ચાલોને કરીએ સોનેરી સંકલ્પ: નૂતન વર્ષ પ્રારંભે!
‘શૈક્ષણિક સત્રારંભે એક શિક્ષક, આચાર્ય અને વિદ્યાર્થી માટેના સંકલ્પો કેવા હોય?’
મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા
કેટલાક દિવસ પહેલાં વિક્રમ સંવતનું નવું વર્ષ ૨૦૮૦ બેસી ગયું. નવું વર્ષ શરૂ થાય એટલે અનેક અવનવા વિચારો મનમાંથી પસાર થાય. નવા વર્ષના આગમન ટાણે જૂના વર્ષનો હિસાબ કરીને નફા-નુકસાનનો તાળો મેળવવામાં આવતો હોય છે. વર્ષના પ્રારંભે એવા સંકલ્પો કરીએ જે આપણા માટે મદદરૂપ પુરવાર થાય.નવા વર્ષના પ્રારંભે નવા સંકલ્પો એટલે કે કંઈક નવું કરવાની કોશિશ.કંઈક ભૂલો સુધારવાના અરમાન. કંઈક રચનાત્મક, સર્જનાત્મક અને સામાજિક પ્રવૃત્તિઓ કરવાનું આયોજન, પરંતુ અફસોસ એટલા માટે થાય કે મોટાભાગના આવા નવા સંકલ્પો માત્ર કાગળ પર જ કે પછી માત્ર આપણા મગજમાં કોઈ એકાદ ખૂણામાં રહી જતા હોય છે.પણ તેનો અમલ થતો નથી.
વર્ષના પ્રારંભે કેટલાક એવા સંકલ્પો કરવા જોઈએ કે જે આવનારા વર્ષમાં આપણા માટે મદદરૂપ પુરવાર થઈ શકે. નવા વર્ષની નૂતન સવારથી નવા સંકલ્પો પર અમલ કરીને આપણે ભવિષ્યને સુંદર બનાવી શકીએ છીએ. આ કામ અઘરું જરૂર હશે, પરંતુ અશક્ય તો નથી જ.
આજની આ દોડતી દુનિયામાં કોઈ વ્યક્તિને અન્ય માટે સમય નથી, ત્યારે તમારા માટે કોઈપણ જાતના સ્વાર્થ વગર જરૂર પડે ત્યારે ઊભા રહે એવા લોકો ઈશ્ર્વરના આશીર્વાદ સમાન હોય છે. તમે ભલે કોઈ વ્યક્તિ સાથે દિવસની ફક્ત દસ મિનિટ વિતાવો, પરંતુ તે તમારા વિશે બાકીના ૨૩ કલાક અને ૫૦ મિનિટ વિચારે એવું કંઈક કરો.તમને સંબંધો બનાવતા અને એની માવજત કરતા આવડવું જોઈએ.આ વર્તમાન સમયમાં સંબંધો જ ઉપયોગી થતા હોય છે. ઘણી વખત નાના લાગતા લોકો જ તમને જિંદગીમાં ખરા સમયે કામ આવતા હોય છે.આવા લોકોની ટીમ જ તમને મુશ્કેલીમાંથી બહાર આવવામાં મદદરૂપ થશે. તમારે સંબંધને મજબૂત બનાવવા માટે સામે વાળી વ્યક્તિને સમજીને પૂરો સમય આપવો જ રહ્યો.કોઈ પણ સંબંધ એક તરફી હોય તો તેના ભવિષ્ય પર હંમેશાં પ્રશ્ર્નાર્થ લાગેલો રહે છે.પરસ્પરના સંબંધો માત્ર નાણાકીય વ્યવહાર પૂરતા જ સીમિત નથી હોતા. આ સંબંધો એકબીજાને વિચારોથી પણ મદદ કરી શકે છે.એકબીજાના કામકાજ આટોપીને પણ મદદરૂપ થઈ શકે છે. એકબીજાને મોરલ સપોર્ટ આપીને પણ મદદરૂપ થઈ શકે છે. અર્થાત્ સંબંધોની ઉપયોગીતા વિશે તો લખીએ એટલું ઓછું. ખાસ કરીને ટૅકનોલૉજીના વિકાસ પછી તો સોશિયલ મીડિયાના માધ્યમે એટલા બધા સંબંધો વિકસાવવાનો અવસર સાંભળો છે કે ન પૂછો વાત. દુનિયાના ખૂણે ખૂણેથી લોકોના સંપર્કમાં આવવું ખૂબ જ સરળ બની ગયું છે.આ માધ્યમના આધારે બંધાતા સંબંધ ઘણી વખત ખૂબ જ મદદરૂપ થતા હોય છે. બંને વચ્ચેના અંતરને લીધે ઘણી વખત એકબીજાને મળવું ખૂબ જ ઓછું બનતું હશે, તેમ છતાં એકબીજાને ઉપયોગી થવાનું ખૂબ જ સરળ થઈ ગયું છે.
સંકલ્પ લેવાથી મોટો ફાયદો એ થાય છે કે તમે જે ઈચ્છી રહ્યા છો તેને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહો છો.
નવા વર્ષની શરૂઆતમાં કોઈ એક સંકલ્પ લેવો જોઈએ અને તેને પૂર્ણ પણ કરવો જોઈએ.આ સંકલ્પ આપણા પોતાના, અન્ય વ્યક્તિના કે સમાજના વિકાસ માટે હોઈ શકે. સંકલ્પ માટે નિયમ, પ્રતિજ્ઞા, ઈરાદો, ઈચ્છા, નિર્ધાર, નિશ્ર્ચય જેવા અનેક શબ્દો વપરાય છે.તમને જે શબ્દ ગમતો હોય તે શબ્દ પકડીને તમે કોઈ એક સંકલ્પ- નિર્ધાર કરો.તમારો સંકલ્પ તમને સતત યાદ અપાવે છે કે તમારે શું કરવાનું છે કે નથી કરવાનું. પરિણામ સ્વરૂપ તમે ધારેલ બાબત સુધી પહોંચવા માટે ઈરાદાપૂર્વકના સતત
પ્રયત્ન કરો છો,જે તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડે છે.
આવતી કાલથી શૈક્ષણિક વર્ષનું બીજું સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે એક શિક્ષક,આચાર્ય અને વિદ્યાર્થી માટે કેવા સંકલ્પો હોઈ શકે, તેના પર પણ એક નજર કરીએ.
શિક્ષકે કરવા જેવા સંકલ્પ
દરેક શિક્ષક નિચોવાઈને નિષ્ઠાપૂર્વક કામ કરે તેવી અપેક્ષા સૌ વિદ્યાર્થી અને વાલીની હોય છે. સમાજની સૌથી વધુ વિશ્ર્વાસ પૂર્વકની અપેક્ષા શિક્ષક પાસે હોય છે. ત્યારે શિક્ષક આવું કશુંક કરી બતાવે !
હું શાળામાં અને વર્ગમાં સમયસર જ જઈશ.વર્ગમાં શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરીને જ શિક્ષણકાર્ય કરીશ.અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓ માટે અલગ સમય ફાળવીને તેમને શીખવીશ. માત્ર કોર્ષ પૂરો કરાવવા પુરતી મનોવૃત્તિ ટાળીશ. વર્ગમાં કોઈ વિદ્યાર્થીનું અપમાન નહીં કરું અને પ્રોત્સાહન આપીશ.વાલી સાથે નમ્રતાપૂર્વક વ્યવહાર કરીશ. કોઈપણ વિદ્યાર્થીએ ટ્યૂશન રાખવું પડે તેવી પરિસ્થિતિ ઊભી નહીં કરું. પતિ-પત્ની એક જ શાળામાં ફરજ બજાવતાં હોઈએ ત્યાં બંને દરરોજ સમયસર જઈશું. મારા અંગત પ્રશ્ર્નો કે પીડાનાં રોદણાં વર્ગખંડમાં ગાઈશ નહીં. ગામમાં સાક્ષરતાનો દર વધે તે માટે લોકોને પ્રોત્સાહન અને સગવડ આપીશું. કોઈ એક સામાજિક પ્રવૃત્તિમાં જોડાઈશ. મારી હાજરીમાં પરીક્ષામાં વિદ્યાર્થીને ચોરી નહીં કરવા દઉં.સમાજમાં વ્યાપેલ બદીઓ દૂર કરવા શક્ય પ્રયત્ન કરીશ. કમ્પ્યૂટર અને ઈન્ટરનેટનો ઉપયોગ શૈક્ષણિક કાર્ય માટે કરીશ. બાળકોને રસ પડે અને મજા આવે તે માટે નવા પ્રયોગો કરીશ. ‘મારો વર્ગ એ જ મારું સ્વર્ગ’ એમ માનીને વર્ગને કાયમી હસતો ખેલતો રાખીશ. એક શિક્ષકને શોભે તેવા કપડાં હંમેશા પહેરવાનો આગ્રહ રાખીશ. કોઈપણ જાતના વ્યસન કે દુર્ગુણોથી દૂર રહીશ. મારા ચારિત્ર્યને ક્યારેય પણ કલંક કે ડાઘ નહીં લાગવા દઉં.
આચાર્યએ કરવા જેવા સંકલ્પ
શાળાના તમામ કર્મચારીઓ સાથે કોઇપણ ભેદભાવ રાખ્યા વગરનું વર્તન કરીશ. મારા દરેક નિર્ણય તટસ્થતાથી લઈશ. સારું કામ કરનાર શિક્ષકને પ્રોત્સાહન આપીશ અને નબળું કામ કરનાર શિક્ષકને સમજાવીશ. સમજાવવા છતાં જો તે નહિ સમજે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરીશ.શિક્ષકોને નવું કરવા માટે પ્રોત્સાહન અને સગવડ આપીશ.
શાળામાં સહાભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા શાળાને સતત ધબકતી રાખીશ. શૈક્ષણિક કામની સાથે વિદ્યાર્થીઓમાં મૂલ્યોનું સિંચન થાય તે માટેના પ્રયત્નો કરીશ. વિદ્યાર્થી અને શિક્ષકના વ્યક્તિત્વ વિકાસ માટે શાળામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીશ અને તેમાં વાલીને પણ સામેલ કરીશ. શાળાના તમામ કર્મચારીઓ ટૅક્નોલૉજીનો ઉપયોગ કરીને શીખવે તેવા વાતાવરણનું સર્જન કરીશ. સારાં પુસ્તકો વાંચીશ અને શિક્ષકોને વાંચવા માટે પ્રેરીશ. જાહેરમાં કોઈપણ વિદ્યાર્થી કે શિક્ષકનું અપમાન નહીં કરું.
વિદ્યાર્થીએ કરવા જેવા કેટલાક સંકલ્પ
હું મારા વાલી અને શિક્ષકનું સન્માન કરીશ અને તેમની સામે નમ્રતાથી વર્તન વ્યવહાર કરીશ. મારો મોટા ભાગનો સમય અભ્યાસ પાછળ ગાળીશ. અભ્યાસ સિવાયની પ્રવૃત્તિમાં જોડાતાં પહેલાં શિક્ષક કે વાલીનું માર્ગદર્શન મેળવીશ.જરૂરિયાતમંદ વિદ્યાર્થીને મદદરૂપ થઇશ.કોઈપણ દીવાલ પર ગંદા સૂત્રો નહીં લખું.બસમાં વગર ટિકિટે મુસાફરી નહીં કરું. તેમ જ જાહેર સંપત્તિને નુકસાન નહીં કરું શાળા-કોલેજ અને શિક્ષક-વાલી મારા માટે ગૌરવ અનુભવે તેવી કોઈ એક પ્રવૃત્તિ કરીશ. શાળા કૉલેજમાં સ્વચ્છતા રાખીશ અને ઘરના સભ્યોને સ્વચ્છતા રાખવા સમજાવીશ.પરીક્ષામાં ચોરી કરીને પાસ થવાની મનોવૃત્તિ નહીં રાખું. મોબાઈલનો ઉપયોગ માત્ર ને માત્ર શૈક્ષણિક હેતુ માટે જ કરીશ. કોઈપણ જાતના વ્યસન નહીં કરું. વિદ્યાર્થી માટે સૌથી અગત્યનો સંકલ્પ એ છે કે, ગત પરીક્ષાના પરિણામ કરતાં હવે પછીની પરીક્ષાનું પરિણામ સુધારવું અને સહઅભ્યાસ પ્રવૃત્તિઓમાં ભાગ લેવો.
ઉપરોક્ત સંકલ્પમાં જણાવેલ બાબતો ‘ભજ્ઞમય જ્ઞર ભજ્ઞક્ષમીભિ’ં આમ તો દરેકની નૈતિક ફરજમાં આવે જ છે. પણ આજે તે નૈતિકતા દેખાતી નથી. માટે જ આવા સંકલ્પ લેવાની જરૂરિયાત ઊભી થાય છે. નવા વર્ષનો એક સંકલ્પ અને તેનો અમલ આપણી અને આપણા કુટુંબની દિશા બદલી શકે.