વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં નાગરિકોના મોતની નિંદા કરી
નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં નાગરિકોની જાનહાનિની નિંદા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં વધી રહેલા પડકારોની પૃષ્ઠભૂમિમાં ગ્લોબલ સાઉથના દેશો વચ્ચે એકતા અને સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
બીજી વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિંસા અને આતંકવાદ વિરુદ્ધ ભારતના સ્પષ્ટ વલણ પર ભાર મૂક્યો હતો. તેમણે 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઇઝરાયેલ પર કરાયેલો હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડા પ્રધાને યુદ્ધ સમાપ્ત કરવાના ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે સંયમ રાખવા અને વાતચીતને પ્રાથમિકતા આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
વડા પ્રધાને કહ્યું, “આપણા બધા માટે સ્પષ્ટ છે કે પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં થઈ રહેલી ઘટનાઓને કારણે નવા પડકારો સામે આવી રહ્યા રહ્યા છે.ભારત 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરે છે. અમે પણ સંયમ જાળવી રાખ્યો છે, અમે સંવાદ અને ચર્ચા પર ભાર મૂક્યો છે. અમે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં નાગરિકોના મૃત્યુની પણ સખત નિંદા કરીએ છીએ.”
તેમણે કહ્યું, “પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે વાત કર્યા પછી, અમે પેલેસ્ટાઈનના લોકોને માનવતાવાદી સહાય પણ મોકલી છે. આ એવો સમય છે જ્યારે ગ્લોબલ સાઉથના દેશોએ વૈશ્વિક હિતો માટે એક થવું જોઈએ.”
ગ્લોબલ સાઉથએ એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકા ખંડોમાં મુખ્યત્વે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત દેશોનું જૂથ છે. આ દેશોની વિશેષતાઓ એકસરખી ન હોવા છતાં, ગરીબી, અસમાનતા અને સંસાધનોની મર્યાદિત પહોંચ જેવા પડકારો આ દેશોમાં સમાન છે.