મેટિની

ફિલ્મ્સની માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં આવ્યો ધરખમ ફેરફાર

ક્યા કારણોસર ફિલ્મ્સના ટ્રેલર અને તેની રિલીઝ વચ્ચેનો સમયગાળો ઘટવા લાગ્યો છે?

શો-શરાબા – દિવ્યકાંત પંડ્યા

(ભાગ-૨)
ગયા શુક્રવારે અજય બહલ દિગ્દર્શિત અને અર્જુન કપૂર-ભૂમિ પેડણેકર અભિનીત ‘ધ લેડી કિલર’ રિલીઝ થઈ. શું કહ્યું? નથી ખબર? ના, એમાં તમારો વાંક નથી. ફિલ્મ ફક્ત ગણતરીના પચાસેક શોઝમાં જ રિલીઝ થઈ છે. ‘ધ લેડી કિલર’ની વાત આપણને આપણી ગયા સપ્તાહની ચર્ચા સાથે જોડે છે. આપણે વાત કરી રહ્યા હતા કે કઈ રીતે મુખ્યત્વે ઓટીટી સહિતના પરિબળોના કારણે થિયેટર ફિલ્મ્સને ટ્રેલર રિલીઝ માત્ર ફિલ્મની રિલીઝના થોડાક જ દિવસ પહેલા કરવું પડે છે.

‘ધ લેડી કિલર’ ૩ નવેમ્બરે રિલીઝ થઈ અને તેનું ટ્રેલર રિલીઝ થયું હતું માત્ર તેના પાંચ દિવસ પહેલાં એટલે કે ૨૯ ઓક્ટોબરે. તો વાત જાણે એમ છે કે ‘ધ લેડી કિલર’ની ઓટીટી રિલીઝનો કોન્ટ્રાકટ થયેલો છે નેટફ્લિક્સ સાથે. ફિલ્મ ઓટીટી પર રિલીઝ થાય એ માટે જે-તે ફિલ્મ પ્રોડ્યુસર્સ અને ઓટીટી પ્લેટફોર્મ વચ્ચે થિયેટર બોક્સઓફિસ કલેક્શનના આધારે થિયેટર અને ઓટીટી રિલીઝ વચ્ચેના સમયગાળા અને રકમને લઈને ડીલ થતી હોય છે. ઓટીટી રિલીઝનું તગડું બેકઅપ હોવાથી હવે પ્રોડ્યુસર્સ થિયેટર્સના બોક્સઓફિસ કલેક્શન બાબતે બહુ ગંભીર રહ્યા નથી એટલે ઓટીટી પ્લેટફોર્મ્સ આ બાબતે બહુ જ સજાગ થઈ ગયા છે.

આમિર ખાન અભિનીત ‘લાલ સિંઘ ચઢ્ઢા’ બાબતે પણ નબળા બોક્સઓફિસ પરફોર્મન્સના આધાર પર નેટફ્લિક્સ તરફથી નક્કી રકમ ન મળી હોવાના મુદ્દે તકરાર થવાના રિપોર્ટ્સ સામે આવ્યા હતા. ‘ધ લેડી કિલર’ મામલે થયું છે એવું કે ફિલ્મ ૮૦% શૂટ થઈ ત્યાં જ નિર્માણના વધુ પૈસા ન હોવાના કારણે અટકી પડી. પણ ઓટીટી સાથે નક્કી થયેલા કરાર મુજબ તેમને તો જ પૈસા મળે જો ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય. એટલે અધૂરી ફિલ્મને જ જેમ તેમ કરીને એડિટિંગ ટેબલ પર આટોપીને નહિવત પ્રમોશન સાથે થિયેટરમાં રિલીઝ કરી દેવામાં આવી કે જેથી તેને નેટફ્લિક્સ પર રિલીઝ કરી શકાય. તો ટ્રેલર અને રિલીઝ વચ્ચેના ઓછા સમયગાળા પાછળ આવા કારણો પણ જવાબદાર હોય છે.

ક્યારેક મજબૂરી કે સ્ટ્રેટેજી અંતર્ગત ઓછા પ્રમોશનનો નિર્ણય પણ મોડા ટ્રેલર રિલીઝનું કારણ હોય છે. ગયા સપ્તાહે રિલીઝ થયેલી ‘આંખ મિચોલી’ અને ‘લકીરે’ના કિસ્સામાં આવું જ જણાય છે. ફિલ્મ્સ સાથે જોડાયેલા ઓછા સ્ટાર પાવર કે અન્ય કારણસર તેની સફળતા બાબતે રહેલો અવિશ્ર્વાસ ઓછા પ્રમોશનનું કારણ બનતા હોય છે. મોટા સ્ટુડિયોઝ પણ ફિલ્મ બની ગયા એ નહીં ચાલે એવું લાગતા માર્કેટિંગમાં વધુ પૈસા નહીં નાખીને પોતાનું વધુ નુકસાન થતું અટકાવી દે છે. શાહરૂખ ખાનની ‘પઠાણ’ રિલીઝ થઈ એ પહેલાં નિર્માણ કંપની યશરાજ ફિલ્મ્સનો નબળો સમય ચાલતો હતો. ‘બંટી ઔર બબલી ૨’, ‘શમશેરા’, ‘સમ્રાટ પૃથ્વીરાજ’, ‘જયેશભાઇ જોરદાર’ વગેરે ફિલ્મ્સ જાણીતી સ્ટારકાસ્ટ છતાં ફ્લોપ જઈ રહી હતી. એ વખતે યશરાજ ફિલ્મ્સે ‘જયેશભાઇ જોરદાર’ અને ‘શમશેરા’ જેવી ફિલ્મ્સ સાથે રણવીર સિંઘ કે રણબીર કપૂરના નામો જોડાયેલા હોવા છતાં ઓછા પ્રમોશનની સ્ટ્રેટેજી વાપરીને તેના ટ્રેલર રિલીઝના એક મહિનાથી ઓછા સમયગાળામાં રિલીઝ કર્યા હતા.

જો કોઈ પણ ફિલ્મનું ટ્રેલર ફિલ્મની રિલીઝના લાંબા સમય પહેલાં રિલીઝ કરવામાં આવે તો એટલા સમયગાળામાં લોકોના એટેંશન સ્પાનને પોષવા માટે ફિલ્મને લગતી કંઈક ને કંઈક માર્કેટિંગ સામગ્રી પણ લોકો સમક્ષ મૂકતી રહેવી પડે. એ માટે ખાસ્સું એવું બજેટ નિર્માણ કંપનીએ રાખવું પડે. એટલે જ ઓટીટીના આ સમયમાં જે ફિલ્મ્સને થિયેટરમાં મોટો ફાયદો નથી દેખાતો ત્યાં વધુ પ્રમોશન કરવાનું ટાળવામાં આવે છે. હજુ થોડા વર્ષો અગાઉ જ પોસ્ટર, ટીઝર અને ગીતોને લઈને દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હતો, પણ વિશ્ર્વમાં સૌથી વધુ ફિલ્મ્સ બનાવતા દેશમાં ઓટીટી પછી તો કોન્ટેન્ટનો કોઈ પાર રહ્યો જ નથી. એવામાં દરેક નવી ફિલ્મ્સના ગીતો પર લોકો એટલું જ ધ્યાન આપે એ શક્ય નથી. એટલે જ ફિલ્મ આલ્બમના ઓડિયો જ્યુકબોક્સ રિલીઝ કરવામાં આવે છે, પણ મહત્તમ ગીતોના વીડિયોઝ ટીવી કે યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવતા નથી. અને જે રિલીઝ કરવામાં આવે છે એને પણ ટ્રેલરની પહેલાં રિલીઝ કરવાનો ટ્રેન્ડ ચાલુ થયો છે.

થિયેટર્સ અને ઓટીટીની આ સ્પર્ધામાં ફિલ્મ ‘પીપ્પા’ જેવા કિસ્સાઓ પણ બને છે. કહેવાય છે કે તેની નિર્માણ કંપની આરએસવીપી અને મલ્ટિપ્લેક્સ માલિકો વચ્ચે કોઈ મુદ્દે ઘર્ષણ ચાલે છે એટલે ફિલ્મને સીધી જ ઓટીટી પર રિલીઝ કરવામાં આવી રહી છે. બાકી ‘પીપ્પા’ જેવી થિયેટ્રિકલ એક્સપિરિયન્સવાળી વોર ફિલ્મ કેમ ઓટીટી પર સીધી રિલીઝ થાય? ફિલ્મ આજે જ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ છે. તેનું ટ્રેલર આવ્યું હતું માત્ર દસ દિવસ પહેલાં ૧ નવેમ્બરે. જોકે ઓટીટી ફિલ્મ્સનું માર્કેટિંગ તો આમ પણ ઓછું જ કરવામાં આવે છે. અમુક કિસ્સાઓમાં બિગ રિલીઝ ડેટ ક્લેશને અવગણવા ફિલ્મને જે તારીખ મળે તેમાં અચાનક રિલીઝ કરવાનો નિર્ણય પણ ઓછા માર્કેટિંગનું કારણ બને છે.
શરૂઆતમાં દર્શકો મોડું ટ્રેલર આવે ત્યારે સોશિયલ મીડિયામાં એ વિશે ચર્ચા કરતા, પણ હવે આ બાબત સામાન્ય ગણાવા લાગી છે. આપણે ચર્ચા કરી એ મુદ્દાઓ ઉપરાંત અમુક કિસ્સાઓમાં મોડા ટ્રેલર કે ઓછા પ્રમોશન પાછળ મોટા સ્ટાર્સની ફિલ્મ્સના ફાયદા માટેની ગણતરીપૂર્વકની સ્ટ્રેટેજી પણ હોય છે. જેમ કે ચાર વર્ષના સમય પછી શાહરૂખ ખાનની ‘પઠાણ’ આવી ત્યારે ઓછું પ્રમોશન કરીને ઉત્સુકતા અને ઇંતેજારી ટકાવી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘણા અંશે ‘જવાન’ સાથે પણ માર્કેટિંગના આ ‘લેસ ઇઝ મોર’ એપ્રોચનો જ સહારો લેવામાં આવ્યો હતો. આમિર ખાન પણ પોતાની ફિલ્મ્સ સાથે આ પ્રકારના અખતરા કરતો હોય છે. આ વર્ષની બ્લોકબસ્ટર ‘ગદર-૨’ના પણ ટ્રેલર અને ફિલ્મ રિલીઝ વચ્ચે માંડ સાત દિવસનો ગાળો હતો, માનશો? સલમાન ખાનની ટાઇગર-૩’ માટે પણ આ સમય એક મહિના કરતા ઓછો રાખવામાં આવ્યો હતો.
આ ઉપરાંત આ વર્ષની હમણાંની જ અમુક રિલીઝની વાત કરીએ તો આર. બાલ્કી દિગ્દર્શિત અને અભિષેક બચ્ચન અભિનીત ‘ઘૂમર’, નવાઝુદ્દીન સિદ્દીકીની ‘હડ્ડી’, શિલ્પા શેટ્ટીની ‘સુખી’, ‘ધ વેક્સીન વોર’, ‘ગણપત’ વગેરે ફિલ્મ્સ સાથે પણ ટ્રેલર અને ફિલ્મ રિલીઝ વચ્ચે ૭-૮ કે પંદરેક દિવસનો ગાળો જ જોવા મળે છે, પણ આની સામે હજુ હોલીવૂડમાં તો ટ્રેલર ફિલ્મની રિલીઝ કરતા ક્યાંય વહેલા બહાર પાડી દેવામાં આવે છે. ઘણીવાર તો ૬થી ૮ મહિના પહેલાં રિલીઝ કરી દેવામાં આવે એવું પણ જોવા મળે છે. અમુક ફિલ્મ્સના કિસ્સાઓમાં જોકે આ અંતરમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. મતલબ આવનારા સમયમાં ત્યાં પણ સ્થિતિ બદલાઈ શકે છે. હા, ઓટીટી ફિલ્મ્સ માટે તો ત્યાં પણ સમયગાળો ઓછો જ જોવા મળે છે.

ખેર, ફિલ્મ્સ સાથે સંકળાયેલા અનેક પાસાઓમાં સમયની માંગ પ્રમાણે ફેરફાર થતા જ રહેતા હોય છે. માર્કેટિંગનો આ મોટો બદલાવ પણ સ્વાભાવિક રીતે તેનો જ હિસ્સો છે.

લાસ્ટ શોટ
થિયેટર ફિલ્મ્સ ઓટીટી પર રિલીઝ થાય ત્યારે પણ ફરી વખત તેનું ટ્રેલર ઓટીટી દ્વારા રિલીઝ કરવામાં આવતું હોય છે. આમ એક જ ફિલ્મના ટ્રેલર બે વખત દર્શકો સમક્ષ મૂકવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button