રેલવે સ્ટેશનોને રાખવામાં આવ્યા આ કારણસર એલર્ટ મોડ પર જાણો મામલો?
મુંબઈ: 26મી નવેમ્બર, 2008ના આતંકવાદી હુમલાએ મુંબઈ જ નહીં, દુનિયા આખીને હચમચાવી નાખી હતી, ત્યારે એ દિવસો નજીકમાં છે ત્યારે મુંબઈ રેલવે પોલીસ સતર્ક બન્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક સંવેદનશીલ સ્ટેશન વિશેષ પોલીસ ફોર્સને તહેનાત કરવાની સાથે સીસીટીવી કેમેરા સાથે બારિકાઈપૂર્વક દરેક લોકોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
26મી નવેમ્બરની તારીખ નજીક આવતા દર વર્ષે પોલીસ અને પ્રશાસન એલર્ટ થઈ જાય છે અને મુંબઈના મુખ્ય વિસ્તારોની સુરક્ષામાં વધારો કરે છે. કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરીથી લઈને મુંબઈમાં હુમલાઓ થવાની મળી રહેલી ધમકીના અહેવાલો વચ્ચે મુંબઈ રેલવે પોલીસે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
2008 26/11ના પાકિસ્તાનની આતંકવાદીઓએ મુંબઈના અનેક વિસ્તારોમાં ગોળીબાર કર્યો હતો. આવા હુમલાઓને રોકવા મુંબઈ પોલીસ દ્વારા પશ્ચિમ અને મધ્ય રેલવેના દરેક સ્ટેશન પર વિશેષ પોલીસદળોને તહેનાત કરવાની સાથે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને પોલીસ ટુકડીઓની સાથે ડોગ સ્ક્વોડ મારફત તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
ઉપરાંત, મુંબઈના તમામ રેલવે સ્ટેશનો અને ભીડવાળા વિસ્તારોમાં આરપીએફ અને કમાન્ડોને દરેક શંકાસ્પદ વ્યક્તિ અને હિલચાલ પર નજર રાખવા માટે સિવિલ ડ્રેસમાં પણ લોકોને તહેનાત કરવામાં આવ્યા છે. દરેક સ્ટેશન પર પ્રવાસીઓની સાથે તેમના સમાનની પણ તપાસ કરવામાં આવી રહી છે, એમ આરપીએફના અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલો દરેક મુંબઈવાસીઓના મનમાં એક ડર બેસાડી ગયો છે. આ વર્ષે 26/11ના આતંકવાદી હુમલાને 15 વર્ષ પૂરા થશે. વર્ષ 2008માં પાકિસ્તાનના આતંકવાદી અજમલ કસાબ અને અન્ય આતંકવાદીએ કરેલા આ હુમલામાં 160થી વધુ લોકોના મોત થતાં હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. આતંકવાદી હુમલા વખતે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર થયેલા ગોળીબારમાં 52 લોકોના મોત થયા હતા.