નેશનલ

લહેરા દો… લહેરા દો…ની દેશભરમાં ગૂંજ

વર્લ્ડ કપ ફાઈનલ

નવી દિલ્હી: રવિવારે રમાનારી વર્લ્ડ કપ ફાઈનલ અગાઉ શનિવારે દેશભરમાં ક્રિકેટ રસિયાઓ વર્લ્ડ કપના રંગે રંગાયા હતા. ઠેર ઠેર ગામમાં, નગરમાં, શહેરમાં , પરિવારમાં, ગામના પાદરે, પાનના ગલ્લે એક જ વાત ચાલતી હતી કે ભારત જરૂરથી જીતશે. લોકોની અપેક્ષા હતી કે આ વર્લ્ડ કપમાં ભારત એક પણ મેચ હાર્યું નથી અને ફાઈનલ પણ જરૂરથી જીતશે. રવિવારે મેચ જોવા દેશભરમાં લોકોએ યોજના ઘડી હતી અને તેમને મોટા પડદા પર જોવા યોગ્ય મંચ મળશે તેવી તૈયારી થઈ ગઈ છે. મેચ મોટા પડદા પર બતાવવા લોક-સેવકો, સમાજ-સેવી સંસ્થાઓ, કલબો, બિલ્ડિંગ એસોસિયેશનો, વેપારી સંગઠનો, હોટેલો અને રેસ્ટોરાઓએ વ્યવસ્થા કરી હતી. વેપારીઓએ ભારત ટ્રોફી જીતે તો જંગી ડિસ્કાઉન્ટની ઓફર
કરી હતી. ભારતીય જરસીનું રેકોર્ડબ્રેક વેચાણ નોંધાયું હતું ભારત જીતે તો પ્લોટ ઓર્ગેનાઈઝરોએ ટીમના ખેલાડીઓને મફત પ્લોટ આપવાનું જાહેર કર્યું હતું. દેશભરમાં સિનેમા થિયેટરોએ સિનેમાના પડદા પર મેચ દર્શાવવાનો નિર્ણય કરી જબરદસ્ત એડવાન્સ બુકિંગ મેળવ્યું હતું. પીવીઆર આઈનોકસે ૬૦ શહેરના ૧૫૦ સિનેમા હોલમાં લાઈવ સ્ક્રીનિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
મિરાજ સિનેમાએ દેશભરના ૨૧ નાના-મોટા શહેરમાં ૨૮ લોકેશન પર લાઈવ સ્ક્રીનિંગ જોવા મળશે તેવું જાહેર કર્યું હતું ક્રિકેટદર્શકોને સ્ટેડિયમ જેવો અનુભવ આપવા સિનેમા થિયેટરોની ચેન દ્વારા આ સુવિધા આપવામાં આવશે.
દેશભરમાં ઘણાં સ્થળે ભારતની જીતની પ્રાર્થના કરતા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશના શહેરોમાં પણ અને રેસ્ટોરાંઓએ સ્પેશિયલ ડ્રિન્કસ, ક્રિકેટની થીમ પરના મેનુ તૈયાર કર્યા હતા સેંકડો રેસ્ટોટાં ૧+૧ ઓફર, ભારતીય ટીમની જર્સી પહેરનારાઓને ડિસ્કાઉન્ટ, ફ્રી શોટ્સ વિગેરે સ્કીમ જાહેર કરી હતી. બર્ગર મેનુ અને વિવિધ નામના ડ્રીન્કસ જાહેર કર્યા હતા. કેટલાક રેસ્ટોરાંઓમાં ફેસ પેઈન્ટર્સ અને ઢોલવાલાઓ તૈયાર રાખ્યા છે.

મહાજંગ – ચેમ્પિયન બનવા માટે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે આજે ફાઇનલ

અમદાવાદ: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલ મેચ રમાશે. ફાઇનલ મેચમાં ભારત અને ઑસ્ટ્રેલિયા ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે બે વાગ્યે શરૂ થશે. મેચ અગાઉ ક્લોઝિગ સેરેમની પણ યોજાશે. ઇન્ડિયન એરફોર્સ દ્ધારા એર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
રવિવારે રમાનારી ફાઇનલ સંપૂર્ણપણે અલગ હશે. ભારતીય ક્રિકેટ ટીમ માત્ર ૨૦૨૩ માં તેનો ત્રીજો વન-ડે વર્લ્ડ કપ જીતવા માગશે. કોઈ ટીમ સતત ૧૧ જીત સાથે વર્લ્ડ કપ જીતી શકી નથી. ૨૦૧૯માં પણ ઈંગ્લેન્ડને ટાઈટલ જીત દરમિયાન પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
રોહિતે અત્યાર સુધી ટીમનું નેતૃત્વ સારી રીતે કર્યું છે. તેણે ૧૨૪ની શાનદાર સ્ટ્રાઇક રેટથી ૫૫૦ રન કર્યા છે. વિરાટ કોહલી પણ હાલમાં શાનદાર ફોર્મમાં છે. તેણે વર્લ્ડ કપમાં ૭૧૧ રન કર્યા છે. શુભમન ગીલ, શ્રેયસ ઐય્યર પણ શાનદાર ફોર્મમાં છે. શ્રેયસે સેમિફાઈનલમાં સદી ફટકારી હતી. ભારતીય ટીમ
માટે ગેમ ચેન્જર મોહમ્મદ શમી બની શકે છે. આ ફાસ્ટ બોલરે ૨૩ વિકેટ લઈને ભારતીય ટીમને અજેય બનાવી દીધી હતી. આ ઉપરાંત ટીમ પાસે લોકેશ રાહુલની ધીરજ, રવિન્દ્ર જાડેજાની ઓલરાઉન્ડ રમત અને સૂર્યકુમાર યાદવનું ‘એક્સ ફેક્ટર’ પણ છે. કુલદીપ યાદવ પોતાના સ્પિનરથી બેટ્સમેનોને સતત પરેશાન કરી રહ્યો છે, જ્યારે જસપ્રીત બુમરાહની બોલિંગ ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ જેવા મહાન ખેલાડીઓને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે.
પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયન ટીમ મોટી મેચોની ટીમ તરીકે જાણીતી છે.કદાચ એકમાત્ર એવી ટીમ છે જે ભારત પર ઘણું દબાણ લાવી શકે છે. ઑસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ જાણે છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧,૩૦,૦૦૦ દર્શકો ભારતને સપોર્ટ કરવા હાજર રહેશે.

વડા પ્રધાન મોદી સાથે ફાઇનલ જોશે ઑસ્ટ્રેલિયાના નાયબ વડા પ્રધાન

ધોની-કપિલદેવ પણ રહેશે હાજર

અમદાવાદ: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ઑસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લ્સ પણ વડા પ્રધાન મોદી સાથે મેચ જોવા સ્ટેડિયમમાં આવશે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સુરક્ષા, સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થા વગેરેની વ્યાપક સમીક્ષા હાથ ધરી હતી. ભારતનો પ્રથમ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ પણ આ મેચ જોવા આવશે. તેના સિવાય ૨૦૧૧માં ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવનાર મહેન્દ્ર સિંહ ધોની પણ સ્ટેડિયમમાં જોવા મળશે. ફાઈનલ પહેલા અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે જણાવ્યું હતું કે, “ઑસ્ટ્રેલિયાના નાયબ વડા પ્રધાન, આસામના મુખ્ય પ્રધાન, કેન્દ્રીય પ્રધાન અને અન્ય મહાનુભાવો ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ જોવા માટે આવશે. તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિરાટ અને રોહિત માટે અમારા પાસે ખાસ પ્લાન, શમીથી બચવું પડશે: કમિન્સ

અમદાવાદ: વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલ મેચ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. બંને ટીમો બીજી વખત વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં સામ સામે ટકરાશે. આ પહેલા વર્ષ ૨૦૦૩માં વર્લ્ડ કપ ફાઇનલમાં બંને ટીમો ટકરાયા હતા.
ફાઈનલ મેચ પહેલા ઑસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે તેમની પાસે રોહિત શર્મા અને વિરાટ કોહલીને આઉટ કરવાની ખાસ યોજના છે. જોકે તેણે કબૂલ્યું હતું કે તેમની ટીમે શમીથી બચવું પડશે.
કમિન્સે કહ્યું હતું કે “પીચ ઘણી સારી લાગે છે, તેનો ઉપયોગ ટૂર્નામેન્ટમાં પહેલા પણ કરવામાં આવ્યો છે. મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડે ફાઇનલમાં સારું પ્રદર્શન કરવું પડશે. ભારતીય ટીમને અમદાવાદમાં જબરદસ્ત સમર્થન મળે છે. ભારત ઘણી સારી ટીમ છે.
ઑસ્ટ્રેલિયન કેપ્ટને કહ્યું હતું કે “મોટી મેચોમાં અમારા અલગ-અલગ ખેલાડીઓ સારુ પ્રદર્શન કરે છે. અમારી ટીમમાં ઈજાની કોઈ સમસ્યા નથી. કમિન્સે કહ્યું, ટોસ એટલો મહત્ત્વનો નહી હોય.

ઑસ્ટ્રેલિયાની તાકાત પર નહીં, પરંતુ અમારી ક્ષમતા પર અમારું ધ્યાન: રોહિત શર્મા

અમદાવાદ:ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઈનલ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી હતી. ઑસ્ટ્રેલિયાને લઈને ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે તેને એ વાતથી કોઈ વાંધો નથી કે ઑસ્ટ્રેલિયા તેની છેલ્લી આઠ મેચ જીતી ગયું છે, આ સિવાય તેણે એમ પણ કહ્યું કે આ વર્લ્ડ કપની તૈયારી બે વર્ષ પહેલાથી કરવામાં આવી રહી છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે અમને તેમની તાકાત સામે કોઈ સમસ્યા નથી, તેઓ તેમની છેલ્લી ૮ મેચ જીતી ચૂક્યા છે, આ એક સારી મૅચ હશે અને બંને ટીમો રમવા માટે સક્ષમ છે, હિટમેને કહ્યું કે, આ મારી સૌથી મોટી ક્ષણ છે, હું ૫૦ ઓવરના વર્લ્ડ કપને જોઇને મોટો થયો છું.
રોહિત શર્માએ તેના આક્રમક અભિગમ પર કહ્યું હતું કે, તે વર્લ્ડ કપ પહેલા અલગ રીતે રમવા માગતો હતો. શું થશે તે ખબર નહોતી, પણ મારી પાસે એક પ્લાન હતો. મોહમ્મદ શમી વિશે રોહિતે કહ્યું કે જ્યારે શમી રમી રહ્યો ન હતો ત્યારે મેનેજમેન્ટ તેની સાથે વાત કરી રહ્યું હતું અને તે પોતે તેની બોલિંગ પર સખત મહેનત કરી રહ્યો હતો. તેણે સિરાજ અને અન્ય બોલરોને પણ ખૂબ સપોર્ટ કર્યો હતો.
રાહુલ દ્રવિડની ભૂમિકા વિશે વાત કરતા કેપ્ટને કહ્યું કે, દ્રવિડની ભૂમિકા ઘણી મોટી છે, દરેક ખેલાડીની ભૂમિકા સ્પષ્ટ છે. તેણે ખેલાડીઓને આઝાદી આપી છે અને તે ખેલાડીઓની પડખે ઊભો રહ્યો છે. ૨૦૨૨ વર્લ્ડ કપ પછી તેણે ખેલાડીઓને સમર્થન આપ્યું હતું અને તે તેના વિશે બધું જ જણાવે છે. અમે ખેલાડીઓને તેમની ભૂમિકાઓ જણાવી અને કોણે શું કરવાનું છે એ તેઓ જાણે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button