એકસ્ટ્રા અફેર

નીતીશ પણ દારૂબંધીથી થાક્યા કે શું?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે રાજ્યમાં દારૂબંધી અંગે સર્વે કરાવવાનો આદેશ આપતાં બિહારની દારૂબંધી ફરી ચર્ચામાં છે. છેલ્લા સાત વર્ષથી દારૂબંધીનું પૂંછડું ઝાલીને બેઠેલા નીતીશ કુમાર હાંફી ગયા છે અને સર્વેનું નાટક કરીને તેનાં તારણોને આધારે દારૂબંધી હટાવી દેવાનો તખ્તો ઘડી રહ્યા હોવાની વાતો વહેતી થઈ છે.
નીતીશે પોતે દાવો કર્યો છે કે, હું બિહારનો મુખ્ય પ્રધાન છું ત્યાં સુધી બિહારમાં દારૂબંધી રહેશે જ પણ રાજકારણીઓના દાવા પર કેટલો ભરોસો કરવો એ સૌ જાણે છે. એ લોકો બોલત કંઈક હોય છે ને કરતા કંઈક અલગ હોય છે. નીતીશ પણ તેમાં અપવાદ નથી જ એ જોતાં એ પણ દારૂબંધી નહીં હટે એવી વાતો કરીને છેવટે લોકોના અભિપ્રાયને આગળ કરીને દારૂબંધી હટાવી દે એવી શક્યતા નકારી ના શકાય.

નીતીશ બિહારમાંથી દારૂબંધી હટાવી દે તો એ મોટી વાત કહેવાશે કેમ કે નીતીશે ખરેખર બહુ ઝીંક ઝીલી છે. બિહારમાં નિતીશ કુમારે ૨૦૧૫માં ફરી સત્તા સંભાળી તેના એક અઠવાડિયામાં જ દારૂબંધી દાખલ કરી દીધેલી. નીતીશ કુમારે પોતે દારૂબંધીનું વચન આપેલું ને પોતે આપેલાં ચૂંટણી વચનોના અમલની દિશામાં પહેલું કદમ ઉઠાવીને બિહારમાં એક એપ્રિલ ૨૦૧૬થી સંપૂર્ણ દારૂબંધીના અમલની જાહેરાત કરી હતી. નીતીશની આ જાહેરાત મહત્ત્વની હતી કેમ કે ત્યારે ભારતમાં ગુજરાત, મણિપુર, નાગાલેન્ડ તથા કેરળ એ ચાર રાજ્યોમાં જ દારૂબંધી હતી. આ પૈકી સંપૂર્ણ દારૂબંધી તો મણિપુર અને ગુજરાતમાં જ હતી એ જોતાં નીતીશ કુમારનો લઘુમતીમાં જોડાવાનો નિર્ણય હિંમતભર્યો હતો.

બિહારમાં દારૂ પરના કરવેરામાંથી જંગી કમાણી થતી હતી. દર વરસે એક હજાર કરોડ રૂપિયા કરતાં વધારે કર મળતો હતો. દારૂ બનાવનારી જાણીતી કંપનીઓ બિહારમાં ૧,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરીને બેઠી હતી અને તેના કારણે સેંકડો લોકોને રોજગારી મળતી હતી. બિહારમાં ટુરિઝમના કારણે પણ સારી એવી આવક થાય છે ને ટુરિઝમના વિકાસમાં દારૂ મહત્ત્વનો ભાગ ભજવે છે.

નીતીશ કુમારના નિર્ણયના કારણે બિહારે દારૂના કરવેરાની કમાણી, દારૂની કંપનીઓનું રોકાણ તથા રોજગારી અને ટુરિઝમની આવક ત્રણેય ગુમાવવા પડશે એવી ચેતવણી અપાયેલી છતાં નિતીશે પોતે આપેલું વચન પૂરું કરવા દારૂબંધી લાગુ કરીને હિંમતભર્યો નિર્ણય લીધો હતો. નીતીશે બિહારની ચૂંટણી વખતે આપેલા દારૂબંધીના વચનના કારણે મહિલાઓના મત તેમને જંગી પ્રમાણમા મળ્યા હતા તેથી તેમણે તાબડતોબ દારૂબંધી દાખલ કરી નાંખેલી કે જેથી મહિલાઓ જેડીયુ સાથે જ રહે.

નીતીશના આદેશના પગલે ૨૦૧૬માં એક એપ્રિલથી બિહારમાં દારૂબંધીનો અમલ શરૂ થયો ત્યારે સૌ હસતાં હતાં. નીતીશે જોશમાં ને જોશમાં દારૂબંધીનો નિર્ણય લઈ તો લીધો પણ લાંબું નહીં ખેંચી શકે એવા ટોણા તેમના વિરોધી મારતા હતા. તેનું કારણ એ હતું કે ભારતમાં દારૂબંધીનો ઈતિહાસ બહુ વરવો છે. મોટા ઉપાડે દારૂબંધીના ચાળે ચડેલા ઘણા મુખ્ય પ્રધાનો પછી પાણીમાં બેસી ગયા એવો ઈતિહાસ છે. આ કારણે નીતીશ પણ બહુ જલદી પાણીમાં બેસી જશે એવી વાતો થતી હતી પણ નીતીશ મક્કમ રહ્યા ને સાત વર્ષ ખેંચી કાઢ્યાં. બિહારમાં દારૂબંધીની વિપક્ષોએ બહુ ટીકા કરી છે, લઠ્ઠાકાંડ પણ થયા છે ને છતાં નીતીશ ઝૂક્યા નથી.
નીતીશ સારું ને સાચું કરી રહ્યા છે કે નહીં એ ખબર નથી પણ આ દેશમાં બહુ ઓછા મુખ્ય પ્રધાન દારૂબંધીને વળગી રહી શક્યા છે. અત્યારે ગુજરાત અને બિહાર એ બે મોટાં રાજ્યો ઉપરાંત નાગાલેન્ડ અને મિઝોરમમાં જ દારૂબંધી છે. ગુજરાતે ગાંધીજીના નામે દારૂબંધીને વળગી રહેવું પડ્યું છે જ્યારે નાગાલેન્ડ અને મિઝોરમમાં ખ્રિસ્તીઓના વિરોધના કારણે રાજકીય કારણસર દારૂબંધીને અપનાવી છે. બિહારની એવી કોઈ મજબૂરી નથી છતાં નીતીશ જીદે ચડીને દારૂબંધીને વળગી રહ્યા છે. બાકી ભલભલા મુખ્ય પ્રધાનો પાણીમાં બેઠેલા છે.

આઝાદી વખતે મોટા ભાગનાં રાજ્યોમાં દારૂબંધી હતી પણ ૧૯૬૦ સુધીમાં બધાં રાજ્યો દારૂની કમાણીની લાલચમાં દારૂબંધી હટાવીને બેસી ગયેલાં, એક માત્ર ગુજરાત અડીખમ રહેલું. ગુજરાતનું જોઈને ઘણાં રાજ્યો દારૂબંધી તરફ વળ્યાં પણ ફાવ્યાં નહીં. તમિલનાડુમાં ૧૯૭૭માં એમ.જ. રામચંદ્રને દારૂ પર નિયંત્રણો લાદેલાં પણ ત્રણ વરસમાં નિયંત્રણો હટાવી લેવાં પડ્યાં. બિહારમાં જ કર્પૂરી ઠાકુરે ૧૯૭૭માં દારૂબંધી દાખલ કરેલી પણ ચાર મહિનામાં તો દારૂબંધીના તબેલાનો સંકેલો કરી લેવો પડેલો.

આંધ્ર પ્રદેશમાં મહિલાઓએ દારૂના દૂષણ સામે મોરચો માંડ્યો પછી એન.ટી. રામારાવની સરકારે ૧૯૯૪માં દારૂબંધી દાખલ કરેલી પણ તેમને ઉથલાવીને ગાદી પર ચડી બેઠેલા તેમના જમાઈ ચંદ્રાબાબુ નાયડુએ ૧૯૯૭માં દારૂબંધી હટાવી લીધેલી. હરિયાણામાં ૧૯૯૬માં બંસીલાલની હરિયાણા વિકાસ પાર્ટી અને ભાજપ સત્તામાં આવ્યાં ત્યારે બંસીલાલે પહેલી જાહેરાત રાજ્યમાં દારૂબંધીની કરેલી.

૧૯૯૮માં બંસીલાલની પાર્ટીને લોકસભાની ચૂંટણીમાં એક જ બેઠક મળી એટલે બંસીલાલના માથેથી દારૂબંધીનો નશો ઉતરી ગયો ને તેમણે શાણપણ વાપરીને સંકેલો કરી લીધો. મિઝોરમમાં ખ્રિસ્તી નેતાઓના દબાણ હેઠળ ૧૯૯૫થી દારૂબંધી હતી પણ ૨૦૧૪માં મિઝોરમ પણ પાણીમાં બેઠું ને દારૂબંધી હટાવી લીધી. છેલ્લે કેરળે ૨૦૧૪માં દારૂબંધી કરેલી પણ ૨૦૧૭માં ડાબેરી મોરચાની સરકાર આવતાં હટાવી દેવાયેલી.

નીતીશે વિરોધ સામે ઝીંક ઝીલીને દારૂબંધીને ટકાવી છે પણ હવે અચાનક દારૂબંધી અંગે સર્વે કરાવતાં નીતીશ પણ પાણીમાં બેસશે કે શું એવો સવાલ થઈ રહ્યો છે. નીતીશની રાજકીય કારકિર્દી અને કશું કર્યા વિના સત્તામાં ટકી રહેવાની અવડતને જોતાં નીતીશ એવું પગલું ભરે એવી શક્યતા ઓછી છે. બલકે લોકસભાની ચૂંટણીમાં આ સર્વેનો પણ મુદ્દો બનાવી નાંખે એવું વધારે લાગે છે.

દારૂબંધીના કારણે બ્લેક મનીનું સમાંતર અર્થતંત્ર અને ગુનાખોરીનું નેટવર્ક ઊભું થાય છે એ સાચું પણ તેના કેટલાક ફાયદા છે. નીતીશ એ ફાયદાનો ઉપયોગ લોકસભાની ચૂંટણીમાં પોતાના ફાયદા માટે કરે એવું લાગી રહ્યું છે. બિહારમાં દારૂબંધીના કારણે મહિલાઓની સલામતી વધી છે, લોકોની બચત વધી છે, ગુનાખોરી ઘટી છે એવાં તારણે દ્વારા નીતીશ બિહારને પોતે સુધારી નાંખ્યું એવું ચિત્ર ઊભું કરી નાંખે એવી શક્યતા નકારી ના શકાય. નીતીશ ખેલાડી છે તેથી ગમે તે કરી શકે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત