IPL 2024સ્પોર્ટસ

વર્લ્ડ કપ બાદ બાબર આઝમ કેપ્ટનશીપ છોડશે! પાકિસ્તાનમાં થઇ રહી છે ટીકા

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ વર્લ્ડકપ બાદ મર્યાદિત ઓવરોની ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ છોડી શકે છે. પાકિસ્તાન માટે વર્લ્ડકપ સેમિફાઇનલનો રસ્તો લગભગ અશક્ય છે, ઇંગ્લેન્ડ સામે તોતિંગ માર્જીનથી જીત મેળવવી પડે. પાકિસ્તાન હાલમાં ચાર જીત અને ચાર હાર સાથે આઠ મેચમાંથી આઠ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે, નેટ રન રેટ +0.036 છે અને ન્યુઝીલેન્ડનો નેટ રન રેટ +0.743 છે.

પાકિસ્તાની મીડિયાને અહેવાલ મુજબ, બાબર આઝમ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ભૂતપૂર્વ અધ્યક્ષ રમીઝ રાજા અને તેના નજીકના સહયોગીઓ સાથે તેના ભવિષ્ય વિશે સલાહ લઈ રહ્યો છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે બાબરનો કેપ્ટન તરીકે રહેવા કે ન રહેવા અંગે નિર્ણય તે લોકો પાસેથી મળેલી સલાહ આધારે લેશે. અહેવાલો અનુસાર, તેના કેટલાક નજીકના સહયોગીઓએ તેને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ છોડવાની સલાહ આપી છે.

ભારત, ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ અફઘાનિસ્તાન સામેની હાર બાદ બાબરની તેના દેશમાં ઘણી ટીકા થઈ હતી. કેટલાક પૂર્વ ક્રિકેટરોએ તેને સુકાની પદ પરથી હટાવવાની માંગ કરી હતી. તે જ સમયે, પીસીબીના વર્તમાન અધ્યક્ષ ઝકા અશરફ સાથે વાતચીત બંધ થઇ હોવાના અહેવાલો પણ આવ્યા હતા.

પાકિસ્તાનની ઈંગ્લેન્ડ સામેની લીગ રાઉન્ડની છેલ્લી મેચ પહેલા બાબરને પૂછવામાં આવ્યું હતું કે તે તેની કેપ્ટનશીપ અંગે ક્યારે નિર્ણય લેશે? આના પર તેણે કહ્યું, કેપ્ટન્સી વિશે – એકવાર અમે પાકિસ્તાન પાછા જઈશું અથવા આ મેચ પછી જોઈશું કે શું થાય છે. જો કે, હું અત્યારે એના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો નથી. મારું ધ્યાન આગામી મેચ પર છે.

તેણે એ વાતનો પણ ઇનકાર કર્યો હતો કે વર્લ્ડ કપમાં કેપ્ટનશિપની જવાબદારીની તેના ફોર્મ પર અસર પડી છે. બાબરે કહ્યું, હું છેલ્લા ત્રણ વર્ષથી કેપ્ટન્સી કરી રહ્યો છું અને મને ક્યારેય એવું લાગ્યું નથી. મારે વર્લ્ડ કપમાં જે રીતે પ્રદર્શન કરવું જોઈએ એ રીતે થયું નથી, એટલા માટે લોકો કહે છે કે હું દબાણમાં છું. હું કોઈ દબાણમાં નથી. આગાઉ કેપ્ટન હોવાની સાથે મેં સારું પ્રદર્શન કર્યું છે.

બાબરે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી આઠ ઇનિંગ્સમાં 282 રન બનાવ્યા છે. જેમાં ચાર અડધી સદીનો  સમાવેશ થાય છે. પાકિસ્તાનની ટીમને ટોપ ઓર્ડરના બેટ્સમેનના ખરાબ પ્રદર્શનનું પરિણામ ભોગવવું પડી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે તે માત્ર વ્હાઈટ બોલ ક્રિકેટની કેપ્ટનશીપમાંથી રાજીનામું આપે છે કે ત્રણેય ફોર્મેટમાંથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button