સિડકોના કર્મચારીને ૫૦,૦૦૦નું બોનસ
મુંબઈ: દિવાળીના બોનસની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોતા હોય છે તેમ જ આ વર્ષે સરકારી કર્મચારીઓની દિવાળી ખુશખુશાલ જશે, ત્યારે તાજેતરમાં તેમના માટે પ્રશાસન દ્વારા બોનસની જાહેરાત કરી હતી. નવી મુંબઈ ખાતે આવેલા સિડકો દ્વારા આ વર્ષે તેમના કર્મચારીઓને ૫૦ હજાર રૂપિયાનો દિવાળી બોનસ આપવામાં આવ્યો છે. દિવાળી બોનસ મળવાની ખુશીમાં ફટાકડા ફોડી, પેઢા વેચી આ નિર્ણયનો સ્વાગત કરતાં આનંદ વ્યક્ત કર્યો હતો.
સુધરાઈ કર્મચારીઓને રૂ.૨૬,૦૦૦નુ બોનસ
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના લગભગ સવા લાખ કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. બુધવારે મોડેથી પાલિકા કર્મચારીઓને ૨૬,૦૦૦ રૂપિયાનું બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
દિવાળી નજીક આવી ગઈ હોવા છતાં પાલિકા પ્રશાસને કર્મચારીઓને બોનસ આપવાને મુદ્દે કોઈ જાહેરાત કરી નહોતી. તેથી કર્મચારીઓના યુનિયને ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપી હતી.
છેવટે બુધવારે મોડી સાંજે મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા પર મુંબઈ મહાનગપાલિકાના કર્મચારીઓના તમામ યુનિયન સાથે ચર્ચા કરવામાં આવી હતી અને ત્યાર બાદ મુખ્ય પ્રધાને પાલિકા કર્મચારીઓને આ વર્ષે ૨૬,૦૦૦ રૂપિયાનું બોનસ આપવાની જાહેરાત કરી હતી.
થાણે મહાપાલિકા તરફથી પણ ૨૧૫૦૦ રૂપિયાનો બોનસ જારી
થાણે મહાનગર પાલિકા તેના કર્મચારીઓને કલ્યાણ સબસિડી આપવાની જાહેરાત કરી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે દિવાળી બોનસમાં ૨૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે ૨૧ હજાર ૫૦૦ રૂપિયાના દિવાળી બોનસની જાહેરાત કરવામાં આવી છે. તેમજ આ વર્ષે આશા સેવકોને ભાઈબીજ માટેપણ વિશેષ ૬૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. ભાઈબીજ અને સાનુગ્રહ અનુદાનમાં ૨૦ ટકાના વધારો થતાં આશા સેવિકા અને મહાપાલિકાના કર્મચારીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો.
કેડીએમસી કર્મચારી પણ ખુશ
કલ્યાણ ડોમ્બિવલી મહાનગર પાલિકા (કેડીએમસી)એ આ વર્ષે કર્મચારીઓને ૧૮ હજાર ૫૦૦ રૂપિયાનું બોનસ આપવાનું નક્કી કર્યું હતું.