નેશનલ

ગુજરાતમાં વિદેશી દારૂના વેચાણથી સરકારને ૨૦૦ કરોડની કમાણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં વિદેશી દારૂ અને બિયરના વેચાણ માટે પરવાના અપાયા છે. જેમાં દારૂના વેચાણથી છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. ૨૦૦ કરોડની આવક રાજ્ય સરકારને થઈ છે. વર્ષ ૨૦૨૦-૨૧માં ૫૧.૮૪ કરોડની આવક થઈ હતી, જોકે છેલ્લે વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૭૮.૧૪ કરોડની આવક દારૂના વેચાણ દ્વારા થઈ છે. વર્ષ ૨૦૨૦-૨૧ની સરખામણીએ વર્ષ ૨૦૨૨-૨૩માં દારૂની આવકમાં ૬૬ ટકા જેટલો જંગી ઉછાળો નોંધાયો છે.

રાજ્યના ગૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં સ્પિરિટ, વાઈનની સરખામણીએ બિયરનું વેચાણ વધ્યું છે. વર્ષ ૨૦૨૨-૨૩ના અરસામાં ૭.૭૩ લાખ લિટર સ્પિરિટનું વેચાણ
થયું હતું જ્યારે ૭૮ હજાર લીટર વાઈન અને ૪૯.૨૧ લાખ લિટર બિયરના જથ્થાનું વેચાણ કરાયું હતું. વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૩.૫૨ લાખ લીટર બિયરનું વેચાણ થયું હતું, જોકે વર્ષ ૨૦૨૨-૨૩માં વેચાણ ૪૯.૨૧ લાખ લિટરને પાર થયું છે. વિદેશી દારૂનું વેચાણ સતત વધી રહ્યું છે. દારૂ પીવાની પરમિટ લેનારામાં મોટા ભાગના રાતે ઉંઘ આવતી ન હોવાનું કારણ બતાવે છે. ગુજરાતમાં માર્ચ ૨૦૨૩ની સ્થિતિએ વિદેશી દારૂ અને બિયરના વેચાણ પરવાનેદારોની સંખ્યા ૭૬ છે, જ્યારે સંગ્રહના ૬૯ પરવાનેદારો છે. સૌથી વધુ અમદાવાદ શહેરમાં ૧૯ સંગ્રહ અને ૧૯ વેચાણ પરવાનેદારો છે. વેચાણ પરવાનેદારોમાં અમદાવાદ જિલ્લામાં બે, ગાંધીનગર શહેરમાં બે, ગાંધીનગર જિલ્લામાં બે, સુરત શહેરમાં પાંચ, સુરત જિલ્લામાં એક, ભરૂચમાં ચાર, વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં સાત-સાત, રાજકોટ જિલ્લામાં બે, આણંદ શહેરમાં ત્રણ, આણંદ જિલ્લામાં એક, ભાવનગર શહેરમાં બે, ભાવનગર જિલ્લામાં એક, કચ્છ-ભૂજમાં સાત પરવાનેદારો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button