લાડકી

ભારતીય સિનેમામાં સ્ટંટ કરનાર પ્રથમ: ફિયરલેસ નાદિયા

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

જે દુશ્મનો પર ચાબુકથી વાર કરતી હોય, તીવ્ર ગતિથી સરકતા પાંજરામાં હાથોહાથની લડાઈ કરતી હોય, ચાલતી ટ્રેન પર શત્રુઓ સાથે બાથ ભીડતી હોય, આગ સાથે ખેલતી હોય, પહાડો પરથી છલાંગ લગાવતી હોય, ઘોડેસવારી કરવાની સાથે કરતબ દર્શાવતી હોય અને સિંહની સાથે જીવસટોસટની બાજી લગાવીને લડતી હોય… આવાં તો કેટકેટલાંયે સાહસ અને પરાક્રમો કરનાર મેરી ઇવાન્સનું નામ સાંભળ્યું છે?

આ સવાલનો જવાબ નકારમાં જ મળશે, પણ મેરી ઇવાન્સને બદલે ફિયરલેસ નાદિયાનું નામ મૂકશો તો સહુ કોઈ આ સાહસિક સ્ત્રીને તરત જ ઓળખશે. ફિયરલેસ નાદિયા એટલે કે નીડર નાદિયા ભારતીય સિનેમામાં ખતરનાક સ્ટંટ એટલે કે કરતબ દાખવનારી કરનારી પ્રથમ અભિનેત્રી હતી!

સામાન્યપણે ફિલ્મોમાં ચાલતી ટ્રેનમાંથી કૂદી પડવાનાં, વિમાનને લટકતું દોરડું પકડીને હવામાં અદ્ધર લટકવાનાં કે જંગલી જાનવર સાથે બાથંબાથી કરવા જેવું જોખમ ખેડતાં નાયક કે નાયિકાને જોઈએ ત્યારે આપણે જાણતાં જ હોઈએ છીએ કે હકીકતમાં એ દ્રશ્યોમાં સ્ટંટમેન કે સ્ટંટવુમન જોખમ સાથે પનારો પાડતાં હોય છે. પણ સિનેસૃષ્ટિમાં એવી અદ્ભુત માયાજાળ રચાય છે કે દર્શકોને એવું જ લાગે કે રૂપેરી પરદે નાયક કે નાયિકાએ પોતાના જાનની બાજી લગાવી દીધી છે… પરંતુ નાદિયા એવી પહેલી અભિનેત્રી હતી જેણે ફિલ્મમાં અભિનયનાં ઓજસ પાથરવાની સાથે હેરત પમાડનારાં કરતબ પણ દાખવ્યાં હતાં! ૧૯૩૫માં પ્રદર્શિત થયેલી ‘હંટરવાલી’ ફિલ્મથી માંડીને ‘ખિલાડી’ સુધીની અઢારેક ફિલ્મોમાં નાદિયાએ એવા અદ્ભુત કરતબ દાખવેલાં કે જોનારા અચંબિત થઈ જતાં.

નાદિયાએ ‘હંટરવાલી’ ફિલ્મથી કરતબ દાખવવાની શરૂઆત કરી. ફિલ્મમાં પોતાના પિતાનો બદલો લઈ રહેલી નાયિકાના રૂપમાં નાદિયા ચહેરા પર માસ્ક પહેરીને, નકાબપોશ થઈને દુશ્મનો પર હંટરથી વાર કરતી દર્શાવાઈ છે. એ સમયના દર્શકો માટે રૂપેરી પરદે એક સ્ત્રી કરતબ ને કારનામાં દાખવતી હોય એ નવી નવાઈની વાત હતી. સિનેમાના પરદે પુરુષોને લડાઈમાં પછાડતી અને ઘોડેસવારીથી માંડીને તલવારબાજી કરતી નાદિયાને જોઈને પ્રેક્ષકોનાં રૂંવાડાં ઊભા થઈ જતાં. નાદિયાની નીડરતા ટ્રેડમાર્ક બની ગઈ અને નાદિયા ‘ફિયરલેસ નાદિયા’ નામે પ્રચલિત થઈ ગઈ. એની સ્ટંટ સફર આગળ વધતી ગઈ. મિસ ફ્રન્ટિયર મેલમાં નાદિયાએ ચાલતી ટ્રેન પર શત્રુઓ સાથે બાથ ભીડેલી અને એક માણસને ઉઠાવીને એ ટ્રેન પર ચાલતી હોય એવા દ્રશ્યનું ફિલ્માંકન થયેલું. ડાયમંડ ક્વિનમાં ઢાળ પરથી ઝડપથી સરકતા પાંજરામાં એ દુશ્મનો સાથે દાવ ખેલતી હતી. બમ્બઈવાલીમાં નાદિયાએ ગાયનું તગડું વાછરડું ઉઠાવી લીધેલું. જંગલ પ્રિન્સેસમાં ચાર ખૂનખાર સિંહ સાથે બાથ ભીડેલી. આ દૃશ્યના ફિલ્માંકન વખતે સુંદરી નામની સિંહણ નાદિયા પર કૂદી પડેલી અને બીજા સિંહો પણ આક્રમક થઈ ગયેલા. એ સંદર્ભે એક મુલાકાતમાં નાદિયાએ કહેલું,

‘મારી બધી ફિલ્મોમાં જીવલેણ કહેવાય તેવા સ્ટંટ હતા, પણ જંગલ પ્રિન્સેસ ફિલ્મમાં મેં બે સિંહ અને બે સિંહણ સાથે જે કામ કર્યું એ સૌથી પ્રાણઘાતક કામ હતું. મારા ટ્રેનરે મને ડરવું નહીં એમ કહેલું. એણે કહ્યું કે, તું માત્ર સિંહની આંખમાં આંખ પરોવીને જોયા કરજે. પાંપણનો પલકારો પણ ન મારજે. એ તારો પીછો કરશે. તું માત્ર એની આંખમાં જોયા કરજે અને તને ખબર પડશે કે એમણે તારી વાત સાંભળવાની શરૂ કરી દીધી છે… મેં ટ્રેનરે કહ્યા પ્રમાણે કર્યું. સિંહો મારી વાત સાંભળવા લાગ્યાં. મેં સિંહની પૂંછડી આમળી અને એના પર સવાર થઈ ગઈ.’

આ પ્રકારના અનુભવો વચ્ચે નાદિયાની કચકડાની દુનિયાની સફર રંગેચંગે આગળ વધતી રહી. એણે અનેક ફિલ્મોમાં કરતબ દાખવ્યાં. લૂટારુ લલના, પંજાબ મેલ, મુકાબલા, હંટરવાલી કી બેટી, સ્ટંટ ક્વિન, હિમ્મતવાલી, ગ્યારહ બજે, ટાઈગ્રેસ, ધૂમકેતુ, જંગલ જવાહર, જંગલ રાની, સર્કસ ક્વિન અને ખિલાડી સહિતની ફિલ્મોમાં નાદિયાએ વિસ્મયકારક કરતબનું પ્રદર્શન કર્યું.

આ પ્રકારના જોખમી કરતબ દાખવનારી નાદિયા મૂળ ઓસ્ટ્રેલિયાની. પશ્ર્ચિમી ઓસ્ટ્રેલિયાના પર્થમાં ૮ જાન્યુઆરી, ૧૯૦૮ના મેરી એન ઇવાન્સ તરીકે એનો જન્મ થયો. ગ્રીક માતા માર્ગારેટ અને સ્કોટિશ પિતા હર્બર્ટ ઇવાન્સ. હર્બર્ટ બ્રિટિશ સૈન્યમાં સ્વયંસેવક હતા. મેરી એક વર્ષની થઈ ત્યારે હર્બર્ટની રેજિમેન્ટની બદલી મુંબઈમાં થઈ. એટલે ઈવાન્સ પરિવાર મુંબઈ જઈ વસ્યો, પણ દુર્ભાગ્યે ૧૯૧૫માં પ્રથમ વિશ્ર્વયુદ્ધ દરમિયાન જર્મનોને હાથે હર્બર્ટ મરાયો. પતિના અકાળ અવસાનને પગલે માર્ગારેટ દીકરી મેરી સાથે પેશાવર ચાલી ગઈ.

પેશાવર નિવાસ દરમિયાન મેરી ઘોડેસવારી, શિકાર, માછલી પકડવી અને નિશાનબાજી શીખી. ૧૯૨૮માં મેરી પોતાની માતા માર્ગારેટ સાથે ફરી મુંબઈ આવી. આમ તો ગાયિકા બનવાનું એનું સ્વપ્ન હતું, પણ પારિવારિક સંજોગોને કારણે મુંબઈમાં આર્મી એન્ડ નેવી સ્ટોરમાં સેલ્સગર્લ તરીકે નોકરી સ્વીકારી લીધી. વધુ સારી નોકરી મેળવવા મેરી શોર્ટ હેન્ડ અને ટાઈપિંગ પણ શીખવા માંગતી હતી, પરંતુ નસીબમાં કાંઈક બીજું જ લખાયેલું હતું. મેરી બહેતર જીવન માટે મેડમ એસ્ટ્રોવાના બેલે
ગ્રૂપમાં જોડાઈ ગઈ. એસ્ટ્રોવાની મંડળી બ્રિટિશ સૈન્ય છાવણીઓમાં, ભારતના શાહી પરિવારોની મહેફિલોમાં અને નાના નગરો તથા ગામડાંમાં કાર્યક્રમોની પ્રસ્તુતિ કરતી. બેલે મંડળીમાં તાલીમ લઈને મેરી એક્રોબેટિક સ્ટંટમાં પારંગત થઈ ગઈ. ખાસ કરીને કાર્ટવ્હીલ્સ અને સ્પ્લિટસમાં.

મેરી કરતબો દાખવતી, પણ મેરી ઈવાન્સના નામે જ. હજુ સુધી એનું નામ બદલાયું નહોતું. નામ બદલાવા પાછળ કારણ હતું. તે એ કે એક આર્મેનિયન જ્યોતિષીએ મેરીને કહ્યું કે, જ્વલંત સફળતા એની પ્રતીક્ષા કરી રહી છે, પણ એના માટે એણે નામ બદલવું પડશે. અંગ્રેજી મૂળાક્ષર ‘એન’થી શરૂ થતું કોઈ નામ રાખવું પડશે. મેરીએ નાદિયા નામ રાખ્યું. નાદિયા નામમાં વિદેશી ધ્વનિ સમાયેલો હતો એ પણ નાદિયા નામ રાખવા પાછળનું એક કારણ હતું.

હવે મેરી નાદિયા નામે કરતબો દાખવતી. લાહોરમાં એક કાર્યક્રમ દરમિયાન એક સિનેમાહોલના
માલિક એરુચ કાંગાએ નાદિયાને એક કલાકાર તરીકે નિહાળી. નાદિયા વિશે વાડિયા મૂવીટોન ફિલ્મનિર્માણ કંપનીના હોમી વાડિયા અને જમશેદ વાડિયાને જણાવ્યું. મુલાકાત ગોઠવાઈ. નીલા રંગીન સુંદર પોશાક સાથે સૂરજમુખીનાં ફૂલોથી સજાવેલી હેટ પહેરીને, ટ્રામમાં બેસીને નાદિયા વાડિયા બ્રધર્સના સ્ટુડિયે પહોંચી. બન્ને ભાઈઓ પ્રભાવિત થતાં નાદિયાને કામ મળી ગયું. આરંભે નાનકડી ભૂમિકાઓ ભજવ્યા પછી નાદિયાને સાઠ રૂપિયાના પગારે વાડિયા મૂવીટોનમાં રાખી લેવામાં આવી. નાદિયાએ હિંદી ભાષા શીખવાનું શરૂ કર્યું. અને પછી હંટરવાલી ફિલ્મ આવી જેણે નાદિયાને રાતોરાત પ્રસિદ્ધિ અપાવી. જોકે કેટલાંકને નાદિયા નામ અજબ જેવું લાગ્યું અને નંદાદેવી નામ રાખવાની સલાહ આપી, પણ નાદિયાએ ધરાર ના કહી દીધેલી. આમ એ ભારતીય સિનેમાની પ્રથમ કરતબબાજ મહિલા ઉપરાંત ફિયરલેસ નાદિયા તરીકે જાણીતી થઈ.

નાદિયાએ ૧૯૫૯માં સર્કસ ક્વિન કર્યાના બે વર્ષ બાદ, ૧૯૬૧માં હોમી વાડિયા સાથે લગ્ન કરી લીધાં. એ પછી હોમી વાડિયાની જ ૧૯૬૮ની ફિલ્મ ખિલાડીમાં કામ કર્યું. નાદિયાની એ અંતિમ ફિલ્મ હતી. ૯ જાન્યુઆરી, ૧૯૯૬ના રોજ નાદિયાનું નિધન થયું, પરંતુ જેણે એની ફિલ્મો જોઈ છે એના માનસપટ પર નાદિયાની સ્મૃતિ અકબંધ સચવાયેલી છે: ઊંચાઈએથી ભૂસકો મારતી, હવામાં ગુલાંટ ખાતી, ઝુમ્મર પર ઝૂલતી અને દીવાલો પર ચડતી નાદિયા… ફિયરલેસ નાદિયા!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button