ભારત પન્નુનને પતાવી દે તો તેમાં ખોટું શું?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
કેનેડામાં ખાલિસ્તાનવાદી આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાના મામલે ભારત અને કેનેડાના રાજદ્વારી સંબંધો વણસેલા છે જ ત્યાં હવે અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાનો નવો ડખો ઊભો થયો છે. અમેરિકાના મીડિયામાં આવેલા રિપોર્ટ પ્રમાણે, અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્રને નિષ્ફળ બનાવાયું હતું અને આ મુદ્દે અમેરિકાએ ભારતને ચેતવણી પણ આપી હતી.
બ્રિટિશ અખબાર ફાઈનાન્સિયલ ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ, અમેરિકાની સરકારે ભારત પર પન્નુનની હત્યાના ષડયંત્રમાં સામેલ હોવાનો આક્ષેપ મૂકીને ભારતને ચેતવણી પણ આપી હતી કે, ભારત અમેરિકાની ધરતી પર આ પ્રકારનાં ઓપરેશન કરવાથી દૂર રહેવાની ચેતવણી
આપી હતી.
આ ઘટના ક્યારે બની તે રિપોર્ટમાં સ્પષ્ટ નથી પણ એવો ઉલ્લેખ ચોક્કસ છે કે, મોદી આ વરસના જૂનમાં અમેરિકા ગયા એ પછી અમેરિકાએ આ મુદ્દે ભારત સામે વિરોધ નોંધાવીને ભારતને ચેતવણી આપી હતી. પન્નુનનું અમેરિકામાં એક કાર અકસ્માતમાં મોત થયાના સમાચાર બે મહિના પહેલાં આવ્યા હતા પણ પન્નુને વીડિયો બહાર પાડીને પોતે જીવતો હોવાનું જાહેર કર્યું હતું. આ કહેવાતા કાવતરાને આ ઘટના સાથે લેવાદેવા હોવાની શક્યતા નકારી ના શકાય.
અલબત્ત, હરદીપસિંહ નિજ્જરની આ વરસના જૂનમાં કેનેડામાં બે હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. નિજ્જર ગુરદ્વારાની બહાર પોતાની કારમાં બેસવા જતો હતો ત્યારે તેને પતાવી દેવાયેલો. આ અહેવાલ પ્રમાણે મોદીની જૂનની અમેરિકાની યાત્રા પછી અમેરિકાએ ભારતને ચેતવણી આપેલી એ જોતાં નિજ્જરની હત્યાની આસપાસ જ પન્નુનને પતાવી દેવાનું પ્લાનિંગ કરાયેલું એવું આડકતરી રીતે કહેવાયું છે.
આ રિપોર્ટ પ્રમાણે પન્નુનની હત્યાના કાવતરાના કેસમાં એક આરોપી સામે ન્યૂ યોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે અને સીલબંધ કવરમાં આરોપીનું નામ કોર્ટને અપાયું છે. આ આરોપી કોણ છે અને શું આરોપ છે તે કવર ખોલ્યા બાદ જ ખબર પડશે એવો દાવો પણ કરાયો છે. સાથે સાથે એવો દાવો પણ કરાયો છે કે, આ કેસ સાથે સંકળાયેલા અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે કોર્ટમાં અપાયેલી વિગતો પ્રમાણે અમેરિકી સત્તાવાળાઓએ અમેરિકાની ધરતી પર એક શીખ અલગતાવાદી નેતા પન્નુનની હત્યા કરવાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. કોર્ટમાં એવો દાવો પણ કરાયો છે કે આ ષડયંત્ર ભારત દ્વારા રચવામાં આવ્યું હતું અને ભારતના એજન્ટો પન્નુનને નિશાન બનાવવાના હતા પણ એ પહેલાં અમેરિકાને ખબર પડી જતાં આ કાવતરું સફળ ના થયું.
આ રિપોર્ટ પ્રમાણે અમેરિકા. યુકે, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડાના બનેલા ઈન્ટેલિજન્સ શેરિંગ નેટવર્ક ફાઈવ આઈઝમાં કેનેડા સહિતના દેશોએ આપેલી માહિતીના આધારે પન્નુનની હત્યાનું કાવતરું ઘડાયું હતું તેની ખબર પડી હતી. આ રિપોર્ટમાં બીજી પણ ઘણી વાતો છે પણ ભારતની સંડોવણી છે એવું કઈ રીતે કહી શકાય તેની વિગતો નથી. આ મામલે અમેરિકાની સરકારે ક્યારે ચેતવણી આપી હતી તેની વિગતો પણ નથી એ જોતાં આખી વાત અધ્ધરતાલ હોવાની શક્યતા નકારી ના શકાય. ના અમેરિકાએ ભારતને કોઈ ચેતવણી આપી હોવાની વાત કરી છે કે ના ભારતે પોતે આવી ચેતવણી મળી હોવાની વાત સ્વીકારી છે એ જોતાં આ આખો રિપોર્ટ ટેબલ સ્ટોરી એટલે કે કોઈએ ટેબલ પર બેઠાં બેઠાં ભેજું કસીને લખી નાંખેલી કાલ્પનિક વાતો વધારે લાગે છે. અમેરિકાએ ભારતને રાજદ્વારી ચેતવણી આપી હોય તો તેને લગતા પુરાવા હોય જ પણ એવો કોઈ પુરાવો પણ નથી તેના કારણે આ શક્યતા વધારે પ્રબળ બને છે.
પન્નુન સાથે પણ આ અખબારે વાત કરી પણ પન્નુને પોતે પણ એવું નથી કહ્યું કે અમેરિકન એજન્સીઓએ તેને તેની હત્યાના ષડયંત્રની જાણકારી આપી હતી. પન્નુને ગોળ ગોળ વાતો કરીને એવું કહ્યું છે કે, અમેરિકન સરકાર જ મને અમેરિકન ધરતી પર મારવાના ષડયંત્રનો જવાબ આપે એમ હું ઈચ્છું છું. પન્નુને એવું ડહાપણ પણ ડહોળ્યું છે કે, અમેરિકાની ધરતી પર અમેરિકાના નાગરિકની હત્યાનું કાવતરું ઘડાય એ અમેરિકાના સાર્વભૌમત્વ સામે એક પડકાર છે અને મને વિશ્ર્વાસ છે કે બાઇડન સરકાર આવા કોઈપણ પડકારનો સામનો કરી શકે છે. પન્નુને પોતે પણ ક્યાંય પોતાની હત્યાનું કાવતરું ઘડાયેલું એવું તો કહ્યું નથી. પન્નુન અમેરિકા અને કેનેડાની એમ બે દેશોની બેવડી નાગરિકતા ધરાવે છે તેથી તેની હત્યાનું કાવતરું ઘડાયું હોય તો કેનેડા કેમ ચૂપ છે એ પણ સવાલ છે.
આ રિપોર્ટ સાચો લાગે એટલે એમાં એવો દાવો કરી દેવાયો છે કે, યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ હાલમાં ચર્ચા કરી રહ્યું છે કે આ સીલબંધ કેસને હવે ખોલવો જોઈએ અને પન્નુનની હત્યાના કાવતારાના કેસમાં મૂકાયેલા આરોપોને લોકો સામે મૂકવા જોઈએ. જો કે જસ્ટિસ ડિપોર્ટમેન્ટ આતંકવાદી નિજ્જરની હત્યાની તપાસ પૂરી થઈ જાય પછી આરોપોની વિગતો જાહેર કરવા માગે છે એવો દાવો પણ કરાયો છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર જૂનમાં કેનેડામાં માર્યો ગયો હતો અને કેનેડાએ તેની હત્યા બદલ ભારત પર દોષારોપણ કર્યું છે પણ ભારતે આ આક્ષેપને ફગાવી દીધો છે.
આ રિપોર્ટનાં છિંડાં જોયા પછી અમેરિકાએ ભારતને ચેતવણી આપી એ વાતમાં કેટલો દમ છે એ જ શંકાસ્પદ છે પણ અમેરિકાએ ભારતને ચેતવણી આપી હોય તો પણ એક, બે ને સાડા ત્રણ. ભારતે આ ચેતવણીને ના ગણકારવી જોઈએ ને કેનેડા સામે લીધું હતું એવું આકરું વલણ જ લેવું જોઈએ કેમ કે પન્નુન સંત-મહાત્મા નથી. એ ભારતે જાહેર કરેલો આતંકવાદી છે ને ભારતના ટુકડા કરીને ભારતના સાર્વભૌમત્વ સામે ખતરો ઊભો કરવા મથી રહ્યો છે. અમેરિકાને પોતાના નાગરિકની ચિંતા હોય તો ભારતને પણ પોતાની ચિંતા કરવાનો અધિકાર છે જ એ જોતાં ભારત પન્નુનને પાડી દેવા મથતું હોય તો તેમાં કશું ખોટું નથી. ખાલિસ્તાનવાદીઓ અમેરિકા, કેનેડા કે દુનિયાના બીજા દેશોમાં બેઠાં બેઠાં ભારતના ભાગલા કરવાની વાતો કરે ને ભારત ચૂપચાપ બેસી રહે એવું બની ના શકે.