બૅન્કના અધિકારીનો સી-લિંક પરથી કૂદકો મારી આપઘાત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત ખાનગી બૅન્કના અધિકારીએ બાન્દ્રા-વરલી સી-લિંક પરથી દરિયામાં કૂદકો મારી કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. વરલી પોલીસના જણાવ્યા મુજબ શુક્રવારની રાતે બનેલી ઘટનામાં મૃતકની ઓળખ રાકેશ આકાશ સિંહ (૨૭) તરીકે થઈ હતી. પરેલમાં રહેતો સિંહ બીકેસીમાં આવેલી ખાનગી બૅન્કમાં કામ કરતો હતો. મળતી માહિતી અનુસાર પરેલ જવા માટે સિંહ બીકેસીથી ટૅક્સીમાં બેઠો હતો. ટૅક્સી સી-લિંક પરથી લેવાની સૂચના તેણે ડ્રાઈવરને આપી હતી. ડ્રાઈવરે પોલીસને જણાવ્યું હતું કે ટૅક્સી સી-લિંક પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક સિંહે તેનો મોબાઈલ ફોન નીચે પડી ગયો હોવાનું કહ્યું હતું. સી-લિંક પર વાહન ઊભું રાખવાની મનાઈ હોવા છતાં ડ્રાઈવરે ટૅક્સી ઊભી રાખી હતી. મોબાઈલ લેવાને બહાને ટૅક્સીમાંથી નીચે ઊતરેલા સિંહે દરિયામાં કૂદકો માર્યો હતો. ટૅક્સી ડ્રાઈવરે તાત્કાલિક પોલીસને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે સિંહને બેભાન અવસ્થામાં દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.