સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભાગદોડ: એકનું મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતમાં તહેવારોના કારણે ભારે ભીડ થતા ભાગદોડ મચી ગઈ હતી. જેના કારણે ચારથી પાંચ લોકો બેભાન થયા હતાં. તેમાંથી એક વ્યક્તિને સારવાર માટે ૧૦૮ દ્વારા હૉસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં જેનું મોત થયું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરત રેલવે સ્ટેશન પર છેલ્લા બે દિવસથી દિવાળી અને છઠ્ઠ પૂજાને લઈને પરપ્રાંતીયોનો વતન જવા માટે ધસારો વધ્યો હતો. ટ્રેનની ક્ષમતા કરતાં ત્રણથી ચાર ગણા લોકો પ્લેટફોર્મ પર પહોંચી જતાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. પ્લેટફોર્મ પર ટ્રેનમાં બેસવા માટે ભારે ધક્કામુક્કી થતા ભાગદોડ મચી ગઇ હતી.
આ સમગ્ર ઘટના અંગે રેલવે એસીપીએ જણાવ્યું હતું કે, અગાઉથી પૂરતી વ્યવસ્થા કરાઇ હતી, પરંતુ ભારે ભીડના કારણે મુશ્કેલી ઊભી થઈ હતી. તેમજ આરપીએફ કર્મચારીઓ પણ હાજર જ હતા. આ ઉપરાંત પોલીસકર્મીઓ પણ તૈનાત જ હતા તેમ છતાં ભારે ભીડના કારણે દુર્ઘટના બની છે. તહેવારને કારણે ભીડ વધારે જ હતી અને તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ લાઇન કરાવીને અમે ટ્રેનમાં એન્ટ્રી આપતા હતા. આ દરમિયાન સ્ટેશન પર ભારે ભીડના કારણે લોકોના શ્ર્વાસ રુંધાયા હતા. એટલું જ નહીં ભીડ કંટ્રોલ કરવા પોલીસ ફોર્સ બોલાવાની ફરજ પડી હતી. તેમજ સ્ટેશન પર કેટલાંક મુસાફરોને સીપીઆર આપવાની પણ ફરજ પડી હતી.