તેલંગણામાં પ્રચાર વખતે આ નેતા પડી ગયા. પ્રશાસન આવી ગયું હરકતમાં
હૈદરાબાદઃ તેલંગાણામાં શાસક પક્ષ બીઆરએસના કાર્યકારી પ્રમુખ કે.ટી. રામા રાવ ગુરુવારે નિઝામાબાદ જિલ્લાના આર્મૂર શહેરમાં રોડ-શો દરમિયાન ડ્રાઇવરે અચાનક બ્રેક મારતા ખુલ્લા વાહનમાંથી નીચે પડી ગયા હતા, તેનાથી પ્રશાસન પણ હરકતમાં આવી ગયું હતું.
તેલંગણાના પ્રધાન રામા રાવ અને બીઆરએસ રાજ્યસભાના સાંસદ કે.આર. સુરેશ રેડ્ડી કે જેઓ પક્ષના ઉમેદવાર અને હાલના ધારાસભ્ય જીવન રેડ્ડીની સાથે ઉમેદવારી નોંધાવવા માટે જતા હતા, તેઓ પ્રચાર વાહન પર ઉભા હતા. આ ઘટનાના વિડિયોમાં રામા રાવ, એમપી અને એમએલએ, જેઓ વાહન પર મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અચાનક ડ્રાઇવરે બ્રેક મારતા વાહનની રેલિંગ તૂટી ગઇ હોવાનું જોવા મળે છે.
પોલીસના જણાવ્યા અનુસાર રામારાવ મધ્યમાં ઉભા હતા, બ્રેક લાગતા તેઓ વાહન પર મૂકવામાં આવેલા સ્પીકર પર પડ્યા હતા. જ્યારે ધારાસભ્ય અને સાંસદ વાહન પરથી પડી ગયા હતા, પરંતુ વાન સાથે દોડી રહેલા પોલીસ કર્મચારીઓએ તેમને પકડી લીધા હતા અને બન્નેને રસ્તા પર પડતા અટકાવ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઇને ઇજા થઇ ન હતી અને તરત જ તેઓને એક કારમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રારંભિક માહિતીના આધારે અધિકારીએ જણાવ્યું હતું કે વાનની આગળ ચાલતા વાહનના ડ્રાઇવરે અચાનક તેની સામે કોઇ આવતા બ્રેક મારવી પડી હતી, જેથી વાનના ડ્રાઇવરે પણ અચાનક બ્રેક મારવાની ફરજ પડી ત્યારે આ ઘટના બની હતી. બાદમાં જીવન રેડ્ડીએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ સ્વસ્થ રામારાવ કોડાંગલ રોડ શોમાં ભાગ લેવા માટે રવાના થયા હતા.