વીક એન્ડ

ખુલ્લાપણાની ઈચ્છા

સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા

માનવી સામાજિક પ્રાણી છે. તે સમાજમાં બધાની સાથે રહેવા ઈચ્છતો હોય છે અને સાથે સાથે તેને પોતાની ગોપનીયતા પણ જાળવી રાખવી હોય છે. આ એક રસપ્રદ પરિસ્થિતિ છે. માનવીને એક તરફ પરતંત્રતા માન્ય હોય છે તો સાથે ચોક્કસ બાબતો માટે તે પોતાની સ્વતંત્રતા સાથે બાંધછોડ કરવા તૈયાર નથી હોતો. તે મોકળાશ તો ઈચ્છે છે, પણ આ મોકળાશ એક પ્રકારની સીમિતતા વાળી હોવી જોઈએ. તે ખુલ્લાપણું તો ઈચ્છે છે, પણ સાથે ચોક્કસ પ્રકારની બાધિત પરિસ્થિતિમાં તે વધુ સલામતી અનુભવે છે.

માનવીના પોતાના વ્યક્તિગત મકાન – આવાસની રચનામાં પણ આવો વિરોધાભાસ દેખાતો હોય છે. આવાસની રચના જ એટલા માટે કરવામાં આવે છે કે માનવીનું પોતાનું વ્યક્તિગત ક્ષેત્ર નિર્ધારિત થઈ જાય, સાથે સાથે આ ક્ષેત્ર સમગ્ર વસવાટ સાથે ચોક્કસ પ્રકારનાં સમીકરણો જાળવી રાખે તેવી પણ ઈચ્છા રખાય છે.

વ્યક્તિગત ગોપનીયતાના વિચારો તથા ગોપનીયતાના સામાજિક ધારા-ધોરણો ભિન્ન હોય તેમ લાગે છે. વ્યક્તિગતતામાં શક્ય હોય તેટલી બાબતો પોતાના પ્રભાવ તથા તાબા હેઠળ રાખવાનો પ્રયત્ન થાય છે, જ્યારે સામાજિક ગોપનીયતા અસ્તિત્વમાં આવે ત્યારે ઘણાં સમીકરણો બદલાઈ જાય. આવાસમાં વ્યક્તિ પોતાના ઘરની આસપાસ આડાશ રૂપ દીવાલ બનાવે જેથી તેના દ્વારા નિયંત્રિત થતી પરિસ્થિતિ – સીમા નિર્ધારિત થાય. આ દીવાલની અંદર પછી ઝાપો બનાવવામાં આવે છે જેનાથી બહારના સમાજ સાથે – બહારની પરિસ્થિતિ સાથે સંપર્ક સ્થપાય. આવાસના ઓરડાઓને બહારની પરિસ્થિતિથી બચાવવા કે અલિપ્ત રાખવા દીવાલો અને છત બનાવાય છે પછી તેમાં બારીઓ બનાવી બહારની પરિસ્થિતિને અંદર આવવાની મંજૂરી
અપાય છે.

માનવીના આવાસની રચનામાં ખુલ્લાપણું જરૂરી છે. પ્રાપ્ય જમીનનું ક્ષેત્રફળ ઓછું હોય કે બાંધકામ સીમિત ક્ષેત્રફળવાળું હોય, તો પણ ખુલ્લાપણાની અપેક્ષા તો રખાય જ છે. આવાસના વિસ્તારને મુખ્યત્વે ત્રણ ભાગમાં વર્ગીકૃત કરી શકાય : ઉપયોગીતા માટેનો વિસ્તાર, સંગ્રહ સ્થાન તરીકે નિર્ધારિત થતી જગ્યાઓ અને ખુલ્લાપણા કે મુક્તતતાનો અહેસાસ કરાવતા સ્થાન. રસોઈ કરવા માટે જે જગ્યા જોઈએ તે ઉપયોગીતા પ્રકારની શ્રેણીમાં આવે. કબાટ માટે જે જગ્યા જોઈએ એને સંગ્રહસ્થાન કહેવાય. જ્યારે આ બંને વચ્ચે રહેલી, રાચરચીલા-મુક્ત જગ્યા વડે ખુલ્લાપણું અનુભવાય. આ જગ્યામાં કુટુંબના સભ્યોને ઇચ્છિત પ્રવૃત્તિમાં સંલગ્ન થવાની સ્વતંત્રતા મળે. આવી જગ્યા કૌટુંબિક સ્થાન તરીકે પણ ઉપયોગમાં લેવાતી હોય છે. મહેમાન આવે ત્યારે આવા સ્થાને રાત્રે પથારી પથરાઈ જતી હોય છે અને રજાના દિવસોમાં અહીંયા જ બેસીને કેરમ કે પત્તાં રમાતાં હોય છે. આજ જગ્યાએ બેસીને ઘઉં સાફ કરાય છે તો અહીં જ પાંચ બાળ-મિત્રો ભેગા થઈને અભ્યાસ કરે છે. એક રીતે જોવા જઈએ તો આવા સ્થાન આવાસના હાર્દસમાન
હોય છે.

પરંપરાગત આવાસમાં ઓસરી કે ઓરડાની વચ્ચેનો ભાગ કે રસોઈ અને ભોજન સ્થાન વચ્ચેનો ભાગ આ પ્રકારની સંભાવનાઓ ઊભી કરે. વર્તમાન સમયે જ્યાં, ખાસ કરીને શહેરી વિસ્તારમાં, એપાર્ટમેન્ટ પ્રકારની આવાસ વ્યવસ્થા વિકસી રહી છે એમાં પણ આવી સંભાવનાઓ ઊભી કરવાની હોય.

પરંપરાગત ગ્રામ્ય વિસ્તારના આવાસમાં આગળનું આંગણું ખુલ્લાપણાનો મહત્તમ અહેસાસ કરાવી શકે. શહેરી વિસ્તારના એપાર્ટમેન્ટમાં આ શક્યતા નથી હોતી. અહીં તો ૬-૧૦ એપાર્ટમેન્ટની વચ્ચે ચારે તરફથી બંધિયાર એવો માત્ર આવનજાવનનો માર્ગ હોય છે, જે ખુલ્લાપણાનો અહેસાસ કરાવવા સમર્થ નથી. આવા સંજોગોમાં ખુલ્લાપણાની અનુભૂતિ માટે આવાસની આંતરિક રચનામાં જ પૂરતી સંભાવનાઓ હોવી જોઈએ. આ મુશ્કેલ છે, પણ અસંભવ નથી. શહેરી વિસ્તારમાં જ્યાં પ્રમાણમાં ઘણી ઓછી જગ્યામાં વધારે માનવ સમુદાય વસતો હોય ત્યાં વધારે સંવેદનશીલતાથી રચના નિર્ધારિત કરવી પડે.

ખુલ્લાપણું અનુભવવા માટે શહેરી વિસ્તારના એપાર્ટમેન્ટમાં સંગ્રહસ્થાન ઓછાં કરી શકાય. રાચરચીલું પણ બહુ ઉપયોગી બનાવવું પડે. જે તે સ્થાનના નિર્ધારણમાં પણ, શક્ય હોય ત્યાં, ‘ઓવરલેપ’ માન્ય રાખવું પડે. સાથે સાથે બારીઓ મોટી રાખવાથી ખુલ્લાપણાના અહેસાસમાં વધારો થઈ શકે. ક્યારેક ઊંચી છત પણ મદદરૂપ થાય. મકાનના અંદરના ભાગમાં રંગ એ રીતના કરી શકાય કે જેથી જગ્યા મોટી છે એમ જણાય. રાચરચીલાની રચના પણ દ્રશ્ય અનુભૂતિમાં સરળ તથા હળવાશ ભરેલી લાગે તે પ્રમાણે હોવી જોઈએ. ખુલ્લાપણાને અનુભવવા દરેક પ્રકારની ભૌતિક કે મનોવૈજ્ઞાનિક ગીચતા ઓછી કરવી પડે. આ શક્ય છે.

વાસ્તવમાં આવાસનું ક્ષેત્રફળ તેટલું જ રહે છે. અગ્રતાક્રમમાં ન આવે તેવી બિન-જરૂરી ઉપયોગીતા ઓછી કરવી પડે. જે જરૂરી હોય તેટલા જ પદાર્થો – સામગ્રી સંઘરવાની ટેવ પાડવી પડે. ભપકાદાર – ચમકદમકવાળી પરિસ્થિતિ માટેનો મોહ ઓછો કરવો પડે. સૌથી અગત્યનું, જે છે તે પૂરતું છે – તે પ્રમાણે સંતોષ માનવો પડે. જ્યાં સુધી વધુ મોટા આવાસની અપેક્ષા હોય ત્યાં સુધી
અત્યારનું આવાસ ગમે તેટલું હોય તો પણ નાનું જણાશે.

ખુલ્લાપણાની અનુભૂતિ આવાસની બહાર પણ થઈ શકે. બની શકે કે આવાસ માત્ર રહેવાની અનુકૂળતા માટેના સાધન તરીકે જ હોય. જીવનમાં જરૂરી બાકીની મનોવૈજ્ઞાનિક બાબતો અન્ય સ્વરૂપે મેળવવાના વિકલ્પો શોધી શકાય. પણ આ પ્રક્રિયામાં માનવજીવનમાં આવાસનું જે મહત્ત્વ છે તે ઓછું થઈ જાય. આ ઇચ્છનીય ઘટના નથી. આવાસ એ એવું સ્થાન છે જ્યાં કૌટુંબિક સમીકરણો તથા સબંધો દ્રઢતા પામે છે. ભારતીય સમાજમાં કુટુંબ એક અગત્યનું ઘટક છે – અને આવાસ આ ઘટકનું આશ્રય સ્થાન . આવાસની રચનામાં જ જે કંઈ મનોવૈજ્ઞાનિક બાબતો છે તે પૂરી થવી જોઈએ. એમ લાગે છે કે, આ માટે આવાસની રચનાકાર કરતા તેનું આંતરિક આયોજન નિર્ધારિત કરનાર વ્યવસાયિક – ઇન્ટિરિયર ડિઝાઇનરની જવાબદારી મોટી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button