ઉત્સવ

સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને આઝાદી બાદ વર્ષો સુધી સંઘર્ષ કરનાર ક્રાંતિકારી બટુકેશ્ર્વર દત્ત

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ – ડૉ. રાજેશ ચૌહાણ

બટુકેશ્ર્વર દત્તે સ્વામી વિવેકાનંદ, ગુરુ ગોવિંદસિંહ, છત્રપતિ શિવાજી જેવા અનેક વ્યક્તિઓના કાર્યો અને આદર્શોમાંથી પ્રેરણા મેળવી હતી. તેઓ માનવજીવનને પવિત્ર સમજી પોતાનું જીવન સમર્પણ કરવા તત્પર રહેતા.

બોમ્બ, બંદૂક અને ગોળીઓ બટુકેશ્ર્વરના જીવનનો ભાગ બની ગયા હતા.

બટુકેશ્ર્વર જેવા ક્રાંતિકારીને આઝાદી પછી જીવનનિર્વાહ માટે ક્યારેક સિગારેટ કંપનીના એજન્ટ બનીને પટનાની ગુટખા-તમાકુની દુકાનો પર ભટકવું પડ્યું તો ક્યારેક બિસ્કિટ અને બ્રેડ બનાવવાનું કામ કરવું પડયું.

બટુકેશ્ર્વર દત્ત જેવા ક્રાંતિકારીની ઐતિહાસિક/સંઘર્ષમય યાત્રા/વાર્તા ભારતના દરેક બાળકના હોઠ પર હોવી જોઈએ, પરંતુ ઇતિહાસ અને પાઠ્યક્રમોમાં તેમની ઉપેક્ષાને કારણે વિપરીત સ્થિતિ જોવા મળે છે.

ભારતીય ઈતિહાસમાં કેટલીક એવી ઘટનાઓ છે જે વાંચીને આપણી આંખો ભીની થયા વગર ન રહે. અનેક ક્રાંતિકારીઓએ આપણને સ્વતંત્ર કરવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું અને આઝાદી પહેલા અંગ્રેજોના અમાનવીય ત્રાસ સહન કર્યા. આઝાદી બાદ પણ સંઘર્ષમય જીવન વિતાવ્યું પડ્યું એમાનાં એક પ્રખ્યાત ક્રાંતિકારી બટુકેશ્ર્વર દત્ત.
ભારતની આઝાદીમાં અસંખ્ય લોકોએ યોગદાન આપ્યું. તેમાંના અનેક ભારતીયોને ઈતિહાસમાં મહત્ત્વનું સ્થાન મળ્યું તો બીજી તરફ કેટલાકને ઓછુ સ્થાન મળ્યું હોય એમાંનું એક વિરલ વ્યક્તિત્વ, ક્રાંતિકારી બટુકેશ્ર્વર દત્ત. બટુકેશ્ર્વર દત્તે શહીદ-એ-આઝમ ભગતસિંહની સાથે સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો એ ઘટના પછી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે બટુકેશ્ર્વર દત્તને કાળા પાણીની સજા કરવામાં આવી હતી. બટુકેશ્ર્વર દત્તની ઈતિહાસમાં તો અવગણવાના, કાળા પાણીની સજા બાદ સામાન્ય જીવનમાં પણ લોકો ભૂલી ગયા. આજે બટુકેશ્ર્વર દત્તની જન્મજયંતી છે.

ભારતની આઝાદીના લડવૈયાઓના અમર બલિદાની બટુકેશ્ર્વર દત્ત હવે વિસરાતાં જઇ રહ્યાં છે. તેમના અપ્રતિમ સાહસ અને સર્વસ્વ સમર્પણના ઈતિહાસને આજના લેખના માધ્યમ દ્વારા જાણીએ.

બટુકેશ્ર્વર દત્તનો જન્મ ૧૮ નવેમ્બર, ૧૯૧૦ના રોજ પશ્ર્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લાના એક ગામના કાયસ્થ કુટુંબમાં થયો હતો. ટૂંકમાં તેઓ તેમનું નામ બી.કે. દત્ત લખતા હતા. તેમના પિતાનું નામ ગોસ્થ બિહારી દત્ત અને માતાનું નામ કામિની દેવી હતું. તેમના પિતાને કાનપુરમાં ખાનગી નોકરી હતી. તેમણે ૧૯૨૫માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ત્યાર બાદ તેમણે બી.એ. સુધીનો અભ્યાસ કર્યો. કાનપુરમાં સાંજના સમય બાદ અંગ્રેજો સિવાય અન્યને ફરવા પર પ્રતિબંધ હતો. આ સ્થિતિમાં બટુકેશ્ર્વરે ફરવા નીકળીને ઇરાદાપૂર્વક કાયદાનો ભંગ કર્યો. કાયદા ભંગની ઘટના જોઇને બે ગોરા અધિકારીએ ત્યાં આવીને એમને બે-ચાર ચાબુક ફટકાર્યાં. દત્તને એકાએક આ ઘટનાનો અહેસાસ થયો કે પોતાના જ દેશમાં ફરવા બદલ વિદેશીઓનો આ જુલમ કેવો? આથી દેશને ગુલામીમાંથી મુક્ત કરવાનો, બોમ્બ, બંદૂક, રિવોલ્વર કે પિસ્તોલનો ઉપયોગ કરી અંગ્રેજોને દૂર કરીને દેશને આઝાદ કરવાનો દૃઢ નિર્ધાર કર્યો.

દૃઢ નિશ્ર્ચય સાથે બટુકેશ્ર્વર દત્ત ૧૪ વર્ષની નાની ઉંમરે ૧૯૨૪માં હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (HRA)માં જોડાયા હતા તે જ સમયે ભગતસિંહ પણ તેમાં જોડાયા હતા. ક્રાંતિકારી વિચારોને કારણે બંને સારા મિત્રો બની ગયા હતા. કેટલાક ઇતિહાસકારોના મતે બંનેની મુલાકાત ચંદ્રશેખર આઝાદ સાથે આ સમયે જ થઈ હતી.

તેઓ ચંદ્રશેખર આઝાદ તથા ભગતસિંહના સંપર્કમાં આવ્યા અને ‘ધ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન ઍસોસિયેશન’માં જોડાઈ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવા માંડી. આ ક્રાંતિકારી પક્ષની પ્રવૃત્તિ માટે તેમણે પંજાબનો પ્રવાસ કર્યો અને રાજગુરુ, સુખદેવ અને અન્ય ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા.

ભગતસિંહે સોન્ડર્સની હત્યા કર્યા બાદ સરકારે લોકો ઉપર અસહ્ય ત્રાસ ગુજાર્યો. તેથી લોકોને થયું કે ક્રાંતિકારીઓ નાસી જાય છે અને નિર્દોષ લોકોએ તેમનાં કૃત્યોનો ભોગ બનવું પડે છે. તેવી લાગણી દૂર કરવા માટે ‘ધ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન ઍસોસિયેશ’ને બે ક્રાંતિકારીઓને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરીને પકડાઈ જવા માટે તૈયાર કર્યા. આ પક્ષ કાકોરી કાવતરા કેસમાં પ્રસિદ્ધ થયો. કાકોરીમાં ખજાનો લૂંટી લીધા પછી અંગ્રેજોએ ક્રાંતિકારીઓ પર કડક કાર્યવાહી કરી. આની અસર હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (HRA) પર પડી હતી, તેથી ચંદ્રશેખર આઝાદે સ્વતંત્રતા ચળવળને વધુ તીવ્ર બનાવવા ‘હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન આર્મી’ (HSRA)ની રચના કરી હતી.

ભગતસિંહ અને બટુકેશ્ર્વર દત્તે ૦૮ એપ્રિલ, ૧૯૨૯ના રોજ દેશના યુવકોમાં જાગૃતિ લાવવાના હેતુથી ન્યૂ દિલ્હીમાં વિઠ્ઠલભાઈ પટેલના અધ્યક્ષપદે ચાલતી મધ્યસ્થ ધારાસભામાં ચાલુ બેઠકે એક પછી એક બે બોમ્બ નાખ્યા. તેનાથી ત્રણ સરકારી અધિકારીઓ તથા એક સભ્ય ઘાયલ થયા. તેઓ બોમ્બ ફેંક્યા પછી દોડી જવાને બદલે ત્યાં ઊભા રહ્યા. પોલીસ અધિકારી પોતાની ટુકડી સહિત ધરપકડ કરવા એમની પાસે જતાં ગભરાતા હોવાથી બંને જણે પોતાની પિસ્તોલો નાખી દઈ આત્મસમર્પણ કર્યું. તેઓ બંનેનો કેસ દિલ્હીની સેશન્સ કોર્ટમાં ચાલ્યો ત્યારે તેમણે એક સંયુક્ત નિવેદન કર્યું. તેનો અભ્યાસ કરતાં જણાય છે કે, તેઓએ દેશ-વિદેશના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો.

સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંકાયા બાદ ભગતસિંહ અને બટુકેશ્ર્વર દત્તે પોતાની ધરપકડ કરાવી હતી. બંને લાહોર સેન્ટ્રલ જેલમાં સાથે રહ્યા હતા. ટ્રાયલમાં બંનેને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. બાદમાં ભગતસિંહ પર લાહોર ષડયંત્ર કેસ માટે કેસ ચલાવવામાં આવ્યો અને તેમને સુખદેવ અને રાજગુરુની સાથે ફાંસી આપવામાં આવી.

૧૨ જૂન, ૧૯૨૯ના રોજ તેમને દેશનિકાલ(કાળા પાણી)ની સજા કરવામાં આવી. બટુકેશ્ર્વર દત્તને કાળા પાણીની સજા માટે આંદામાન જેલમાં મોકલવામાં આવ્યા હતા. ૧૯૩૦થી ૧૯૩૮ સુધી તેઓ આંદામાનમાં રહ્યા. ત્યાં તેમણે રાજકીય કેદીઓના હક્કો માટે લડત ચલાવી હતી.

શહીદ ભગતસિંહ બટુકેશ્ર્વર દત્તથી ખૂબ પ્રભાવિત હતા. લાહોર સેન્ટ્રલ જેલમાં સાથે રહેવા દરમિયાન ભગતસિંહે તેમનો ઓટોગ્રાફ પણ લીધો હતો. આ ઓટોગ્રાફ આજે પણ ભગતસિંહની મૂળ ડાયરીમાં છે, તેના પર ૧૨ જુલાઈ, ૧૯૩૦ની તારીખ લખેલી છે. આ ડાયરી આજે પણ ભગતસિંહના વંશજ યાદવેન્દ્ર સિંહ સંધુ પાસે છે.

આંદમાન જેલમાં બટુકેશ્ર્વર દત્તની તબિયત બગડવા લાગી હતી. ૧૯૩૭માં તેમને બિહારની બાંકીપુર જેલમાં ખસેડવામાં આવ્યા. અહીં બીમારીને જોતા ૧૯૩૮માં તેમને આઝાદીની ચળવળમાં ભાગ ન લેવાની શરતે મુક્ત કરવામાં આવ્યા. બટુકેશ્ર્વર દત્ત ફરીથી ૧૯૪૨માં શરૂ થયેલી ‘હિંદ-છોડો’ ચળવળમાં જોડાયા અને ફરીથી ધરપકડ કરવામાં આવી. તેને ફરીથી ચાર વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ ૧૯૪૫માં તેમને પટણામાં નજરકેદ કરવામાં આવ્યા હતા. સ્વતંત્રતા મળ્યા બાદ એમને જેલમાંથી મુક્ત કર્યા.
સ્વતંત્રતા પછી બટુકેશ્ર્વર દત્તને સંઘર્ષમય જીવન જીવવું પડ્યું તેઓ સિગારેટ કંપનીમાં કામ કરતા અને પટનામાં પ્રવાસી માર્ગદર્શક તરીકે પણ રહ્યા હતા. ૧૯૬૩માં દત્ત બિહારની વિધાન પરિષદમાં ચૂંટાઈ આવ્યા. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને એમનું બહુમાન કરીને એમને રૂ. પાંચ હજાર અને વસ્તુ આપી હતી. ૧૯૬૪માં તેમની તબિયત લથડતા સામયિકો/ન્યુઝ પેપરોમાં પ્રકાશિત અહેવાલો અનુસાર હલનચલન કરી શકતા ન હતા ત્યારે તેમને દિલ્હી લાવવામાં આવ્યા.

પંજાબના તત્કાલિન સીએમ રામકિશનને જ્યારે બટુકેશ્ર્વર દત્તની બીમારીની ખબર પડી તો તેઓ તેમને મળવા દિલ્હી આવ્યા હતા.

બટુકેશ્ર્વર દત્તે તેમને તેમની અંતિમ ઈચ્છા જણાવી. તેઓ ઈચ્છતા હતા કે, તેમના અંતિમ સંસ્કાર તેમના મિત્ર ભગતસિંહની સમાધિ પાસે થાય. ૨૦ જુલાઈ, ૧૯૬૫ના રોજ આ બહાદુર પુત્ર હંમેશ માટે અમર થઈ ગયા. બટુકેશ્ર્વર દત્તના અંતિમ સંસ્કાર ભારત-પાક સરહદે હુસૈનીવાલામાં ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની સમાધિ પાસે કરવામાં આવ્યા હતા.

સ્વતંત્રતા સંઘર્ષમાં તેમના સંઘર્ષમય જીવન અને કાર્ય માટે ઉચિત સન્માન કે સ્થાન ન આપી શક્યા. ત્યારે સવાલ એ છે કે, આપણે આપણા સ્વાતંત્ર્ય લડવૈયાઓ જીવતા હોય ત્યારે તેમનું યોગ્ય સન્માન કેમ નથી કરી શકતા અને તેમના મૃત્યુ પછી જ થોડાક શબ્દો માન-સન્માન માટે બોલીને સંતોષ માની લઈએ છીએ. શું આ ખરેખર યોગ્ય છે?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?