નાગપુરમાં ભાજપના પદાધિકારીનીહત્યા: ઢાબાના બે કર્મચારી ફરાર
નાગપુર: નાગપુરમાં ભાજપના પદાધિકારી રાજુ ડેંગરેની પથ્થર અને બામ્બુ ફટકારી કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. હત્યા બાદ ઢાબાના બે કર્મચારી રોકડ અને કાર લૂંટી ફરાર થઈ ગયા હોવાનું પોલીસનું કહેવું છે.
રાજુ ડેંગરે નાગપુર ગ્રામીણ એકમના મહામંત્રી હતા. તાજેતરમાં રાજ્યમાં થયેલી ગ્રામપંચાયતની ચૂંટણીમાં પણ ડેંગરે ચૂંટાયા હતા. હત્યા પાછળનું ચોક્કસ કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું.
પોલીસ ફરિયાદ અનુસાર ઘટના શનિવારના મળસકે ત્રણ વાગ્યાની આસપાસ નાગપુર જિલ્લાના પાંચગાંવ ખાતે બની હતી. ડેંગરે પાંચગાંવમાં જ ઢાબા ધરાવે છે. ઢાબાના બે કર્મચારી સાથે કોઈ મુદ્દે વિવાદ થયો હતો.
કહેવાય છે કે ઢાબાના કર્મચારીઓએ બામ્બુ અને પથ્થર વડે હુમલો કરતાં ડેંગરેનું મૃત્યુ થયું હતું. હત્યા બાદ બન્ને કર્મચારી કાઉન્ટર પરની રોકડ લૂંટી ડેંગરેની કારમાં ફરાર થઈ ગયા હતા. જોકે બાદમાં કારને અકસ્માત નડતાં વિહીરગાંવ સ્થિત નદી પરના પૂલ પર કાર છોડી બન્ને આરોપી પલાયન કરી ગયા
હતા.
હત્યાની વાત ફેલાતાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હૉસ્પિટલ બહાર એકઠા થયા હતા. આ પ્રકરણે કુહી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ડેંગરેની હત્યા લૂંટને ઇરાદે કરાઈ કે અન્ય કોઈ કારણસર તેની તપાસ પોલીસ કરી રહી છે.