અમદાવાદઃ ICC મેન્સ વનડે વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમીફાઈનલમાં ભવ્ય જીત મેળવી ભારતીય ક્રિકેટ ટીમ ફાઈનલમાં પ્રવેશી મેળવી ચુકી છે. ફાઈનલ મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ત્યારે મુંબઈ અને અમદવાદ પોલીસ ખાતાના અધિકારીઓ પર પણ ક્રિકેટ ફીવર ચડ્યો છે.
ગઈકાલે વાનખેડે સ્ટેડિયમમાં વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની તોફાની બેટિંગ અને બોલીંગમાં મોહમ્મદ શમીના તરખાટ બાદ ભારતે ન્યઝીલેન્ડને 70 રને હરાવ્યું હતું. તે બાદ મુંબઈ પોલીસે અમદાવાદ પોલીસને સંબોધી ટ્વીટ કરી હતી કે ‘વિજય રથા ચા સ્વાગત કરાયતા તૈયાર આહાત ના’. અમદાવાદ પોલીસને સંબોધીને મરાઠીમાં લખેલી આ પોસ્ટનો અર્થ થાય છે કે વિજયરથનું સ્વાગત કરવા તૈયાર છો ને, જેનો જવાબ અમદાવાદ પોલીસે હમ તૈયાર હૈ અમદાવાદ પોલીસ.
हम तैयार हैं अहमदाबाद पुलिस https://t.co/GccEogaiKq
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) November 15, 2023
અત્રે ઉલ્લેખનીય છે કે જે શહેરમાં મેચ રમાતી હોય તે શહેરોની પોલીસની જવાબદારી ખૂબ જ વધી જાય છે. બે ટીમના ખેલાડીઓ ઉપરાંત મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં હાજર રહેતા પ્રેક્ષકોની સુરક્ષા અને સુવિધાની ખૂબ મોટી જવાબદારી પોલીસ પર હોય છે. અમદાવાદ ખાતેનું નરેન્દ્ર મોડી સ્ટેડિયમ ખૂબ જ વિશાળ હોવાથી તેમજ ફાઈનલ મેચ હોવાથી સુરક્ષાની જવાબદારીઓ પણ એટલી જ વધી જાય છે. આ સાથે પાર્કિંગથી માંડી તમામ વ્યવસ્થાઓ, ટ્રાફિક નિયમ વગેરેને લઈને અમદાવાદ પોલીસે ભારે જહેમત ઉઠાવવાની રહેશે. જોકે આ બધા વચ્ચે ભારત ફાઈનલમાં પહોંચ્યું અને ટ્રોફી પોતાને નામ કરવાની પૂરી શક્યતા છે તે વાત પોલીસ ખાતાને પણ એટલી જ રોમાંચિત કરે છે.
ભારતે સમગ્ર ટૂર્નામેન્ટમાં એક પણ મેચ ન હારી ફાઈનલમાં શાનદાર પ્રવેશ કર્યો છે. આજે ઓસ્ટ્રેલિયા કે સાઉથ આફ્રિકા વચ્ચે સેમીફાઈનલમાં જે ટીમ વિજેતા બનશે તે રવિવારે ભારત સામે મુકાબલો કરશે. ક્રિકેટપ્રેમીઓ સહિત દેશભરમાં આ મેચને લઈને ભારે ઉત્સાહ છે ત્યારે ભારત વર્લ્ડ કપ જીતશે તો દેશવાસીઓ માટે આ બીજી દિવાળી સાબિત થશે.