અમદાવાદ: આવતીકાલે રવીવારે અમદાવાદના મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આઈસીસી વનડે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ રમાશે. 1 લાખ 25 હજારથી વધુ દર્શકો સ્ટેડીયમમાં મેચ જોવા માટે ઉમટશે. આ ઉપરાંત ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઑસ્ટ્રેલિયાના નાયબ વડા પ્રધાન રિચાર્ડ માર્લ્સ, ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાનો, રાજકારણીઓ, પૂર્વ ક્રિકેટરો, ફિલ્મ જગતની હસ્તીઓ અને અન્ય વીવીઆઈપીઓ રવિવારે મોટેરા આવી રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થા માટે અમદાવાદ પોલીસે 5,000 જેટલા પોલીસ કર્મચારીઓને તૈનાત કર્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને કિલ્લામાં ફેરવાઈ ગયું છે.
સુત્રોના જણાવ્યા મુજબ ફાઈનલ મેચના સુરક્ષા બંદોબસ્ત માટે કુલ 4 આઈજી, 23 ડીસીપી, 37 એસીપી, 82 પીઆઈ અને 230 પીએસઆઈ કક્ષાના અધિકારીઓ તૈનાત રહેશે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, સ્ટેડીયમની અંદર કુલ 3000 પોલીસકર્મીઓ હશે, જેમાં 1 આઈજી, 13 ડીસીપી, 20 એસીપી, 45 પીઆઈ, 145 પીએસઆઈ અને અન્ય 2800 પોલીસ કર્મચારીનો સમાવેશ થાય છે. ટ્રાફિક મેનેજમેન્ટ માટે એક આઈજી, 6 ડીસીપી, 11 એસીપી, 26 પીઆઈ, 36 પીએસઆઈ અને 1300 પોલીસ કર્મચારીઓ સહિત 1,400 સ્ટાફ હશે.
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ પોલીસ મેનેજમેન્ટ માટે સ્ટેડિયમની અંદર પોલીસ કંટ્રોલ રૂમ પણ બનાવ્યો છે. સ્ટેડીયમમાં પોલીસ અધિકારીઓ દર્શકો વચ્ચે સિવિલ ડ્રેસમાં પણ હાજર હશે. ક્રાઈમ બ્રાન્ચમાં ૩૦૦ કર્મચારીઓ બ્લેક ટીશર્ટ અને ગ્રીન પેન્ટમાં સ્ટેડીયમમાં હાજર હશે. ટીકીટની કાળાબજારી રોકવા પણ પોલીસની એક વિશેષ ટીમ સ્ટેડીયમની બાહર તૈનાત રહેશે. ચોરી અને મારામારી જેવી ધટનાઓ ટાળવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
પોલીસ ઉપરાંત સ્ટેડિયમમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ), બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (બીડીડીએસ) ની 10 ટીમો, ચેતક કમાન્ડો, કેમિકલ અને બાયોલોજીકલ અકસ્માત વ્યવસ્થાપનની વિશેષ ટીમ પણ હાજર રહેશે. સાથે સ્ટેડિયમની અંદર એન્ટી ડ્રોન ટીમ પણ સક્રિય રહેશે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે સ્ટેડીયમની આજુબાજુ 15 પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે, જેમાં 15,000 ટુ વ્હીલર્સ અને 7,000 ફોર વ્હીલર્સ મળીને કુલ 22,000 વાહનો પાર્ક કરી શકાશે.