‘હવે અમારે ત્યાં કોઇ ગદ્દાર બચ્યું નથી..કોઇ દગાખોર સિંધિયા નથી..’ દિગ્વિજયસિંહે કોને ટોણો માર્યો?
મધ્યપ્રદેશમાં ચૂંટણીના માહોલ વચ્ચે પૂર્વ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. ગત મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસને હાથ આવીને કોળિયો જેમ ઝૂંટવાઇ જાય એમ કડવો અનુભવ થયો હતો. ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ દોઢ વર્ષની અંદર જ્યોતિરાદિત્ય સિંધિયાની આગેવાનીમાં મધ્યપ્રદેશના કોંગ્રેસ નેતાઓએ બળવો કર્યો હતો, તેને યાદ કરતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે હવે આવું થવાની શક્યતા ઓછી છે કારણકે ‘હવે અમારી પાસે કોઇ દગાખોર સિંધિયા નથી.’
વર્ષ 2020માં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. આ સમયગાળા દરમિયાન તેમની છાવણીના 22 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું, જેના કારણે મુખ્યપ્રધાન કમલનાથની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર પડી ભાંગી હતી. એ પછી સિંધિયા તરફી ધારાસભ્યોએ ભાજપને સમર્થન આપ્યું હતું અને દોઢ વર્ષ પછી ભાજપ ફરી સત્તા પર પાછું ફર્યું હતું. ત્યારથી કોંગ્રેસ સતત પાર્ટીને દગો આપવા બદલ અને ભાજપમાં જોડાઇ જવા બદલ સિંધિયાને ટાર્ગેટ કરતી રહી છે.
દિગ્વિજય સિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણની આગેવાની હેઠળની ભાજપ સરકારને હટાવીને સત્તામાં પાછા ફરવાનો વિશ્વાસ ધરાવે છે. રાજ્યમાં ભાજપ સામે લોકોમાં આક્રોશની લહેર છે, લોકો શિવરાજ સિંહ ચૌહાણથી કંટાળી ગયા છે અને તેમના ખોટા વચનોથી નારાજ છે. જનતાના ગુસ્સાનો આ મત કોંગ્રેસની તરફેણમાં જઈ રહ્યો છે, તેવું વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે જણાવ્યું હતું.
એક્ઝિટ પોલના તારણો પર ટિપ્પણી કરતા દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે , “મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. મને મધ્યપ્રદેશના મતદારો પર વિશ્વાસ છે.”
મહત્વનું છેકે, આવતીકાલે મધ્યપ્રદેશમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થશે. આ સાથે જ સ્પષ્ટ થઈ જશે કે રાજ્યમાં આખરે કોની સરકાર બનવા જઈ રહી છે.