દિવાળીમાં મુંબઈનું પ્રદૂષણ સ્તર પહોંચ્યું જોખમી સ્તરે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દિવાળીના દિવસે મુંબઈગરાએ ધૂમ ફટાકડા ફોડ્યા હતા. મંગળવારે મુંબઈમાં પ્રદૂષણનું સ્તર જોખમી સ્તરે પહોંચી ગયું હતું. દિવસ દરમિયાન મુંબઈની હવાની ગુણવત્તા કથળી ગઈ હતી અને સરેરાશ ઍર ક્વોલિટી ઈન્ડેક્ ૨૪૫ નોંધાયો હતો. તો મુંબઈમાં સૌથી ઊંચો ઍર ક્વોલિટી ઈન્ડેક્સ મલાડમાં ૩૨૪ જેટલો નોંધાયો હતો.
મુંબઈમાં છેલ્લા અનેક દિવસથી પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. ધૂળ અને પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ૨૭ નિયમો સાથેની ગાઈડલાઈન બહાર પાડી છે, તો હાઈ કોર્ટે ફટાકડા ફોડવા માટેની મુદત પણ રાતના આઠથી દસ વાગ્યા સુધીની માત્ર બે કલાકની કરી નાંખી છે. જોકે બે કલાકમાં પણ દિવાળીના દિવસે રવિવારે મુંબઈગરાએ ધૂમ ફટાકડા ફોડ્યા હતા.
રવિવારે મોડી રાત સુધી મોટી માત્રામાં ફટાકડા ફૂટ્યા હતા, તેને કારણે સોમવારે બીજા દિવસે મુંબઈમાં પ્રદૂષણનું સ્તર વધી ગયું હતું. હવાની ગુણવત્તા પણ જોખમી સ્તરે વધી ગઈ હતી. સોમવારે દિવસ દરમિયાન મુંબઈનો સરેરાશ ઍર ક્વોલિટી ઈન્ડેકસ ૨૪૫ જેટલો ઊંચો નોંધાયો હતો.
સિસ્ટમ ઓફ ઍર ક્વોલિટી ઍન્ડ વેધર ફોરકાસ્ટિંગ ઍન્ડ રિસર્ચ (સફર)ના જણાવ્યા મુજબ મુંબઈમાં સૌથી ઊંચો ઍર ક્વોલિટી ઈન્ડેક્સ મલાડમાં ૩૨૪ નોંધાયો હતો. તો બાંદ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સમાં ૩૧૦, બોરીવલીમાં ૩૦૭, મઝગાંવમાં ૨૬૯, કોલાબામાં ૨૦૩, અંધેરીમાં ૧૭૮, ભાંડુપમાં ૧૫૩ નોંધાયો હતો. તો નવી મુંબઈમાં સરેરાશ ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૪૪ નોંધાયો હતો.
ત્રણ દિવસમાં ફટાકડાથી ૩૫ જગ્યાએ આગ
દિવાળીના ફટાકડાને કારણે તથા ઘરમાં લગાડવામાં આવતા દીવાઓને કારણે આગ લાગવાનું પ્રમાણ વધુ રહેતું હોય છે. ફાયરબિગ્રેડના જણાવ્યા મુજબ દિવાળીના ત્રણ મહત્ત્વના દિવસે મુંબઈમાં ફટાકડાને કારણે આગ લાગવાને ૨૭ બનાવ બન્યા હતા, જેમાંથી ૧૦ નવેમ્બરના ધનતેરસના દિવસે ફટાકડા ફોડવાને કારણે આગના ચાર, તો ૧૧ નવેમ્બર કાળી ચૌદશના આગના ચાર અને રવિવાર દિવાળીના દિવસે ફટાકડાને કારણે આગની ૨૭ દુર્ઘટના બની હતી, જેમાં એેક વ્યક્તિ મામૂલી માત્રામાં જખમી થયો હતો.
હાઇ કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન: ૭૮૪ ગુના દાખલ કર્યા
મુંબઈ: દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા અંગે મુંબઈ હાઇ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ મુંબઈ પોલીસે ૭૮૪ ગુના દાખલ કર્યા હતા અને ૮૦૬ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.મુંબઈ પોલીસ દ્વારા ૧૦ નવેમ્બરથી ૧૨ નવેમ્બર દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. શહેરમાં હવાની હલકી ગુણવત્તાને લઇ ચિંતિત હાઇ કોર્ટે ગયા સપ્તાહે દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા માટેના નિર્દેશો જારી કર્યા હતા.મહાનગરમાં છેલ્લા અનેક દિવસોથી પ્રદૂષણનું સ્તર વધી રહ્યું હોવાથી વાયુ પ્રદૂષણને લગતી પિટિશનોની સુનાવણી કરતી વખતે હાઇ કોર્ટે ફટાકડા ફોડવા માટેનો સમય સાતના ૮થી ૧૦ વાગ્યાનો નક્કી કરી આપ્યો હતો.અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસને પ્રદૂષણ સંબંધી નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો સામે કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું હતું.
દરમિયાન શહેરમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં ૭૮૪ ગુના દાખલ કરવામાં આવ્યા હતા અને ૮૦૬ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લંઘન કરનારા લોકોમાંથી ૭૩૪ને દંડ ફટકારવામાં આવ્યો હતો. અધિકારીએ કહ્યું હતું કે તહેવારોની મોસમ દરમિયાન આગામી થોડા દિવસ સુધી આ ઝુંબેશ ચાલુ રહેશે. (પીટીઆઇ)