બિહાર જતી બે ટ્રેન અને બે બસમાં આગ
ઇટાવા: છઠ પૂજા પહેલા દેશભરમાંથી બિહાર-યુપીના લોકો ઘરે પહોંચવા માટે ઊમટી રહ્યા છે. ત્યારે આ સમયે ટ્રેન અને બસ દુર્ઘટનાના સમાચારો સામે આવી રહ્યા છે. બે દિવસની અંદર બિહાર જતી બે ટ્રેન અને બે બસના અકસ્માત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
પહેલો અકસ્માત બુધવારે સાંજે દિલ્હીથી દરભંગા જઇ રહેલી દિલ્હી-દરભંગા એક્સપ્રેસમાં થયો હતો. આ ટ્રેનના એક સ્લીપર અને બે જનરલ કોચમાં યુપીના ઇટાવા નજીક આગ લાગી હતી. જો કે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. આ ટ્રેનમાં સફર કરી રહેલા એક યાત્રીના જણાવ્યા અનુસાર કોઇએ ચાર્જિંગ પોઇન્ટમાં ચાર્જર લગાવ્યું હતું. ત્યાંથી શોર્ટ સર્કિટ જેવું થયું અને હળવો તિખારો થયા બાદ ભાગદોડ મચી ગઇ હતી.
બીજો બનાવ આ ઘટનાના લગભગ ૧૨ કલાક બાદ બન્યો હતો. ઉત્તર પ્રદેશના ઇટાવામાં જ બીજી ટ્રેન દુર્ઘટના બની હતી. અહીં દિલ્હીથી સહરસા જઇ રહેલી ૧૨૫૫૪ નંબરની વૈશાલી એક્સપ્રેસમાં ભીષણ આગ લાગી હતી. પેન્ટ્રી કાર પાસેની બોગી એસ છ કોચમાં આ ઘટના બની હતી. જેમાં ૨૧ યાત્રી ઘાયલ થયા હતા. જોકે આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી. હાલ ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે.
ત્રીજો અકસ્માત ઉત્તર પ્રદેશના નોએડામાં થયો હતો. દિલ્હીથી દરભંગા જઇ રહેલી ડબલ ડેકર બસમાં બુધવારે નોએડા-ગ્રેટર નોએડા- આગ્રા એક્સપ્રેસ વે પર આગી ફાટી નીકળી હતી. જો કે બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. અકસ્માતની જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ તથા એમ્બ્યુલન્સ પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. અકસ્માતને પગલે રોડના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. પરિણામે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ પહેલા બુધવારના રોજ નોઇડા-ગ્રેટર-નોએડા એક્સપ્રેસવે પર બિહાર જઇ રહેલી બસમાં આગ લાગી હતી. જે છઠ પૂજા માટે ઘર પરત ફરી રહેલા લોકો સાથે દુર્ઘટનાનો ચોથો બનાવ હતો.