નફારૂપી વેચવાલીએ સોનામાં રૂ. ૨૨૨નો અને ચાંદીમાં રૂ. ૪૦૦નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવ ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએથી પાછા ફરીને ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની અંદર ઉતરી ગયા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ નબળી પડતાં ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે બન્ને કિંમતી ધાતુઓમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૨૧થી ૨૨૨નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૪૦૦નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે નવી છૂટીછવાઈ લેવાલી તેમ જ ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં હાજરમાં ભાવ કિલોદીઠ રૂ. ૪૦૦ ઘટીને રૂ. ૭૩,૦૬૫ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટોની વેચવાલી સામે રોકાણકારો અને સ્ટોકિસ્ટોનો નવી લેવાલીનો અભાવ તથા જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૨૧ ઘટીને રૂ. ૬૧,૧૪૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૨૨ ઘટીનેે રૂ. ૬૧,૩૯૪ના મથાળે રહ્યા હતા.
પ્રાપ્ત અહેવાલ અનુસાર ગઈકાલે અમેરિકા ખાતે ગત સપ્તાહે બેરોજગારી ભથ્થું મેળવનારાઓની સંખ્યામાં અપેક્ષા કરતાં વધુ ઘટાડો થયો હોવાથી અમેરિકામાં વ્યાજદરમાં વધારાની ખાસ અસર ન પડી હોવાનું જણાતા શક્યત: ફેડરલ રિઝર્વ વર્ષ ૨૦૨૪માં વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવી હતી. આથી ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે સોનાના ભાવ ઘટીને ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની સપાટીની અંદર ઉતરી ગયા હતા.