વીક એન્ડ

રાધારાણીએ રવિવારે રસોડેધરાર રજા રાખી દીધી!

ઊડતી વાત -ભરત વૈષ્ણવ

“ગિધુ, ગિધુ , ગિધડા! (તમારા કાન કેમ ચમકે છે? હમણા હમણાથી પતિપત્ની પરસ્પરને બેબી, બચ્ચા, હની, ડેનું એવું એવું ચ્યુંગમની જેમ ચોટડૂક સંબોધન કરે છે. દરેક દંપતીને એકમેકને ખાનગીમાં સંબોધન કરવાના આગવા અને નિતનવા જાહેર નામ હોય છે. કોઇ બાબુલાલ નામના પતિને બબુચક, ચંદુલાલ ગુણવંતરાયને ચંગીઝખાન, હર્ષદરાયને હિટલર અને ઉછરંગરાયને ઉલ્લુ , ઘનશ્યામકુમારને ઘનચક્કર કહેવામા આવતું હોય છે. બળવંતરાય તમને તમારી પત્ની બળદ કહે છે તેની મને જાહેરમાં ખાનગી ખબર છે!! કોઇના ડ્રોઇંગરૂમમાં અધિકૃત અનધિકૃત ડોકિયું કરતા શરમ નથી આવતી??) રાધારાણીએ ડ્રોઇંગરૂમમાં મારી સન્મુખ ગોઠવાઇ મારું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યો. તહેવારોની રજાની નવરાશ, દૈનિકપત્રોનો કકળાટ બંધ. એટલે બંદા તમામ રાશિઓના વાર્ષિક રાશિ ભવિષ્યનું શબ્દશ: વાંચન કરી રહ્યા હતા. રાધારાણીની તુલા રાશિ છે. દુશ્મનનું રાશિ ભવિષ્ય પણ ખાસ વાંચવું જોઇએ. જેથી આગામી વરસમાં દુશ્મન મોળો પડશે કે પાવરફૂલ એની ખબર પડે!! રાધારાણીના સવાલનો જવાબ ન આપ્યો એટલે મારા હાથમાંથી છાપું આતંકીની માફક આંચકી લીધું!!

“હું કયારની ગળું ફાડીને ઘાંટા પાડું છું. આ ટાઢા માટલાને કોઇ અસર જ નથી!! રાધારાણીએ કકળાટાયણનો આરંભ કર્યો. અલબત,ઇતિ કકળાટસ્યકથા જેવી સિગ્નેચર ટયુન ન વાગી!!
“ગળુ ફાટીને બે કટકા થઇ ગયા?? બાર વરસે બાવો બોલે તેમ મેં સવાલ કર્યો!!

“તમે બધી વાત મજાકમાં ઉડાવી ન દો. મને ખબર છે તમે સો કોલ્ડ હાસ્ય લેખક છો!! બી સિરિયસ!! રાધારાણીએ કોથળામાં પાંચશેરી કરી!!

બોલો રાધુ. શું પ્રોબ્લેમ છે?? અમે રાધારાણીને પૂછયું.

“આ રોજની રામાયણ છે. હું તંગ આવી ગઇ છું. કંટાળી ગઇ છું.,બળ્યું આ બૈરીનો અવતાર !! ચૂલા, ચોકા અને ગોરધન. કોઇ થ્રીલ કે એકસાઇટમેન્ટ જ નહીં જિંદગીમાં !? ઘાણીના બળદની જેમ રાઉન્ડ, રાઉન્ડ, રાઉન્ડ, અને ફૂલસ્ટોપ જ નહીં!! રાધારાણીએ જિંદગી વિરુદ્ધની ખટાશ, તીખાશ,ભડાશ કાઢી!!

“રાધુ, નો બકવાસ. સીધી વાત કર. પ્રસ્તાવના કે ઉપાદઘોત સિવાય ડાયરેકટ ડાયલોગ કર. મે રાધારાણીને વાતમાં મોણ નાખ્યા સિવાય વાત કરવા કહ્યું.

ગિરધરલાલ, રોજ સવારે શું રાંધવું અને સાંજે શું રાંધવું તેની જ કાણ મોકાણ હોય છે?? રાધારાણીએ ઇઝરાયલ-હમાસ યુદ્ધ, રશિયા-યુક્રેનનો જંગ કે મણિપુર હિંસા કરતાં પણ મોટોમસ પ્રશ્ર રજૂ કર્યો!!

“રાધુ. હોટલ કે મધ્યાહ્ન ભોજન યોજના માફક મેનું તૈયાર કરી દો. મેનું મુજબ રસોઇ કરવાની. કોઇ ખિટપિટ નહીં!! મેં પ્રેકટિકલ સોલ્યુશન આપ્યું. ઘેર ઘેર માટીના કે ગેસના ચૂલા છે તેમ રોજેરોજ શું બનાવવું એની ટગ ઓફ વોર એટલે કે રસ્સાખેંચ થાય છે!!

“ભૈશાબ. ના , ના એવું બંધાઇ જવું ન ફાવે. મેનુમાં ગુરુવારે રાત્રે બિરયાની બનાવવી એમ લખેલ હોય અને મને સુખપાવની કે ચંદ્રચકોરી બનાવવી હોય કે ગુલાબસેડળ બનાવવું હોય તો લોચા પડે કે નહીં?? રાધા રાણીએ વિરોધના વાવટા ફરકાવ્યા. સુખપાવની, ચંદ્રચકોરી કે ગુલાબસેડળ નામની વાનગીની રેસીપી સંજીવકપૂર કે તરલા દલાલ જેવા શેફે પણ શિખવાડી નહીં હોય!! આ નાગર વાનગી છે!! (સુખપાવની, ચંદ્રચકોરી એટલે આપણી હોચપોચ એટલે ખીચડી અને ગુલાબસેડળ એટલે વધારેલી રોટલી!! નાગરો રાંધવાનું ન હોય તો ભોજનમાં હલવો છે એવું મિષ્ટ નિવેદન કરે!!)
“રાધારાણી,તો પછી જેમ ચાલે છે તેમ ચાલવા દો! મેં શરણાગતિનો સફેદ ધ્વજ પ્રદર્શિત કર્યો!!

“ગિરધરલાલ, તમારે બખડજંતર ચેનલના દિવાળીની રજા હોય અપિતું, રાધારાણીના રસોડે રજા ન હોય. બાય ધી વે, તમને ભૂખ કેવી છે?? રાધારાણીએ બાઉન્સર ફેંકયો!!

રાધુ મારા પેટમાં અંદર ઊતરીને જોઇ લે કે પેટનો કયો ખૂણો ખાલી કે ભરેલો છે. સાથોસાથ બુભિક્ષામાપક યંત્ર લઇ જજે. જેથી ખાબોચિયા,ઝરણા,નદી કે દરિયા જેટલી ભૂખ છે તેનો અંદાજ આવે !!! મેં રાધારાણીને સૂચન કર્યું.

“ગિધુ.,આજે ભોજનમાં હલવો છે. મને રાંધવાની લગીરે ઇચ્છા નથી! રાધારાણીએ રાંધવાના મામલે દાવ ડીકલેર કર્યો!!

“હાઇવે પર હોટલમાં કેન્ડલ લાઇટ પંજાબી ડિનર કરીએ! મેં મારા પાના ઉતાર્યા!!

“ના. ના ના પંજાબી બંજાબી શંજાબી તો હરગિજ નહીં! મેંદાના ચવડ નાન ચાવવાનાં દાંત હાંફી જાય છે. પનીર ફનીરના સબ્જી. તૌબા તૌબા પંજાબી તો નહીં!! રાધારાણીએ એક રુકા હુઆ ફેંસલા સુણાવી દીધા!!

“ઘણા દિવસથી ગુજરાતી થાળી ટ્રાય કરી નથી. આગ્રહ રેસ્ટોરેન્ટમાં વર્લ્ડ કલાસ ગુજરાતી ડીશ મળે છે!! મેં બીજું પાનું ફેંક્યું!!

“ગિરધરલાલ ગાંડા થયા છો? ભેજું ખસી ગયું છે?? અક્કલનો ઇસ્કોતરો ઘાસ ચરવા ગયો છે?? ગુજરાતી થાળી ખાવાની વસ્તુ છે?? ગુજરાત બહાર ગયા હોઇએ અને લોકલ ફૂડથી ફેડઅપ થયા હોય અને નોવેલ્ટી ખાતર ગુજરાતી ટ્રાય કરીએ એ ઠીક છે!! મારી દરખાસ્ત ઝીંક ન ઝીલી શકી!!

“રાધુ. હવે સાઉથની ડીશનો વિકલ્પ છે!! મે છેલ્લું પાનું ફેંક્યું.

ઇડલી ડોસા કે ઢોસાથી તોબા તોબા. સાલ્લું ચોખાને આથીને ઢોસા ઇડલી ઉત્તપમ બનાવે. આવું બધું ખાવાથી મને પેટમાં ગેસનો ગોળો થાય છે. ખાંટા ઓડકાર આવે છે. પેટમાં ધુમરડા આવે છે!! રાધારાણીએ સાઉથ ડીશ પર ચોકડી મારી!!

“રાધે. ઘ- પના ગલ્લા બજારમાં જમી આવીએ!! મેં નવી પ્રપોઝલ મૂકી .

“આજે બોલ્યા તે બોલ્યા . ફરીવાર ગલ્લા ભોજનનું બોલતા નહીં. નરી ગંદકી . ચિપ ટાઇપનું જમવું એના કરતાં પેટ ફોડી નાંખવું સારું!! રાધારાણીએ હાઇજેનિક મુદ્દો ઉઠાવ્યો!! એક ખાનગી વાત કહું?? રાધારાણી પાણી પણ ધોઇને વાપરે છે!!

“રાધુ . મેટલ કપચીનું ભરેલું શાક, વ્હાઇટ સિમેન્ટની રોટલી અને ડ્યુલેકસ કલરની બાસુંદી બનાવો. જમાવટ થઇ
જશે. રસોઇ શોમાં ઇનોવેટીવ રેસીપી રજૂ કરે તો તહલકો મચી જશે!! મેં તોફાની સજેશન કર્યું!!રાધારાણીએ મોં ફૂંગરાવ્યુ!!

“ગિરધરલાલ. ધનતેરસની લાપશી પડી છે. કાળીચૌદસના વડા પડયા છે. નવા વરસનું ઊંધિયું પડ્યું છે!! શરદપૂનમના દૂધપૌંઆ પડયા છે. દશેરાના ફાફડા પડયા છે!! નવરાત્રીએ મંગાવેલ પિત્ઝા પડયા છે.સાતમ-આઠમના ગાંઠિયા પડયા છે. નાગપાંચમના ખાજા પડયા છે. અઠવાડિયા પહેલાંના પોતૈયા એટલે ઢેબરા પડયા છે. ગણેશ ચતુર્થીના મોદક પડ્યા છે . ગયા બુધવારના મગ પડયા છે !! રાધારાણીએ પડતર વાનગીનું લિસ્ટ રજૂ કર્યું!!

“રાધે .મહાશિવરાત્રીના બફવડા કે રામનવમીનો મોરૈયાનો શીરો પડ્યો હશે ને??? મેં રાધારાણીને પૂછયું!!

“હાય હાય! હું તો સાવ ભૂલકણી. બળ્યું કાંઇ યાદ જ રહેતું નથી .એ તો હું ભૂલી જ ગયેલી. સારું છે કે તમે યાદ કરાવ્યુ! થેંકયું હોંકે ગધુ, અરે, સોરી ગિધુ!! રાધારાણીએ આભાર દર્શન કર્યું!!
રાધારાણી આ પડતર વાનગીના વાનગીકૂટનું લિસ્ટ વર્ણવી તમારો ઇરાદો શું છે?? મેં અકળામણ વ્યક્ત કરી.

ગિરધરલાલ . તમે પુરુષ છો. તમને જમ્યા વગર રાત્રે ઊંઘ ન આવે. અધરાતે ઊઠીને ફ્રીઝમાં ખાવા માટે ખાંખાંખોળા કરો અને ફ્રીઝ રમણભમણ કરી નાખો!!તમે આ પડતર વાનગીથી એક ટંક ચલાવી લો તો રાજ રંડાઇ જવાનું નથી કે ધરા રસાતાળ જવાની નથી. મંદિરમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે. તમે ગમે તેવા ગાંડાઘેલા, અક્કલમઠા હોવ તો પણ મારા પતિ પરમેશ્ર્વર છો. તમને વાસી વાનગીનો અન્નકૂટ ધરાવવાનો મને મનોરથ થયો છે. એક પંથ ને દો કાજ તમારું સાંજના ટંકનું જમવાનું નિપટે અને પડતર કે વાસી વાનગીનો એન્યુઅલ ડિસ્પોઝલ સેલ થઇ જાય!! રાધારાણીએ અચકાતાં અચકાતા સૂરે વાસીઅન્નકૂટ યોજના રજૂ કરી!!

“રાધે. તું મારી આટલી ચિંતા અને ખેવના કરે છે એ સારી બાબત છે!! તું રાત્રે ભૂખી રહી શકતી નથી. તું શું આરોગીશ?? મેં રાધારાણીની ચિંતા કરી!!

“ગિરધરલાલ . તમે પુરુષ છો. હું તો બાઇ માણસ કહેવાઉં!! રાતના દીવાના મારે તંત શાના??મારે તમારી જેમ થાળી ભરીને ડહવાનું ન હોય. હું તો ડાયેટિંગ પર છું . હું તો નખજમણ કરૂં છું!! હું તો હર્બલ , ઓર્ગેનિક તાજી હવા ખાઇને ઉદરતૃપ્તિ કરી લઉં!! હું એકાદી ઘારી, બે ત્રણ કાજુ કતરી, ચારપાંચ અંજીર રોલ, સાતઆઠ જલેબી, સુરતી ભૂંસું, વડોદરાનો લીલો ચેવડો, માલપૂઆ ગુલાબજાંબુ ખાઇ લઇશ. છતાં પેટ ખાલી રહેશે તો લોટો ભરીને લિમકા પી લઇશ!!! રાધારાણીએ ભરપેટ આરોગીને સદાના ઉપવાસી એવા દુર્વાસા મુનિની થિયેરી અમલમાં મુકવાનો મહામૂલા સંદેશનો પ્રેકટિકલ પાર્ટ પ્રસ્તુત કર્યો!! બોસ,હું અભિભૂત થઇ ગયો!!

તીખી-મોળી -મીઠી નોકઝકના અંતે રાધારાણીએ રવિવારે રસોડે ( ધરાર) રીતસર રજા (હડતાળ) રાખી દીધી જ!!અમે વાસી અન્નકૂટ ગ્રહણ કરીને તાજી નિંદ્રામાં સરી પડયા!!ઘરરર. ઘરરર.ધરરર!!!!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button