ફેરિયાઓ સામે ફરિયાદ વધી, સાત મહિનામાં આટલા લોકો સામે કાર્યવાહી
મુંબઈ: રેલવે સ્ટેશનના પરિસરમાં ગેરકાયદે ફેરિયાઓની વધતી અવરજવર તથા પ્રવાસીઓને થનારી કનડગતને ધ્યાનમાં રાખીને આરપીએફ દ્વારા ફેરિયાઓ વિરુદ્ધ વિશેષ ઝૂંબેશ હાથ ધરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
મધ્ય રેલવે આરપીએફ એન્ટિ-હૉકર સ્કોવડ દ્વારા એપ્રિલથી ઑક્ટોબરના સાત મહિનાના સમયગાળા દરમિયાન ૨૧,૭૩૬ ફેરિયાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાંથી ૨૧,૭૩૬ ગેરકાયદે ફેરિયાઓની ધરપકડ કરી હતી, જેમાંથી લગભગ બે કરોડ ૭૦ લાખ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
ગયા વર્ષના સરખામણીમાં ગેરકાયદે ફેરિયાની ફરિયાદોમાં આ વર્ષે ૨૧ ટકાનો વધારો જોવા મળ્યો છે. મુંબઈ વિભાગમાં ૮,૬૨૯ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં ૯૪.૭ લાખ રૂપિયાનો દંડની વસૂલાત કરવામાં આવી છે.
મધ્ય રેલ્વે આરપીએફએ ગેરકાયદે ટિકિટ દલાલો સામે પણ ઝૂંબેશ હાથ ધરી હતી. આ ઝૂંબેશમાં એપ્રિલથી ઓક્ટોબરમાં તહેવારોની સિઝન દરમિયાન બ્લેકમાં ટિકિટોનું વેચાણ કરવા બદલ ૩૧૮ દલાલોની અટકાયત કરી હતી.
આરપીએફની ટીમે ખાનગી ટ્રાવેલ એજન્સીઓ સામે કાર્યવાહી કરતાં ૨૬૯ કેસ નોંધ્યા હતા જેમાં ૩૧૭ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. મધ્ય રેલવેના માત્ર મુંબઈ ડિવિઝનમાં લગભગ ટિકિટ સ્કેલિંગના ૯૭ ગુના નોંધવામાં આવ્યા હતા અને ૧૧૭ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આવી ઘટનાઓ બનતા મુસાફરો સાથે કોઈપણ જાતની છેતરપિંડી ન થાય તે માટે મધ્ય રેલવે માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવા અને ઓનલાઈન ટિકિટો બુક કરવાની સલાહ આપી છે.
રેલવે સ્ટેશનના પરિસરમાં વધતી ગેરકાયદે ફેરિયાઓની અવરજવરને લઈ મધ્ય રેલવેએ ગયા મહિના દરમિયાન લાઈસન્સધારક ફેરિયાઓને લોકલ ટ્રેનમાં ફેરી માટે મંજૂરી આપવાની પ્રક્રિયા હાથ ધરી છે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું