કોંગ્રેસ પાર્ટી વંશવાદી રાજકારણ સિવાય કંઈ વિચારી શકતી નથીઃ મોદી
જયપુર: વિધાનસભાની ચૂંટણીને લઈ રાજસ્થાનમાં કોંગ્રેસ અને ભાજપ પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે આજે પાલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટીની વંશવાદી નીતિની આકરી ટીકા કરી હતી. રાજસ્થાનને એવી સરકારની જરૂર છે જે વિકાસને સર્વોચ્ચ પ્રાધાન્ય આપે, જ્યારે કોંગ્રેસ માટે ભ્રષ્ટાચાર અને વંશવાદી રાજનીતિથી વધુ મહત્ત્વનું કંઈ નથી, એમ મોદીએ જણાવ્યું હતું.
રાજસ્થાનના પાલી જિલ્લામાં એક ચૂંટણીની રેલીમાં તેમણે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો પર હિલા વિરોધી માનસિકતા હોવાનો આરોપ લગાવ્તા તેમણે કહ્યું કે જ્યારથી મહિલાઓને અનામત આપતો કાયદો ‘નારીશક્તિ વંદન એક્ટ’ પસાર થયો છે ત્યારથી તેઓએ મહિલાઓ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. ઘમંડી ગઠબંધનના નેતાઓએ આપણી માતાઓ અને બહેનો વિશે ખૂબ જ વાંધાજનક ટિપ્પણીઓ કરી છે.
બિહારના મુખ્યપ્રધાને વિધાનસભામાં મહિલાઓ વિરુદ્ધ અત્યંત અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો, પરંતુ કોંગ્રેસના કોઈ નેતાએ આ અંગે કંઈ કહ્યું નથી. આ કોંગ્રેસનો અસલી ચહેરો છે, જેને રાજસ્થાનના લોકો ઓળખી ચૂક્યા છે.
તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ દલિતો પર અત્યાચારની ઘટનાઓ પર આંખ આડા કાન કરે છે. અહીંની કોંગ્રેસ સરકાર તુષ્ટિકરણ સિવાય કશું જ વિચારતી નથી. વડા પ્રધાને કહ્યું કે આજે સમગ્ર દેશ વિકાસના લક્ષ્ય માટે દિવસ-રાત કામ કરી રહ્યો છે અને ૨૧મી સદીમાં ભારત જે ઉંચાઈઓ પર પહોંચશે તેમાં રાજસ્થાન મોટી ભૂમિકા ભજવશે.