રાજુ ચૂંટણીમાં હારશે કે જીતશે?? લેટ અસ વોચ એન્ડ વેઇટ ટીલ થર્ડ ડિસેમ્બર!!
વ્યંગ -ભરત વૈષ્ણવ
“ગિરધરભાઇ તમારા ટેકાની જરૂર છે. આટલું બોલીને રાજુએ કુછ મીઠા હો જાયે બ્રાંડની ચોકલેટનું બોકસ મારા ઘરની ટિપોઇ પર મૂકયું. રાજુનો હુલિયો બદલી ગયેલો. લઘરવઘર ટીશર્ટ અને કોથળા સમાન પેન્ટને કપડાજંલિ આપી દીધેલી. ધાર અડી જાય તો લોહી દદડવા માંડે તેવી આર કરલો ઝભ્ભો, ખાદીનો લેંઘો, ઝભ્ભા પર જેકટ, ભાલપ્રદેશમાં નેશનલ હાઇવે જેવો કુમકુમનો ચાંદલો, પનીર કે ચીજ ચોપડીને ચીના જેવા વાળ તૈલી કરેલા. વારંવાર લાંબાટુંકા હાથ કરીને ઝઘડતાં રાજુના હાથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે રોબોની જેમ નમસ્કારની મુદ્રામાં જોડાયેલા હતા. રાજુ રદીનું રાજકારણીમાં રૂપાંતર થઇ ગયેલું!!
“રાજુ. આટલી બધી મિઠાઇ? અર્બન ફિલ્મની કોઇ ચરિત્ર અભિનેત્રી સાથે સેટિંગ થયું છે કે શું? કરિયાવરમાં કેટલા સંતાનો સાથે લાવશે? મેં રાજુને એકસામટા સવાલ પૂછ્યા.
“ગિરધરભાઇ. લગ્નની વાત જ ન કરશો. મને મરવાનો ટાઇમ નથી. બહુ કામ છે. રાત થોડીને વેશ ઝાઝા છે. કતલની રાત છે. મારતા ઘોડે દોડવાનું છે!! તમારે મારા પ્રચારમાં આવવાનું છે?? રાજુએ સાંપ્રત સ્થિતિ જણાવી.
“રાજુ શેનો ટેકો? શેનો પ્રચાર? સમજાય તેવું બોલ. ફોડ પાડીને કહે. પહેલી મત બુઝા, મેરે દોસ્ત! મેં ફ્લોસોફિકલ અંદાજમાં મનની મૂંઝવણ બયાન કરી!!
“ગિરધરભાઇ. ખૂબ દોડાદોડી કરી. દિલ્હીના ધકકાધોડા કર્યા. પણ, છેવટે મેળ પડી ગયો. રાજુએ ઉત્તેજનાથી કહ્યું. તેના મુખકમળ પર સંત આશારામ જેવી ઓરા કે તેજપુંજ વિલસતું હતું!!
“રાજુ. તું વિધાનસભાની ચૂંટણી લડી રહ્યો છે?? તને કોણે કોંગ્રેસે, ભાજપ કે આપે ટિકિટ આપી? મેં એકે-૪૭ જેવો સ્ફોટક સવાલ પૂછ્યો!!
“ગિરધરભાઇ. પૂછશો જ નહીં. વૈકુંઠ નાનું ને ભગતડાં વધારે છે. ક્યાંક આરબ અને ઊંટ જેવું કમઠાણ છે. બહારના આયાતી કે પેરેશૂટ ઉમેદવાર પક્ષને હાઇજેક કરે છે. ઘરના પોસ્ટર લગાવે-ખુરશી ગોઠવે, નેતાનો જયજયકાર કરે અને આયારામ ગયારામને ટિકિટ જેવો તાલ છે. કાર્યકરને ઘર કી મુર્ગી સમજે છે. એક પક્ષમાં ટિકિટ લગભગ ફાઇનલ થયેલી અને છેલ્લી ઘડીના ફેરફારમાં સિનારિયો બદલાઇ ગયો.
બીજા પક્ષમાં જ્ઞાતિ સમીકરણમાં ટિકિટ બકરાની જેમ વધેરાઇ ગઇ!! ત્રીજા પક્ષમાં ટિકિટોની નિલામી થઇ. તળિયાના ભાવ બે કરોડ હતા તેમાં
હરાજીમાં આપણો કયાં ગજ વાગે?? પ્રભુ કોઇને ટિકિટ વિના રાત્રે સુવડાવતો નથી!! છેવટે મારો મેળ પડી ગયો. રાજુએ ચૂંટણીની ટિકિટની ખેંચાતાણ રજૂ કરી.
“રાજુ. તને કંઇ પાર્ટીએ ટિકિટ આપી?? મે મૂળ સવાલ પૂછ્યો.
“ગિરધરભાઇ. હમણા નવી પાર્ટી લોંચ થઇ છે લાંઉંપ એટલે કે લાંચ ઉતેજન પાર્ટી. અમારી પાર્ટી લાંચ લેનારના હક્ક -હિસ્સાનું સંરક્ષણ, સંવર્ધન, સંગોપનન અને સમાયોજન કરવામાં વિશ્વાસ રાખે છે!! અમારા પક્ષનો નાનામાં નાનો કાર્યકર લાંચની પ્રવૃત્તિને ધબકતી રાખવા ફૂલ નહીં પાંખડી લાંચ રૂપે મળેતે માટે સદૈવ પ્રયત્નશીલ રહેશે!! લાંચના હવનમાં હાડકા નાંખતા એસીબી, ઇડી, ઇન્કમટેકસની સાન ઠેકાણે લાવશે. અમારું સ્લોગન છે હું ખાઉ છું. હું બીજાને ખાવા દઉં છું. લાંચ મારો પરમ સંતોષ છે!! રાજુએ લાં. ઉ. પક્ષની ફિલેસોફી અને મોટો રજૂ કર્યા!!
“રાજુ તમારા સંકલ્પપત્ર કયા સંકલ્પો છે?? મેં પૂછયું
“ઇ. સ. ર૦૩૦ સુધીના હર ધર રિશ્ર્વતનો ટારગેટ છે. મકાન બાંધકામમાં એસઓઆર તૈયાર કરવામાં આવે છે તેમ શિડયુલ ઓફ બ્રાઇબ વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરીશું. કીડીને કણ હાથીને મણ મુજબ બધાને સપ્રમાણ લાંચ મળી રહેશે. વિદેશો સાથે લાંચોતેજક દ્વિપક્ષી કરારો કરવામાં આવશે. બિઝનેસ ઇઝ ઓફ ડુઇંગમાં આઝાદીની શતાબ્દીની ઉજવણી સમયે ખાનગી અને જાહેરમ ક્ષેત્રોમાં લાંચ ક્ષેત્રે મળેલી ઉપલબ્ધિનો શ્યામપત્ર બહાર પાડશું.
લાંચમાં વિશેષ યોગદાન માટે લાંચશ્રીથી લાંચરત્નના પારિતોષિક એનાયત કરવામાં આવશે. એસીબી અને એસીબી કોર્ટોનું વિસર્જન કરીશું. રાજુએ ગેરંટી-વોરંટી, વચનપત્ર, સંકલ્પપત્ર, મેનીફિસ્ટો, ઢંઢેરો જાહેર કર્યો.
કવાઇટ ઇમ્પ્રેસિવ. ગ્રાઉન્ડ લેવલે કરેલી મહેનત ચૂંટણી ઢંઢેરામાં પ્રતિબિંબિત થાય છે.
રાજુ ચૂંટણીના ફોર્મમાં બાયોડેટામાં શું લખ્યું? મેં રાજુને પૂછયું.
“ગિરધરભાઇ. મેં અભ્યાસની કોલમમાં સાંજ -રોંઢા સુધી અભ્યાસ લખ્યું છે. રોકડ રકમ-હાથ પરની સિલકમાં છીનવીએ એટલી સિલક એમ ઠપકાર્યું છે. મિલકતમાં ઉપર આભ અને નીચે ધરતી એમ અઠેઠે દ્વારકા ઠોક્યું છે. ઉમેદવાર પર નોંધાયેલ ગુનાના કોલમમાં દેશમાં જન્મ લેવાનો અપરાધ કર્યો છે એમ લખ્યું છે!! રાજુએ ચૂંટણી ફોર્મની વિગતો શેર કરી.!!
“રાજુ. ચૂંટણીમાં જીતની સંભાવના કેટલી છે? મેં રાજુની દુખતી નસ દબાવી.
“જુઓ ગિરધરલાલ ચૂંટણીમાં જીતે તે સિકંદર બાકી બધા છછુંદર. ચૂંટણીનું પરિણામ ન આવે ત્યાં લગી આપણે વિજેતા જ છીએ. લગભગ દસ હજારની લીડથી જીત દર્જ કરીશ. રાજુએ કહ્યું.
ચૂંટણી રાજુ રદી માટે ભર્યું નારિયેળ છે!! બલાઇન્ડમાં તીન પત્તિ કે રમી રમવા જેવું છે. એમ તો, લગ્ન પણ બ્લાઇન્ડમાં રમાય છે ને!! ચૂંટણીમાં રાજુ જીતશે કે હારશે તે અંગે તમારું શું મંતવ્ય છે??
લેટ અસ વેઇટ એન્ડ વોચ ટીલ થર્ડ ડિસેમ્બર!!!