વાદ પ્રતિવાદ

દુનિયા બેબસ-નિરાધાર-લાચાર: શું અઝાબથી બચવાનો કોઈ માર્ગ છે ખરો?

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

આ કોલમને નિયમિત વાંચતા એક બિરાદરે સવાલ કર્યો છે કે આજે વિશ્ર્વભરમાં જુદા જુદા સ્વરૂપે કુદરતી આફતો બની રહી છે ત્યારે શું સર્વનાશ થયા પછી આ દુનિયા ફરીવાર નવસર્જન પામશે?

  • શું આ અલ્લાહની નાફરમાનીનું પરિણામ છે?
  • આ સવાલનો જવાબ છે, હા!

જગતકર્તા તેની ઈલાહી કિતાબ કુરાનમાં ફરમાવે છે કે, ‘ભલા કોણ છે જે પ્રથમ દૃષ્ટિ નિર્માણ કરે છે પછી એ જ પ્રકારની સૃષ્ટિ વારંવાર બનાવ્યા કરે છે!

  • ‘તે કોણ છે? જે આકાશ અને જમીનમાંથી તમને રોજી આપે છે?
  • ‘શું અલ્લાહ સાથે બીજો પણ માઅબુદ (ઇશ્ર્વર) છે? હરગીઝ નહીં. તું કહે કે,
  • ‘જો તમે સાચા છો તો તમારી દલીલ રજૂ કરો.’ (સૂરહ-પ્રકરણ ૨૭, આયત ૬૪), યા અલ્લાહના કલામ (શબ્દો, વાક્ય) છે એટલે સત્ય માનવાજ રહ્યા. આ આયાત પર ગંભીરપણે વિચાર કરવાની જરૂર એટલા માટે છે કે નેવું ટકા માનવી તો સેતાનની દોરવણીનો ભોગ બની ચૂક્યા છે. અંદાજે દસ ટકા લોકો સદાચારી હશે જેના સદ્કર્મો થકી તો આ દુનિયા ટકી રહી છે. આવા સદાચારી લોકો પણ આજે જુલ્મના શિકાર બનતા જઈ રહ્યા છે. એટલે દુનિયા વિનાશની નજીક પહોંચતી જઈ રહી હોય એવું લાગ્યા વિના રહેતું નથી.

અલ્લાહ અદલો ઈન્સાફનો માલિક છે. તે કદી ઉતાવળિયું પગલું ભરે નહીં. જ્યારે સમય પરિપક્વ થશે ત્યારે જ ઘડો છલકાશે. આવું થશે ત્યારે માનવીને પોતે આચરેલા ગુનાઓની માફી માગવાનો સમય પણ નહીં મળે એટલે દુનિયાની હાલત પર વિચાર કરીને અઝાબથી બચવાનો કોઈ માર્ગ શોધી કાઢવો જોઈએ.

આજની દુનિયાનો વિચાર કરીએ છીએ ત્યારે કમકમા આવે છે. * સૌ પ્રથમ તો આતંકવાદના અજગરે આ દુનિયાને એવો ભરડો લીધો છે કે આમ આદમીની ઊંઘ હરામ થઈ ગઈ છે. પશ્ર્ચિમના દેશો તો આતંકના નામ માત્રથી થરથર કાંપે છે. મુસ્લિમ દેશોમાં પણ કંઈ શાંતિ નથી, એજ સ્થિતિ છે. આનો ક્યારે અને કેવો અંત આવશે તેનો ઉપાય કોઈને સુઝતો નથી. આવી હાલતમાં લોકો સદાચાર અને અલ્લાહની હિદાયતને ભૂલીને બેફામ જુલ્મોસિતમ પર ઊતરી પડ્યા છે અને જગતને જીવતો દોજખ બનાવી દીધો છે. હવે વિચારો કે અલ્લાહ જેવો મહાન દયાળુ આપણા પર કેવી રીતે રહેમોકરમ કરે? આપણે તેનો કયો હુકમ માન્યો છે? લોકોની જિંદગી સુધારવાના ઉપાયો તેણે બતાવ્યા છે તેના અમલનો આપણે કદી વિચાર કર્યો છે? અમલની વાત તો જાણે સપનું બની ગઈ છે.

જિંદગી જીવવાની કળા તેણે તેના રસૂલ (સલ.) દ્વારા કુરાને શરીફ મારફત શીખવી છે. ઉદાહરણ તરીકે નાનપણથી જ બાળકોને દીની (મઝહબી) તાલીમ આપવા બાબત ઉપદેશ છે. જેથી તેઓ પુખ્ત થતા સુધીમાં ઈસ્લામના ઉસુલો-સિદ્ધાંતોને જીવનમાં ઉતારી શકે. સમાજને તંદુરસ્ત અને સુખી બનાવવો હોય તો સ્ત્રી કેળવણી ઉપર પૂરતું ધ્યાન આપવું જોઈએ. સ્ત્રીઓને બૂરી નજરથી બચાવવા હોય તો બહુ-બેટીઓને ઇસ્લામના ઉપદેશ-આદેશ પર અમલ કરવાનું કહો…. આવી ઘણી હિદાયતોની સીધી અસર નવી પેઢી અને સમાજ પર પડે છે. શું અલ્લાહના આવા ઉમદા હુકમો આપણે માન્ય રાખ્યા છે? પ્રમાણિકપણે જવાબ આપો તો નહીં! અને આ ‘નહીં’ના પરિણામે આપણે દુનિયાને દયાજનક બનાવી દીધી છે. ગુના અને જુલ્મોનું પ્રમાણ એટલી હદ સુધી વધ્યું છે કે માનવી સવારે ઘરેથી નીકળે અને સાંજે સહી સલામત પાછો આવશે તેની કોઈ ખાતરી નથી. ગેરેન્ટી નથી.

આવી ગુનાહથી તબાહ થતી દુનિયામાં સેતાનની દોરવણીને માનનારા મૂર્ખ લોકો એમ સમજી બેઠા છે કે અલ્લાહ તો મહાન દયાળુ છે. આખેતરમાં કરગરીને માફી માગશું એટલે નજાત (મુક્તિ) મળી જશે તો આવા લોકો ભીંત ભૂલે છે. અરે ગુના માફ કરાવવાની પહેલી શર્ત તો એ છે કે સદાચારી જીવન અપનાવો અને ફરીવાર ગુના ન કરવાનું અલ્લાહને વચન આપો ત્યાર પછી જ ગુનાની માફી માગવાના હકદાર બની શકાય.

માનવીએ દુનિયા પર ગુનાઓના ઢેર ખડક્યા છે. પથ્થર યુગમાં જેવા અમાનુષી ગુનાઓ થતા હતા તેવા આજે કહેવાતા તરક્કીના યુગમાં પણ થાય છે. દીકરીઓને આ પહેલા જન્મતાની સાથે જીવતી દફન કરતા હતા. આજે વિશ્ર્વમાં લાખોના હિસાબે ભ્રૂણહત્યા-એબોર્શન થાય છે. ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે. આ ધરતી પર પ્રત્યેક મિનિટે લાખો ખૂન અને એટલા જ પ્રમાણમાં બળાત્કાર થાય છે. આવા આ કપરા કાળમાં જીવી કેમ શકાય? આપણે ખુદના હાથે જ વિનાશને નોતર્યો છે. આવી દોઝખથી બદતર દુનિયામાંથી છૂટીને મહાભયંકર દોજખમાં જવું પડશે. વિચારો સત્ય હંમેશાં કડવું લાગે છે, પરંતુ એ કડવાહટને મિઠાસમાં ફેરવવી હોય તો તેનો એક જ ઉપાય છે, અલ્લાહતઆલાએ વારંવાર ફરમાવ્યું છે કે મારી શક્તિને ઓળખો. મારા રસૂલ સલ્લલ્લાહો અલૈયહિ વસલામ અને કુરાને પાકના આદેશો પર અમલ કરો તો તમારી સર્વે મુસીબતો, પરેશાનીઓ, આફત-બલાઓ દૂર થશે. તમને અમન, ચેન, શુકુન, શાંતિ નસીબ થશે. કલમો, નમાજ, રોજા, જકાત, હજ અદા કરવા સાથે મેં ચીંધેલા સત્ય માર્ગ પર ચાલવું અને સદ્કાર્ય પર સાચા અર્થમાં અમલ કરવો તમને આ લોકમાં તેમજ પરલોક (આખેરત)માં પણ સફળતા અપાવશે.


સાપ્તાહિક સંદેશ:
કુરાનમાં અનેક હિદાયત (આદેશો, ધર્મજ્ઞાન) સાથે ન્યાય અને સમાનતા માટે આદેશો આપવામાં આવ્યા છે. ‘ફરમાવવામાં આવ્યું છે કે, સમાજ જીવનમાં સમાનતા અને ન્યાય માટે બળવાન અને નિર્બળ એમ બંનેની અદબ જાળવવામાં આવે. અગાઉના જમાનામાં મોટાભાગના ન્યાયાલયોમાં આ અંગે બિલકુલ ધ્યાન રાખવામાં આવતું નહોતું. પવિત્ર કુરાને આ પાયાની વાતને એટલી બધી અગત્યતા આપી અને આયત નાઝિલ થઈ- ‘ઈન્સાફની મર્યાદાની બહાર કદમ ન મૂકો…! હે ઈમાનવાળાઓ, અલ્લાહના માર્ગમાં મજબૂતાઈથી કાયમ રહો, પરંતુ તમે જૂથબંધીની શત્રુતાને કારણે ઈન્સાફથી ખસી જશો નહીં…!’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button