કોણ છે બાબા બૌખનાગ? કે જેમને સીએમ ધામીએ આપ્યું ઓપરેશન સફળ થવાનું ક્રેડિટ…
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આવેલા સિલક્યારા ટનલમાંથી 17 દિવસ સુધી ફસાયેલા મજૂરો હવે કોઈ પણ ક્ષણે બહાર આવી શકે છે. લોકો રેસ્ક્યુ ઓપરેશન કરનારી ટીમની મહેનતઅને હિંમતને સલામ કરી રહ્યા છે, પણ એની સાથે સાથે જ લોકો બાબા બૌખનાગનો પણ આભાર માની રહ્યા છે. લોકોની એવી માન્યતા છે કે ટનલની અંદર આટલા દિવસ સુધી ફસાયેલા મજૂરોની સુરક્ષા બાબા બૌખનાગ જ કરી રહ્યા છે અને એમની જ કૃપાદ્રષ્ટિ છે કે આ ઓપરેશન સફળ થયું અને હવે મજૂરો બહાર આવશે. એવામાં હવે આખરે આ બાબા બૌખનાગ કોણ છે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે તો અમે તમારા આ સવાલનો જવાબ લઈને આવ્યા છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે ચાર ધામ પ્રોજેક્ટ હેઠળ ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર બની રહેલી સિલક્યારા ટનલનો એક હિસ્સો તૂટી પડતાં 41 મજૂરો ફસાઈ ગયા હતા. 12મી નવેમ્બરથી લોકો આ 41 મજૂરો સુખરૂપ બહાર આવે એ માટે પ્રાર્થના અને ઓપરેશનનો દૌર શરૂ થઈ ગયો હતોય જ્યારે વારંવાર રેસ્ક્યુ ઓપરેશનમાં અવરોધો આવ્યા ત્યારે સ્થાનિકોએ તેને દૈવીય પ્રકોપ ગણાવ્યો હતો અને કહ્યું કે બાબા બૌખનાગને કારણે આ દુર્ઘટના થઈ છે. બાબાની કૃપા હશે તો જ બધા મજૂરો હેમખેમ બહાર આવશે.
સ્થાનિક લોકો દ્વારા વારંવાર કરવામાં આવી રહેલાં બાબા બૌખનાગનો ઉલ્લેખ આખરે રેસ્ક્યુ ટીમ સુધી પણ પહોંચ્યોય લોકો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે આ ટનલ બનાવવા પહેલાં અહીં બાબા બૌખનાગનું એક મંદિર હતું જેને તોડવામાં આવ્યું છે. જ્યાં સુધી આ મંદિર નહીં બનાવવામાં આવે ત્યાં સુધી મજૂરો બહાર નહીં આવી શકે. ત્યાર બાદ ટનલની બહાર જ બાબા બૌખનાગનું એક નાનું મંદિર બનાવવામાં આવ્યું અને એમાં પૂજા-અર્ચના કરવામાં આવી.
મંગળવારે જ્યારે રેસ્ક્યુ ટીમ મજૂરો સુધી પહોંચી ગઈ હોવાના સમાચાર આવ્યા એ પહેલાં આ ટીમને લીડ કરી રહેલાં ઓસ્ટ્રેલિયન ઈન્ટરનેશનલ ટનલ એક્સપર્ટ અર્નાલ્ડ પણ અહીં પૂજાપાઠ કરતા જોવા મળ્યા હતા. ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ પણ મજૂરોને બચી જવાની ઘટનાને બાબા બૌખનાગની કૃપા જ ગણાવી હતી.
બાબા બૌખનાગને પર્વતોના રક્ષક માનવામાં આવે છે અને ઉત્તરકાશીના રાડી ટોપમાં બૌખનાગ દેવતાનું એક મંદિર પણ આવેલું છે. સ્થાનિકોની એવી માન્યતા છે કે બાબા બૌખનાગ પહાડોની રક્ષા કરે છે. લોકોમાં એવી લોકવાયકા પણ પ્રખ્યાત છે કે બાબા બૌખનાગ પહાડોમાં રહેતાં લોકોની મનોકામના પૂરી કરે છે.