‘હાર્દિક પંડ્યાનું ટ્રેડિંગ એ મુંબઇ ઇન્ડિયન્સનો માસ્ટરસ્ટ્રોક…’ જાણો કોણે કહ્યું આવું?
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર ટોમ મૂડીએ હાર્દિક પંડ્યાને ટીમમાં કેપ્ટનસી આપવાનો મુંબઇ ઇન્ડિયન્સના નિર્ણયને માસ્ટરસ્ટ્રોક ગણાવ્યો છે. ગુજરાત ટાઇટન્સમાં હાર્દિકના સ્થાન અંગે ભારે અટકળો વચ્ચે સોમવારે એક ચોંકાવનારી જાહેરાત થઇ કે હવે હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સ માટે રમશે. હાર્દિક પંડ્યા છેલ્લા બે વર્ષથી ગુજરાતનો કેપ્ટન હતો. વર્ષ 2022માં ગુજરાતે આઇપીએલમાં પહેલીવાર રમ્યું ત્યારે હાર્દિકે તેની કેપ્ટનસી હેઠળ ટાઇટલ જીત્યું હતું અને બીજા વર્ષે ટીમ ફાઇનલમાં પહોંચી હતી.
ટોમ મૂડીએ સોશિયલ મીડિયા સાઇટ X પર મુકેલી પોસ્ટમાં લખ્યું હતું કે, “પંડ્યાનું ટ્રેડિંગ એ મુંબઇ ઇન્ડિયન્સ માટે માસ્ટરસ્ટ્રોક છે. આ નિર્ણય હાર્દિકને એ પસંદગીના કેપ્ટનોમાં સામેલ કરે છે જેમને ટ્રેડ કરવામાં આવ્યો છે. આ પહેલા રવિચંદ્રન અશ્વિન અને અજિંક્ય રહાણે પણ ટ્રેડ થઈ ચુક્યા છે. આ ટ્રેડથી ગુજરાતની સ્થિતિ ખરાબ બની છે.”
હાર્દિકની મુંબઈ ઈન્ડિયન્સમાં ઘરવાપસી પર ગુજરાત ટાઇટન્સ દ્વારા પણ નિવેદન સામે આવ્યું હતું. “ગુજરાત ટાઇટન્સના પ્રથમ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાએ ફ્રેન્ચાઇઝીને બે શાનદાર સિઝન આપવામાં મદદ કરી છે. આના પરિણામે એક IPL ચેમ્પિયનશિપ જીતવામાં અને એક ફાઈનલમાં પ્રવેશ થયો. તેણે હવે તેની મૂળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમે તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ અને તેમના ભવિષ્ય માટે તેને શુભેચ્છા પાઠવીએ છીએ.” તેવું ટીમ મેનેજમેન્ટે જણાવ્યું હતું.