સેમ ઓલ્ટમેનના પાછા ફરતા જ OpenAIમાં ધમાધમી! ChatGPT બાદ નવા પ્રોજેક્ટની જાહેરાત
OpenAIમાં સેમ ઓલ્ટમેનની ઘરવાપસી થઇ ગઇ છે. વાપસી બાદ સેમ વધુ એક ક્રાંતિકારી પ્રોજેક્ટને આકાર આપવા જઇ રહ્યા છે. આ પ્રોજેક્ટનું નામ છે Q* (પ્રોજેક્ટ Q સ્ટાર). OpenAI આજના સમયની ખૂબ જ જાણીતી AI ટેકનોલોજી ડેવલપ કરનારી કંપની છે જેણે ChatGPT બનાવીને ટેક દુનિયામાં ક્રાંતિ સર્જી દીધી હતી.
OpenAIના પ્રોજેક્ટ Q* અત્યારે ટેકનોલોજી વર્લ્ડમાં ચર્ચાનું કેન્દ્ર બનેલું છે. આ એક નવા જ પ્રકારની AI શોધ છે જેના પર આમ તો લાંબા સમય સુધી કંપનીમાં કામ ચાલી રહ્યું હતું. તેમ છતાં ઘણા ઓછા લોકોને આ વાતની ખબર હતી. સમાચાર એજન્સી રોયટર્સના એક અહેવાલ મુજબ પ્રોજેક્ટ Q* એ એક AGI (આર્ટિફિશીયલ જનરલ ઇન્ટેલિજન્સ) ટુલ છે, જે માણસની જેમ જ ગાણિતીક પ્રશ્નોને ઉકેલી શકે છે, લોજીકલ રિઝનિંગના સવાલોને સોલ્વ કરી શકે છે. સેમ ઓલ્ટમેને જણાવ્યું હતું કે AI ટેકનોલોજી મનુષ્યના મગજ કરતા પણ વધારે સ્માર્ટ હોઇ શકે છે.
પ્રોજેક્ટ Q* એ સૌપ્રથમ AI મોડલ છે જે લોજીકલ રિઝનિંગ એટલે કે તાર્કિક અને વિશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવે છે. રિસર્ચર સોફિયાએ એક મીડિયાને આપેલી માહિતી મુજબ, પ્રોજેક્ટ Q*માં 2 AI મોડલને એકત્ર કરીને વિકસાવવામાં આવ્યું છે. તેમાં Q એ લર્નિંગ છે અને *એ સર્ચ છે. આ મોડલ ડેટામાંથી શીખે છે અને માણસની જેમ એપ્લાય કરે છે. તેમાં ઘણી એડવાન્સ ટેકનોલોજી વાપરવામાં આવી છે. એક રીતે કહી શકાય કે આ મોડલ માણસના મગજની જેમ કામ કરતું થઇ જાય એવી શક્યતાઓ છે.
અત્યાર સુધી AI મોડલમાં જે ડેટા એકત્ર કરેલો હોય તેના પરથી તે કાર્યરત થતું હતું. પરંતુ હવેની ટેકનોલોજીમાં AIની વિચારક્ષમતા વિકસાવવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. તે પોતાની રીતે જ આઇડિયા ડેવલપ કરશે, સમસ્યાઓનું જાતે જ સમાધાન કાઢશે.
OpenAIના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા સેમ ઓલ્ટમેનને કાઢી મૂક્યા બાદ તેમના સાથી ગ્રેગ બ્રોકમેનની હકાલપટ્ટી, બંનેનું માઇક્રોસોફ્ટમાં જોડાવું, સત્યા નાડેલા દ્વારા જાહેરાત કરાયા બાદ OpenAIના કર્મચારીઓનો બળવો, આ તમામ નાટકીય ઘટનાક્રમ વિશે તો સૌને ખ્યાલ છે પરંતુ આખરે શા માટે તેમને કાઢવામાં આવ્યા તે હજુસુધી સ્પષ્ટ થયું નથી.
હવે એવી વિગતો બહાર આવી છે કે OpenAIના રિસર્ચરોની ટીમ દ્વારા બોર્ડના સભ્યોને એક પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં તેમણે AIના ઇનોવેશનથી માણસજાતને કયા પ્રકારે જોખમ ઉભું થઇ શકે તેનું વર્ણન હતું. એટલે આ પત્ર પરથી કદાચ સેમની હકાલપટ્ટીનો નિર્ણય લેવાયો હોય તેવું બની શકે.