મુંબૈ બેન્ક પર કૃપાદૃષ્ટી: વિશેષ બાબત તરીકે સહકારી બેન્કિંગ વ્યવહારને માન્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપના નેતા પ્રવીણ દરેકર જેના અધ્યક્ષ છે તે મુંબૈ જિલ્લા મધ્યવર્તી સહકારી બેંકને નિયમો અને માપદંડોમાં વિશેષ સવલત આપતાં સરકારી બેન્કિંગ વ્યવહાર સંભાળવાની મંજૂરી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. સહકાર અને નાણાં ખાતાનો નકાર હોવા છતાં કેબિનેટના એક નિર્ણયને આધારે વિશેષ બાબત તરીકે આ મહેરબાની મુંબૈ બેંક પર કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે.
મહાવિકાસ આઘાડીના કાર્યકાળ દરમિયાન સરકારી ભંડોળની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આર્થિક રીતે સક્ષણ અને નિયમાનુકુલન વ્યાવસાયિકતા ધરાવતી, મૂડી પર્યાપ્તતા ગૂણોત્તર ઓછામાં ઓછા નવ ટકા હોય તેમ જ સળંગ પાંચ વર્ષ સુધી ઓડિટિંગમાં ‘અ’ વર્ગમાં રહેલી જિલ્લા સહકારી બેંકને નેશનલાઈઝ્ડ બેંકની જેમ રાજ્ય સરકારના બેન્કિંગ વ્યવહાર સંભાળવાની પરવાનગી આપવામાં આવી હતી. જેમાં થાણે, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, અહમદનગર, પુણે, સાતારા, સાંગલી, કોલ્હાપુર, લાતુર, અકોલા, ભંડારા, ચંદ્રપુર અને ગઢચિરોલીની એમ 14 જિલ્લા બેંકોને સરકારી કર્મચારીઓના વેતન અને ભથ્થાંના વિતરણ માટે બેંક ખાતા અને પેન્શન માટે વ્યક્તિગત ખાતા ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી. આ યાદીમાં મુંબૈ બેંકને સ્થાન મળ્યું ન હોવાથી ભાજપમાં નારાજગી હતી અને તેથી તેને 2023-24ના આર્થિક વર્ષ માટે વિશેષ બાબત તરીકે મંજૂરી આપવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે.