નેશનલ

બિહાર વિધાનસભામાં મહિલાઓનું અપમાન થયું છે: મોદી

ગુના (મધ્ય પ્રદેશ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અહીં ચૂંટણી પ્રચાર માટે જાહેરસભાને સંબોધતા આક્ષેપ કર્યો હતો કે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે રાજ્ય વિધાનસભામાં વસતિ નિયંત્રણના સંબંધમાં વિવાદાસ્પદ નિવેદન કરીને મહિલાઓનું અપમાન કર્યું હતું અને તેની તેમને શરમ પણ નથી.

વસતિ નિયંત્રણ માટે મહિલાઓને શિક્ષિત કરવાના મહત્ત્વ પર ભાર મૂકતા નીતીશ કુમારે જાતિય સુખ માણતી વખતે શિક્ષિત મહિલા તેનાં પતિને કઈ રીતે રોકી શકે તેનું રાજ્ય વિધાનસભામાં જુદી જુદી રીતે વર્ણન કર્યું હતું.

‘ઈન્ડિયા’ મહાગઠબંધનના એક મોટા નેતા (નીતીશ કુમાર) જેઓ ગઠબંધનનો ઝંડો ઊંચો કરી રહ્યા છે તેમ જ કેન્દ્રની વર્તમાન
સરકારને ઊથલાવવા જુદી જુદી રમત રમી રહ્યા છે. તેમણે જે ભાષાનો પ્રયોગ કર્યો છે તે ભાષા વિધાનસભામાં મહિલાઓ અને બહેનોની ઉપસ્થિતિમાં કોઈ વિચારી પણ ન શકે, એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે વધુ આશ્ર્ચર્યની વાત તો એ છે કે નીતીશ કુમારને તેની શરમ પણ નથી.

મહિલાઓના આ અપમાનના વિરોધમાં ‘ઈન્ડિયા’ મહાગઠબંધનના નેતાઓમાંથી કોઈએ વિરોધનો એક શબ્દ પણ નથી ઉચ્ચાર્યો.

મોદીએ કહ્યું હતું કે દિવાળીના તહેવાર દરમિયાન સ્થાનિક સ્તરે ઉત્પાદિત કરવામાં આવેલી વસ્તુઓની ખરીદી કરો અને એ વસ્તુ કે પછી તેના ઉત્પાદનકર્તા સાથે સેલ્ફી પાડી તેને નમો ઍપ પર પૉસ્ટ કરો.

કેન્દ્રમાં ભાજપ સરકારની ત્રીજી મુદત દરમિયાન અમે દેશના અર્થતંત્રને વિશ્ર્વના પ્રથમ ત્રણ સૌથી મોટા અર્થતંત્રમાનું એક બનાવીશું, એમ મોદીએ કહ્યું હતું.

દેશના ગરીબોને દરમહિને મફત રેશન આપવાની યોજના વધુ પાંચ વર્ષ માટે લંબાવવાની અમારી યોજનાના વિરોધમાં કૉંગ્રેસના નેતાઓએ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવાની વાત ઉચ્ચારી છે, એમ મોદીએ કહ્યું હતું. (એજન્સી)

નીતીશ કુમારે માફી માગી
નવી દિલ્હી: વસતિ નિયંત્રણ માટે મહિલાઓને સુશિક્ષિત કરવા અંગે એક દિવસ અગાઉ કરેલા નિવેદન માટે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે બુધવારે વિધાનસભાના બંને ગૃહમાં અને બહાર માફી માગી હતી. વિધાનસભાના પરિસરમાં પ્રવેશતા જ વિપક્ષના વિધાનસભ્યો (તમામ ભાજપના)એ હાથમાં પૉસ્ટરો સાથે નીતીશ કુમારે કરેલા નિવેદનની નિંદા અને તેમના રાજીનામાની માગણી કરી હતી. રાજ્યમાં સૌથી લાંબા સમય સુધી મુખ્ય પ્રધાન તરીકે સેવા બજાવનાર નીતીશ કુમાર નજીક ઊભા
કરવામાં આવેલા પોડિયમ (ગૃહનું સત્ર ચાલતું હોય ત્યારે નેતાઓ જ્યાં પત્રકારોને મુલાકાત આપે છે) તરફ જતા અગાઉ પ્રવેશદ્વાર પાસે થોડી વાર માટે તો અવાક થઈને ઊભા રહી ગયા હતા.

મને આજે જાણ થઈ હતી કે ગઈકાલે મેં જે નિવેદન કર્યું હતું તેનાથી અનેક લોકો નારાજ થયા હતા, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે મારો આશય મહિલા સશક્તિકરણ અને વસતિને નિયંત્રણમાં રાખવા માટે મહિલાઓમાં વધેલી જાગૃતિ કેટલી મહત્ત્વની છે તેના પર પ્રકાશ પાડવાનો મારો આશય હતો.

મારા નિવેદનને કારણે કોઈની લાગણી દુભાઈ હોય તો હું ક્ષમા ચાહુ છું અને મારું નિવેદન પાછું ખેંચું છું, એમ તેમણે કહ્યું હતું.

જોકે બુધવારે વિધાનસભાનું સત્ર ૧૧ વાગે શરૂ થયું ત્યારે વિપક્ષના નેતા વિજયકુમાર સિંહના વડપણ હેઠળ ભાજપના સભ્યો વૅલમાં ધસી ગયા હતા. અમુક સભ્યોએ તો તેમનો રોષ વ્યક્ત કરવા રિપોર્ટિંગ સ્ટાફ માટેની ખુરશીઓ ઊંચકી લીધી હતી.

વિપક્ષના સભ્યોએ એવો આક્ષેપ કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા કે મુખ્ય પ્રધાન મનોરોગી બની ગયા છે અને એ કારણે તેઓ બિહારનો વહીવટ સંભાળવા અયોગ્ય છે.

નીતીશ કુમાર ખુરશી પરથી ઊભા થઈ ગયા હતા અને કહ્યું હતું કે બહાર પત્રકારોને મેં જણાવ્યું હતું કે મેં કોઈ ગુનો ન કર્યો હોવા છતાં મારા શબ્દો કોઈને વાંધાજનક લાગ્યા હોય તો હું માફી માગવા તૈયાર છું અને મને પોતાને વખોડું છું.

અગાઉ પત્રકારો સમક્ષ મેં જે રીતે માફી માગી હતી એ જ રીતે હું વિધાનસભાના ગૃહમાં માફી માગુ છું, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત