અમદાવાદમાં કેવાયસી અપડેટ કરવાના બહાને ગઠિયાઓએ લાખો રૂપિયા સેરવી લીધા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરના નવરંગપુરાના વૃદ્ધ દંપતીને સાયબર ગઠિયાએ બૅન્ક મેનેજર બોલું છું કહીને બૅન્ક એકાઉન્ટમાં કેવાયસી અપડેટ કરાવવાનું કહી વીડિયો કોલ કરીને બે એકાઉન્ટમાંથી કુલ રૂા. ૬.૬૩ લાખ સેરવી લીધા હતા. વૃદ્ધે અજાણ્યા ગઠિયા સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
નવરંગપુરામાં રહેતા હસમુખભાઇ મહેતા નિવૃત્ત જીવન ગુજારે છે. ગત ૭ નવેમ્બરે બપોરના સમયે અજાણ્યા નંબરથી તેમની પર ફોન આવ્યો હતો અને ફોન કરનાર શખસે પોતે બૅન્ક મેનેજર હોવાનું જણાવીને બૅન્ક એકાઉન્ટ ચાલુ રાખવા કેવાયસી અપડેટ કરાવવું પડશે અને જો નહીં કરાવો તો એકાઉન્ટ બંધ થઇ જશે. આમ ગઠિયાએ ફરિયાદીના પત્નીના મોબાઇલ નંબર પર વીડિયો કોલ કરીને સ્ક્રીન શેરીંગ બટન પર ક્લિક કરવાનું કહ્યું હતું. બાદમાં તેણે બૅન્કની પાસબુક અને ડેબિટ કાર્ડનો આગળ પાછળનો ફોટો પાડવા માટે કહેતા ફરિયાદીએ તે ફોટો પાડ્યા હતાં. જોકે થોડીવાર બાદ આરોપીએ કેવાયસી પ્રોસેસ પુરી કરવા માટે તેમજ વેલીડેશન માટે બીજી અન્ય બેંકના ખાતાની જરૂર પડશે તેમ કહીને અન્ય બૅન્કના પાસબુક તેમજ ડેબિટકાર્ડનો આગળ પાછળનો ફોટો પડાવ્યો હતો. બૅન્કના ડેબિટકાર્ડનો પાસવર્ડ ટાઇપ કરવાનું કહેતા ફરિયાદીએ તેના કહ્યા મુજબ પાસવર્ડ ટાઇપ કરી આપ્યો હતો. ગઠિયાએ બે બૅન્ક એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે રૂપિયા ૬ લાખ ૬૩ હજારનું ટ્રાન્જેક્શન કર્યુ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.