આમચી મુંબઈ

આ શાખા તો મારા નામે છે: મુંબ્રાના વૃદ્ધ શિવસૈનિક

મુંબઈ: મુંબ્રામાં શિવસેનાની શાખાના ડિમોલિશન બાદ રાજકીય વાતાવરણ ગરમ થયું છે ત્યારે શનિવારે તેમાં નવો ફણગો ફૂટ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ મુંબ્રામાં તોડી નાખવામાં આવેલી શાખાને મુદ્દે શિંદે જૂથને ચેતવણી આપી હતી. ત્યારબાદ એક વૃદ્ધ શિવસૈનિક સામે આવ્યા છે. તેમણે કહ્યું હતું કે જે શાખા તોડી પાડવામાં આવી તેની માલિકી તેમની છે અને તેઓ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સાથે છે. ૯૬ વર્ષના શિવસૈનિક ઉદ્ધવરાવ જગતાપે શનિવારે કહ્યું હતું કે શાખા મારા નામ પર છે અને તે શિવસેનાની છે. શિવસેના એકનાથ શિંદેની છે એટલે હું પણ એકનાથ શિંદેની જ સાથે રહેવાનો છું. દિઘે સાહેબ હતા ત્યારે આ શાખા બાંધવામાં આવી હતી અને ત્યારે હું હાજર હતો. તમારા નામ પર શાખા કરવાની છે એવું દિઘે સાહેબે પોતે જ કહ્યું હતું અને આજે પણ આનું એગ્રીમેન્ટ મારા નામ પર છે. ઉદ્ધવ ઠાકરેેએ થાણેમાં એકેય શાખા બાંધી છે કે? એવો સવાલ પણ તેમણે કર્યો હતો.

મુંબ્રામાં શિવસેનાની મધ્યવર્તી શાખામાંથી ઠાકરે જૂથના પદાધિકારીઓને બહાર કાઢીને શિંદેએ જેસીબીથી શાખા તોડી પાડી હતી. તેને કારણે હોબાળો થયો હતો. ઠાકરે જૂથ આ શાખા તોડ્યા બાદ ભારે આક્રમક બની ગયું છે ત્યારે જગતાપે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે બાળાસાહેબના પુત્ર હોવાથી તેમને માટે આદર છે, પરંતુ તેમણે ક્યારેય અહીંની શાખાની મુલાકાત લીધી નહોતી. પછી આજે તેઓ કેમ આવી રહ્યા છે? તેઓ ક્યાંય જતા નહોતા, કોઈને મળતા નહોતા. આજે તેઓ એકનાથ શિંદેને કારણે ઘરની બહાર નીકળતા થયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button