ગુજરાતમાં ૩૦ હજાર બાળક ટાઇપ-૧ ડાયાબિટીક
૧૪મી નવેમ્બરે વર્લ્ડ ડાયાબિટીસ ડે, જાગૃતિ જરૂરી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ૩૦ હજાર જેટલાં બાળક ટાઈપ-૧ ડાયાબિટીસથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે. બાળકનું વજન ઘટવા લાગે, ભૂખ લાગે, ખૂબ પાણી માગે તો ડૉક્ટરને બતાવો , કેમ કે બાળકોમાં આવાં લક્ષણો દેખાય તો દુર્લક્ષ્ય સેવવા જેવું નથી. આગામી ૧૪મી નવેમ્બરે વર્લ્ડ ડાયાબિટીસ ડે મનાવાશે ત્યારે બાળકોમાં જોવા મળતા ટાઈપ-૧ ડાયાબિટીસ વિશે લોકોમાં ખાસ જાગૃતિ નથી. દેશમાં અંદાજે ૮.૬ લાખ જેટલા બાળકો ટાઈપ-૧ ડાયાબિટીસથી પીડાય છે. દર વર્ષે દેશમાં અંદાજે ૨૪ હજાર જેટલા નવા કેસ નોંધાય છે. ગુજરાતમાં અંદાજે ૩૦ હજાર જેટલા બાળક ટાઈપ-૧ ડાયાબિટીસથી પીડાય છે અને દર વર્ષે ૭૦૦થી ૮૦૦ જેટલા બાળકમાં આ રોગ હોવાનું સામે આવે છે. દેશમાં ૯૫% લોકોને ટાઈપ-૨ અને ૫% જેટલાને ટાઈપ-૧ ડાયાબિટિસ જોવા મળે છે. ટાઈપ-૧ એ વારસાગત નથી, પણ કુદરતી છે. નિષ્ણાત તબીબના કહેવા પ્રમાણે, ટી-૧ ડાયાબિટિસમાં ઈન્સ્યુલિન અને યોગ્ય સારવારથી તંદુરસ્ત જીવન જીવી શકાય છે. જોકે, સારવાર ન મળે તો બાળકનું મોત થઈ શકે છે. મોટે ભાગે ૮થી ૧૨ વર્ષની ઉંમરના બાળકોમાં આ કેસ જોવા મળતાં હોય છે. બાળકનું વજન ઘટવા લાગે, વધારે ભૂખ લાગે, વારંવાર પાણી પીવે ને પેશાબ લાગે એ ટાઈપ-૧ ડાયાબિટીસનાં લક્ષણો છે. જો સ્થિતિ વધારે ગંભીર થાય તો પેટમાં દુ:ખાવો થાય, ઊલટી થાય, બાળક બેભાન થઈ શકે છે.
જો બાળકની સ્થિતિ વધુ ગંભીર થાય તો કિડની અને આંખની રોશનીને પણ અસર કરી શકે છે. ટાઈપ-૧ નિદાન થાય તો બાળક સ્કૂલે હોય કે અન્ય કોઈ જગ્યાએ હોય, તેને દિવસમાં ઓછામાં ઓછું ત્રણથી ચાર વાર સુગર ચેક કરવાનું રહેતું હોય છે, કેટલાક કિસ્સામાં બાળક સ્કૂલે હોય અને સુગર ચેક કરે તો આ બાબત અજુગતી લાગે છે. અલબત્ત, આવા બાળકોને સપોર્ટ મળવો જોઈએ. ઝડપી નિદાન અને સારવારથી બાળકને નવજીવન મળી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે, ફિનલેન્ડ સહિતના ઠંડા પ્રદેશના દેશોમાં બાળકોમાં ડાયાબિટીસ અંગે સજાગતાના કારણે અર્લી ડિટેક્શનથી ખાસ્સો લાભ થતો જોવા મળ્યો છે તે જોતાં આપણે ભારતમાં પણ નિયમિત ચેકિંગ કરવા પહેલ કરી બાળકોમાં ડાયાબિટીસ ટાઇપ-૧ શોધી ભાવિ પેઢીને તંદુરસ્ત રાખવાની ફરજ અદા કરવી જોઇએ એવું એક અગ્રગણ્ય તબીબે જણાવ્યું હતું.