સ્પેશિયલ ફિચર્સ

આજે વર્લ્ડ ટીવી ડેઃ એક સમયે ઘરનું સૌથી માનીતું સભ્ય હવે ખૂણામાં ચૂપચાપ બેઠું છે

એક સમયે એક પરિવારમાં ગમે તેટલા સભ્યો હોય, પણ સૌનું માનીતુ સભ્ય ઘરના ડ્રોઈંગ રૂમમાં પડેલું ટેલિવિઝન હતું. પહેલા બ્લેક એન્ડ વ્હાઈટ અને પછી કલર ટીવીએ વર્ષો સુધી લોકોનું માત્ર મનોરંજન નથી કર્યું, પણ ઘણા સામાજિક બદલાવ લાવવામાં મદદરૂપ બન્યું છે આ સાથે માહિતી અને સમાચારનો ખજાનો પણ આ ઈલેક્ટ્રોનિક ગેજેટે પૂરો પાડ્યો છે. વીસમી સદીમાં શોધાયેલા આ યત્રંની ઉપયોગિતા જોઈ વર્ષ 1996માં યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ ટીવીના મહત્વને સ્વીકાર્યું અને તે બાદ 21મી નવેમ્બરને વર્લ્ડ ટેલિવિઝન ડે તરીકે જાહેર કરવામાં આવ્યો.
જોકે આજકાલ ઘરેઘરે નહીં પણ દરેકના હાથમા મોબાઈલ હોવાથી હવે ટીવીનું મહત્વ ઘટી ગયું છે. મનોરંજન અને માહિતીના બીજાં ઘણા આકર્ષક માધ્યમોને લીધે તેમ જ ટીવી પ્રોગ્રામ્સની કથળતી ગુણવત્તાને લીધે પણ ટેલિવિઝન હવે એટલું પ્રિય પાત્ર નથી રહ્યું. જોકે હજુ ગ્રામ્ય વિસ્તારોમાં ટીવી અને રેડિયોની બોલબાલા છે.
ટીવી સાથે દરેક પરિવારની ઘણી યાદો જોડાયેલી હશે. ચિત્રહાર સમયે રૂકાવટ કે લિયે ખેદ હૈ આવવું કે પછી સિગ્નલ ન મળે એટલે છત પર એન્ટેના ઠીક કરવા જવું. રવિવારે ફિલ્મ જોવા મહિલાઓ ઘરના કામ વહેલા સમેટી લેતી અને સારી ફિલ્મ ટેલિકાસ્ટ થવાની હોય તો રવિવારની સાંજે રસ્તાઓ પર સોંપો પડી જતો. ક્રિકેટ હોય કે ચૂંટણીની પરિણામો ત્યારે ટીવી સામે લોકો રીંતસરના ગૂંદની જેમ ચોંટી જતા. ટીવી પ્રોગામ્સ જ નહીં, એડવર્ટાઈઝમેન્ટ્સ પણ મનોરંજન આવતી. પોતાના ઘરે ટીવી ન હોય તો બીજાને ઘરે જોવાનું આમંત્રણ મળતું. કન્યા કેળવણીથી માંડી સ્વાસ્થ્ય અને સામાજિક જીવનને લગતા ઘણા ઉત્કૃષ્ટ કોટીના કાર્યક્રમો ટીવીએ પિરસ્યા છે.
ભારતમાં ટીવી એટલે દુરદર્શન. શરૂઆતમાં ખેતીને લગતી માહિતી માટે શરૂ કરવામાં આવેલી આ સરકાર સંચાલિત ચેનલે દેશના તમામ વર્ગના લોકોને માહિતી અને મનોરંજન પિરસ્યા. તે બાદ સેટેલાઈટ ચેનલો આવી અને ટીવીનું કામ મોટે ભાગે મનોરંજન પિરસવા પૂરતું રહી ગયું. ફિલ્મી કાર્યક્રમોની ભરમાર શરૂ થઈ અને આજે સ્થિતિ એ આવી છે કે ટીવીમાં લગભગ એવા એક કે બે પ્રોગામ્સ પણ નથી જે આખો પરિવાર સાથે બેસી જોવાનું પસંદ કરે. જોકે આજે હજુ પણ સમાચારો માટે અને અમુક મનોરંજક કાર્યક્રમો માટે ટીવી જોવાી છે, પરંતુ જે ઠાઠ આજથી દસેક વર્ષ પહેલા ટીવીએ માણ્યા છે તે આજે રહ્યા નથી. ઘરનું આ સૌથી પ્રિય સભ્ય મોબાઈલની બલિ ચડી ગયું હોય તેમ લાગે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button