નેશનલ

સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા ૪૦ મજૂરોને બચાવવા ૨૨ મીટર સુધી ડ્રિલિંગ કરાયું

રાહત કામગીરી: ઉત્તરકાશી જિલ્લાના બ્રહ્મખલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્કયારા અને દાંડલગામ વચ્ચે નિર્માણાધિન ટનલનો હિસ્સો તૂટી પડ્યા બાદ શુક્રવારે ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરી . (એજન્સી)

ઉત્તરકાશી: ઉત્તરકાશીમાં ૧૨ નવેમ્બરની સવારે ચારધામ પ્રોજેક્ટ હેઠળ બનાવાઇ રહેલી ટનલનો એક હિસ્સો ધસી પડ્યો હતો. આ કાટમાળમાં સુરંગના પ્રવેશદ્વારથી લગભગ ૨૦૦ મીટર દૂર ૪૦ મજૂરો ફસાયેલા છે. આ મજૂરોને બચાવવા માટે બચાવ કાર્યકરોએ શુક્રવાર સુધીમાં સિલ્ક્યારા ટનલના કાટમાળમાંથી ૨૨ મીટર સુધી ખોદકામ કરી નાખ્યું છે. જે પાંચ દિવસથી ફસાયેલા મજૂરોની નજીક પહોંચ્યું છે.

નવયુગ એન્જિનિયરિંગ કંપની લી.ના પીઆરઓ જીએલ નાથના જણાવ્યા અનુસાર ફસાયેલા કામદારોને ખોરાક આપવામાં આવ્યો છે. તેઓ ઠીક છે. શારડી મશીન પણ સારી રીતે કામ કરી રહ્યું છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેઓને વહેલી તકે બહાર કાઢવામાં આવે. જ્યારે કામની પ્રગતિ વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, પાંચમી પાઇપ અંદર દાખલ કરવામાં આવી રહી છે. ફસાયેલા કામદારો માટે એસ્કેપ પેસેજ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતી ૯૦૦ મીમી વ્યાસની દરેક પાઇપ છ મીટર લાંબી છે.

રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે, એનડીઆરએફ, એસડીઆરએફ, બીઆરઓ અને આઇટીબીપી સહિત અનેક એજન્સીઓના ૧૬૫ કર્મચારીઓ દ્વારા રાઉન્ડ-ધ-ક્લોક બચાવ કાર્યનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. એનએચઆઇડીસીએલએ શુક્રવારે બચાવ કામગીરી અંગે અપડેટ આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ૨૨ મીટર સુધી ડ્રિલિંગ કરવામાં આવ્યું છે અને પાંચમી પાઇપ મૂકવામાં આવી રહી છે. ઉત્તરકાશીના જિલ્લા મેજિસ્ટ્રેટ અભિષેક રુહલાએ જણાવ્યું હતું કે, ફસાયેલા કામદારો સુરક્ષિત છે અને તેમને એર કોમ્પ્રેસ્ડ પાઇપો દ્વારા ઓક્સિજન, દવાઓ અને ખોરાક અને પાણીની સપ્લાય કરવામાં આવી રહી છે. તેમજ તેમનું મનોબળ જાળવી રાખવા માટે તેમની સાથે સતત વાતચીત કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button