મુંબઈગરાનું પાણી થશે મોંઘુ
પાણીવેરામાં આઠ ટકાનો વધારો
૨૫ નવેમ્બરના મંજૂરીની મહોર લાગશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આગામી દિવસોમાં મુંબઈગરાના ખિસ્સાને મોટો ફટકો લાગવાની શક્યતા છે. મુંબઈ મહાનગરપાલિકા પાણીના વેરામાં આઠ ટકાનો વધારો કરવાની છે. પાલિકાના પાણીપુરવઠા ખાતાએ તેને લગતો પ્રસ્તાવ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલને મંજૂરી માટે મોકલ્યો છે અને તેના પર આગામી ૨૫ નવેમ્બરના નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે. જો કમિશનર દર વધારાને મંજૂરી આપે છે તો પહેલી ડિસેમ્બરથી તેની અમલબજવણી થશે. જોકે કૉંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પાણીના દરવધારા કરવા સામે વિરોધ કર્યો છે.
પાણીવેરામાં દર વર્ષે આઠ ટકા સુધીનો વધારો કરવાનો પ્રસ્તાવ ૨૦૧૨માં સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવ્યો હતો. તે મુજબ દર વર્ષે જૂન મહિનામાં પાણીવેરામાં અમુક ટકા સુધીનો વધારો કરવામાં આવે છે અને ૧૬ જૂનથી તે લાગુ કરવામાં આવે છે. આ વખતે પણ ૨૦૨૩-૨૪ માટે પાણીવેરામાં વધારા કરવાનો પ્રસ્તાવ પ્રશાસનને મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે, તેના પર પાલિકા કમિશનર ૨૫ નવેમ્બરના નિર્ણય લે એવી શક્યતા છે.
તાનસા, મિડલ વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી આ જળાશયમાંથી મુંબઈને દરરોજ ૩,૮૫૦ મિલિયન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે. અનેક કિલોમીટર લંબાઈથી પાઈપલાઈન દ્વારા મુંબઈ સુધી પાણીને લાવીને તેના પર શુદ્ધીકરણની પ્રક્રિયા કરીને મુંબઈના નાગરિકોને પાણી આપવામાં આવે છે.
નાગરિકોને શુદ્ધ અને પીવાલાયક પાણીપુરવઠો કરવા માટે પાણીનું શુદ્ધીકરણ કરવું, પાણી પુરવઠા યંત્રણામાં સુધારણા કરવી, જૂની અને ર્જીણ થયેલી પાઈપલાઈન બદલવી, ગળતરના સમારકામ કરવા, દેખરેખ અને મેઈન્ટેન્સ કરવા જેવા જુદા જુદા કામ કરવા પડે છે. આ તમામ કામ માટે પાલિકાને આવતા ખર્ચને પહોંચી વળવા મુંબઈના નાગરિકો પાસેથી પાણીવેરો વસૂલવામાં આવે છે. દર વર્ષે ખર્ચામાં વધારો થઈ રહ્યો છે. આ ખર્ચનો અભ્યાસ કરીને પાણીવેરામાં વધારો સૂચવવામાં આવે છે. ગયા વર્ષે પાલિકા પ્રશાસને ૭.૧૨ ટકાનો વધારો કર્યો હતો. તો આ વર્ષે આઠ ટકાનો પાણીવેરાનો દર વધારો પ્રસ્તાવિત છે.
ચાલુ વર્ષમાં જૂન મહિનામાં પાણીપુરવઠાના ખર્ચનો અભ્યાસ કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું ત્યારે જ રાજકીય પક્ષોએ દરવધારા સામે વિરોધ કર્યો હતો અને હવે આ પ્રસ્તાવ સામે ફરી કૉંગ્રેસ સહિત સમાજવાદી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે. મુંબઈ કૉંગ્રેસના પ્રમુખ વર્ષા ગાયકવાડે આઠ ટકા પાણીવેરામાં વધારો કર્યો તો કૉંગ્રેસ તેની સામે રસ્તા પર ઉતરશે એવી ચીમકી આપી હતી . તો સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય અને ભૂતપૂર્વ નગરસેવક રઈસ શેખે કહ્યું હતું કે હાલ મુંબઈ મહાનગરપાલિકામાં પ્રશાસકનું રાજ્ય હોઈ નગરસેવક ન હોવાથી પ્રસ્તાવ પર કોઈ ચર્ચા થવાની નથી. તેથી મુંબઈગરાના હિતને ધ્યાનમાં રાખીને આ દરવધારનો પ્રસ્તાવ તાત્કાલિક પાછો ખેંચો એવી માગણી હતી. નોંધનીય છે કોરોના કાળમાં મહાવિકાસ આઘાડી સરકારે બે વર્ષ સુધી પાણીના વેરામાં દરવધારો કર્યો નહતો. આ વખતે લોકસભાની ચૂંટણી હોવાથી પાણીવેરાના દરમાં વધારો નહીં કરવા પર પાલિકા પ્રશાસન પર રાજકીય દબાણ આવી રહ્યું છે.