સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક્ઝિટ પૉલ્સ સામે ચૂંટણી પંચની લાલ આંખ
દેશના કોઈપણ રાજ્યમાં મતદાન હોય ત્યારે મતદાન પૂરું થયા બાદ જ એક્ઝટ પૉલ આપી શકાય. પ્રસાર માધ્યમો પર આ પ્રતિબંધ છે ત્યારે સંદેશાવ્યવહારનું આજકાલનું સૌથી મહત્વનું માધ્યમ સોશિયલ મીડિયા આ નિયમ પાળી રહ્યું નથી.
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન 25 નવેમ્બરના રોજ પૂર્ણ થયું હતું. હજુ તેલંગણામાં આવતીકાલે મતદાન થશે એટલે ચૂંટણી પંચની સૂચના મુજબ 30 નવેમ્બરે સાંજે 6 વાગ્યે એક્ઝિટ પોલનું પ્રસારણ કરી શકાશે, પણ સોશિયલ મીડિયામાં રાજસ્થાનના એક્ઝિટ પૉલ વાયરલ થતાં ચૂંટણી પંચે નોંધ લીધી હોવાની માહિતી મળી છે.
રાજસ્થાનમાં ભારે રસાકસીભરી વિધાનસભા ચૂંટણી 25મી નવેમ્બરે મતદાન બાદ જ સમાપ્ત થઈ ગઈ છે. જે બાદ તમામ પક્ષો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. ચૂંટણી પંચની સૂચના મુજબ તેલંગાણામાં 30 નવેમ્બરે સાંજે 6 વાગ્યે મતદાન સમાપ્ત થશે. તે પછી એક્ઝિટ પોલનું પ્રસારણ પણ થઈ શકશે. આ પછી પણ સોશિયલ મીડિયા પર ઘણા એક્ઝિટ પોલ આવવા લાગ્યા છે. ચૂંટણી પંચ આ બાબતે કડક બન્યું છે અને રાજસ્થાનના મુખ્ય ચૂંટણી અધિકારીએ આવા એક્ઝિટ પોલ દર્શાવનારાઓને નોટિસ મોકલવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે.
ચૂંટણી વિભાગની ગાઈડલાઈન મુજબ 30 નવેમ્બરે સાંજે 6 વાગ્યાથી એક્ઝિટ પોલ જાહેર થઈ શકે છે. આ માટે ઘણી સર્વે એજન્સીઓ અને મીડિયા સંસ્થાઓ પોતાના સ્તરે સર્વે કરી રહી છે. વોટિંગ પૂરું થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર એક્ઝિટ પોલનો મારો શરૂ થશે. જોકે રાજકીય નિષ્ણાતો ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા વ્હોટ્સએપ જેવા પ્લેટફોર્મ પર પોતાનું જ્ઞાન પિરસી રહ્યા છે. ત્રિશંકુ વિધાનસભાથી માંડીને પ્રચંડ બહુમતીવાળી સરકારો પણ કાગળ પર બની ગઈ છે.
આ મામલે રાજસ્થાનના મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું કે, 30 નવેમ્બરથી એક્ઝિટ પોલ માટે પરવાનગી આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ઘણા બેનામી એકાઉન્ટ પણ ચાલે છે. પરંતુ અમને ફરિયાદો મળતાં જ અમે નોટિસો આપીએ છીએ અને તેને સોશિયલ મીડિયા પરથી દૂર કરીએ છીએ. આ માટે અમારી સિસ્ટમ દિલ્હીમાં કામ કરી રહી છે. અમે જિલ્લાઓમાં મોનિટરિંગ સેલ પણ બનાવ્યા છે.