કેળાની ખેતી કરવાનું જોખમ ઉપાડી મહારાષ્ટ્રના ખેડૂતે અ ધધધ કમાણી
મુંબઈ: વધુ આવક મેળવવા માટે ખેતરમાં પારંપારિક પાકની ખેતી કરવાની સાથે સાથે ખેડૂતો ઓછા ખર્ચે વધુ નફો આપતી ફળોની ખેતી કરી રહ્યા છે. હાલમાં મહારાષ્ટ્રના સંગોલ જિલ્લામાં રહેતા એક ખેડૂતે માત્ર કેળાની ખેતી કરી 81 લાખ રૂપિયાનો નફો મેળવ્યો છે.
મહારાષ્ટ્રના સંગોલ જિલ્લો દાડમના ઉત્પાદનમાં અગ્રેસર છે, અહીં દાડમને જીઆઇ ટેગ પર આપવામાં આવ્યું છે. તેમ છતાં અહીના એક ખેડુતે જોખમ ઉપાડતાં દાડમને બદલે કેળાની ખેતી કરવાનો નિર્ણય લીધો હતો. કેળાની ખેતી કરવાનું જોખમ ઉપાડતાં આ ખેડૂતે ફક્ત નવ મહિનામાં તેમાથી 81 લાખ રૂપિયાની આવક મેળવી છે.
પ્રતાપ લેંડવે નામના આ ખેડૂત પહેલા દાડમની ખેતી કરતાં હતા. પણ એક વખત આ પાકને સડો લાગતા એક દોસ્તની સલાહથી તેમણે કેળાનો પાક લેવાનો નિર્ણય કર્યો હતો. તેમણે પોતાના ખેતરના છ એકરમાં કેળાના છોડની વાવણી કરી હતી જેમાં તેમને કુલ નવ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.
છ એકરમાં કેળાની વાવણી કર્યા ના નવ મહિનામાં તેમણે 300 ટન જેટલા પાકની કાપણી કરી હતી. ત્યારબાદ તેમણે આ કેળાના પાકને જમ્મુ અને કાશ્મીરના વેપારીઓને 35 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચ્યા હતા જેથી તેમને 90 લાખ રૂપિયા મળ્યા હતા. પ્રતાપ લેંડવેએ જણાવ્યુ હતું કે તેમણે કેળાની ખેતી કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો સાથે જ ટીપક સિંચાઇ વડે પાણી આપ્યું હતું. આ બધી મહેનત અને પદ્ધતિનું ફળ આજે તેમને મળ્યું છે.