિશ્રાને રાજીનામું સોંપશે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન વિધાનસભાનો કાર્યકાળ 14 જાન્યુઆરી 2024ના રોજ સમાપ્ત થઇ રહ્યો છે.
ભાજપે છેલ્લી ઘડી સુધી રાજસ્થાનમાં મુખ્યપ્રધાન પદ માટે ઉમેદવાર જાહેર કર્યો નથી.
એક્ઝિટ પોલના તારણો સાચા માનીએ તો વસુંધરા રાજેએ ભલે જીત અપાવવામાં મદદ કરી હોય પરંતુ તેમની લોકપ્રિયતા ઘટી છે, મીડિયા સરવે મુજબ જ્યારે રાજસ્થાનની જનતાને પૂછવામાં આવ્યુ કે તેઓ મુખ્યપ્રધાન તરીકે કોને જોવા માગે છે ત્યારે ઘણા લોકોએ અશોક ગહેલોત પછી બાબા બાલકનાથનું નામ લીધું હતું.
આશરે દસ ટકા લોકોએ બાલકનાથને મુખ્યપ્રધાન પદ માટે પહેલી પસંદ ગણાવ્યા હતા. આ સિવાય દીયા કુમારી, અર્જુનરામ મેઘવાલ, ગજેન્દ્ર સિંહ શેખાવતનું નામ પણ મુખ્યપ્રધાનની રેસમાં સામેલ છે.