આપણું ગુજરાત

સુરતમાં દિવાળીના દિવસે હાર્ટએટેકથી બે જીવનજ્યોત રામ થઇ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતમાં દિવાળીના દિવસે જ હાર્ટએટેકથી બે લોકોના જીવનદીપ બૂઝાયા હોવાનું જાણવા મળ્યું હતુ. પ્રથમ બનાવમાં અઠવા વિસ્તારમાં રહેતા એક ૪૯ વર્ષીય આધેડનું હૃદયરોગના હુમલાથી મોત થયું હોવાનું તો બીજી ઘટનામાં પાંડેસરા અંબિકા નગર ખાતે રહેતા એક વ્યક્તિનું પણ હૃદયરોગથી મોત થયું હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.

આ ઘટનાઓની વધુ વિગતો પ્રમાણે સુરતમાં બે લોકોના હાર્ટએટેકથી મોતની માહિતી મળી હતી. અઠવા વિસ્તારમાં રહેતા એક ૪૯ વર્ષીય આધેડ જેમનું નામ પુષ્પમ જૈન હતું તેમનું હૃદયરોગના હુમલાથી મોત થયું હોવાની જાણકારી મળી હતી. પુષ્પમ જૈન કાપડના વેપારી હતા અને અઠવા વિસ્તારમાં રહેતા હતા. તેઓ ગત બપોરે પોતાના નિવાસે જમીને સૂતા હતા. પરંતુ સાંજ પડી હોવા છતાં ઉઠ્યા નહીં તેથી પરિવાર દ્વારા તેમને ઉઠાડવામાં આવ્યા છતાં તેઓ ઉઠ્યા નહોતા. આમ ઊંઘમાં જ તેમનું હૃદયરોગના હુમલાના લીધે મોત નીપજ્યાનું પ્રાથમિક તારણ નિકળ્યું હતું. આ મામલે પરિવાર દ્વારા ૧૦૮ને બોલાવવામાં આવી હતી, જેના પછી પરિવારને ખ્યાલ આવ્યો કે તેમનું ઊંઘમાં જ મોત થઈ ચૂક્યું છે.

આવી જ અન્ય એક ઘટના સુરતના પાંડેસરાના ૪૮ વર્ષીય રોશનલાલ હવાસિંઘ સાથે બનવા પામી હતી. રોશનલાલ મૂળ હરિયાણાના નિવાસી હતા અને રોજગારી માટે સુરત આવ્યા હતા. તેઓ પાંડેસરાના અંબિકા નગર ખાતે એકલા જ રહેતા હતા અને ડાઇંગ મિલમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમનું પણ ઊંઘમાં જ અચાનક મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી છે. પ્રાપ્ત વિગતો નુસાર રોશનલાલ પણ બપોરે સૂઈ ગયા હતા. જેના બાદ તેમને ઊંઘમાં જ હાર્ટએટેક આવ્યો હોય એવું પ્રાથમિક તારણ છે. તેઓ ઉંઘ્યા બાદ ઉઠ્યા નહોતા. તેમને પાડોશીએ જગાડવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તેઓ ઉઠ્યા નહોતા. જેના બાદ રોશનલાલનું મોત થયું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે જેના પછી મોતનું સાચું કારણ સામે આવી શકે છે. જો કે પ્રાથમિક તારણ અનુસાર આ હાર્ટએટેકની જ ઘટના હોવાનું જણાઈ રહ્યું છે. જે રીતે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં હાર્ટએટેકના બનાવો વધી રહ્યા છે તે ખરેખર એક ચિંતાજનક બાબત છે. દિવસેને દિવસે વધી રહેલી આ ઘટનાઓથી લોકોમાં ભયનું પ્રમાણ વધી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button