મુખ્ય પ્રધાને આપી દિવાળીની ભેટ
મેટ્રો 2-એ અને 7 પર હવે છેલ્લી ટ્રેન 10.30ને બદલે 11.00 વાગ્યે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની બીજી લાઈફલાઈન તરીકેની પ્રતિષ્ઠા મેળવી રહેલી મુંબઈ મેટ્રોમાં હવે રાતે મોડે સુધી પ્રવાસ કરી શકાશે. રાજ્ય સરકારે મેટ્રો 2-એ અને મેટ્રો -7 પર છેલ્લી ટ્રેનના સમયમાં વધારો કરીને દિવાળીની ભેટ આપી છે. શનિવારથી અમલમાં આવી રહેલા સમયપત્રક મુજબ 10.30થી વધારીને 11.00 વાગ્યે છેલ્લી ટ્રેન રવાના થશે.
મુંબઈગરાના હિતના નિર્ણયને જાહેર કરતાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે પ્રવાસીઓને હવે 11 નવેમ્બરથી રાતે 11 વાગ્યા સુધી પર્યાવરણ પૂરક અને આરામદાયક મેટ્રોમાં મુસાફરી કરવા મળશે.
મુંબઈ મેટ્રો 2-એ અંધેરી વેસ્ટના અને મેટ્રો માર્ગ 7ના ગુંદવલી સ્ટેશન પરથી હવે છેલ્લી મેટ્રો ટ્રેન 10.30 ને બદલે રાતે 11 વાગ્યે રવાના થશે અત્યારે આ રૂટ પર સોમવારથી શુક્રવાર સુધી સવારે 5.55થી રાતે 10.30 સુધીમાં 253 ફેરી દોડાવવામાં આવે છે. દર 10 મિનિટે મેટ્રોની ફેરી થતી હોય છે. હવે સમય વધારવામાં આવ્યો હોવાથી ફેરીની સંખ્યા વધીને 257 થશે. આવી જ રીતે રાતે 10 વાગ્યા પછી દહિસર વેસ્ટથી ગુંદવલી સુધીમાં બે વધારાની મેટ્રો ફેરી અને દહાણુકરવાડી છે અંધેરી વેસ્ટ સુધીમાં બે વધારાની મેટ્રો ફેરી ઉપલબ્ધ થશે.
મેટ્રો 2-એ અને મેટ્રો -7 પર અત્યાર સુધીમાં છ કરોડ નાગરિકે પ્રવાસ કર્યો છે. 16 લાખ મુંબઈગરાએ અત્યાર સુધીમાં વન કાર્ડ ખરીદ્યું છે.