નેશનલ

પીએમ મોદીની ‘મૂર્ખોના સરદાર’ વાળી ટિપ્પણી પર અશોક ગહેલોતે શું કહ્યું?

જયપુર: કોંગ્રેસ નેતા અશોક ગહેલોતે પીએમ મોદીના ‘મૂર્ખોના સરદાર’ વાળા નિવેદન અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે પીએમની આ ટિપ્પણી ‘અત્યંત દુર્ભાગ્યપૂર્ણ’ છે. વડા પ્રધાનના પદની એક ગરિમા હોય છે. પરંતુ જો આવા પદ રહેલા લોકો આ પ્રકારની વાતો કરે તો તમે તેમની પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકો?

શિવસેના નેતા સંજય રાઉતે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પીએમ મોદી ડરી રહ્યા છે કારણકે 2024માં રાહુલ ગાંધી વડા પ્રધાન બનવાના છે.

રાહુલ ગાંધી દેશમાં ખૂબ લોકપ્રિય છે અને ભાજપ પાંચેય રાજ્યોમાં ચૂંટણીમાં હારવાનું છે. તેમને(પીએમ મોદી) ખ્યાલ છે કે રાહુલ ગાંધી 2024માં પીએમ બનવાના છે અને એટલે જ તેઓ ડરી રહ્યા છે, તેમ સંજય રાઉતે જણાવ્યું હતું.

પીએમ મોદીએ મંગળવારે એક રેલીને સંબોધન કરતા નિવેદન આપ્યું હતું કે “કોંગ્રેસના એક બુદ્ધિશાળી વ્યક્તિએ કહ્યું કે ભારતના લોકોએ ફક્ત મેડ ઇન ચાઇના મોબાઇલ વાપરે છે. અરે મૂર્ખના સરદાર! તમે કઇ દુનિયામાં જીવો છો? કોંગ્રેસના નેતાઓને ભારતની સિદ્ધિઓને અવગણવાની માનસિક બિમારી છે. મને નવાઇ લાગે છે કે એવા કયા વિદેશી ચશ્મા તેમણે પહેર્યા હશે જેમાં તેમને ભારત દેખાતું નથી. ” આવા પ્રહારો પીએમ મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર કર્યા હતા.

મધ્યપ્રદેશમાં હાલ ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે તેવામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે પણ વાકયુદ્ધ જામ્યું છે. રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં એક રેલીને સંબોધન કરતા કહ્યું હતું કે “તમે તમારા મોબાઇલ ફોનની પાછળ, તમારા શર્ટમાં, તમારા જૂતામાં, જ્યાં જોશો ત્યાં તમને ‘મેડ ઇન ચાઇના’ લખેલું જોવા મળશે. શું તમે કેમેરા અને શર્ટની પાછળ ‘મેડ ઇન મધ્ય પ્રદેશ’ ટેગ જોયા છે? અમે આ જ કરવા માંગીએ છીએ. ,” તેવું રાહુલ ગાંધીએ કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button