દિલ્હીમાં 20-21 નવેમ્બરે થશે કૃત્રિમ વરસાદ: પ્રદૂષણને ડામવા કેજરીવાલ સરકારનો પ્લાન

નવી દિલ્હી: દિલ્હી એનસીઆરમાં હજી પ્રદૂષણની પરિસ્થિતીમાં કોઇ ફેર પડ્યો નથી. ત્યારે હવે આ પ્રદૂષણના નાશ માટે ઉપાય તરીકે આર્ટિફીશિયલ રેન (કૃત્રિમ વરસાદ)નો પ્રયોગ કરવામાં આવનાર છે. આ યોજનાના અમલ માટે દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયએ એક બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ ગોપાલ રાય દ્વારા એક ખાસ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, રાજધાની દિલ્હીમાં 20-21 નવેમ્બરના રોજ કૃત્રિમ વરસાદ પ્રયોગ કરવામાં આવશે. દિલ્હીમાં કેજરીવાલ સરકાર પહેલીવાર આવો કોઇ પ્લાન બનાવી રહી છે.
ગોપાલ રાયે વધુમાં જણાવ્યું હતું કે, 20-21 તારીખ જો વાદળો હશે અને બધી જ પરવાનગી મળી જાય તો કૃત્રિમ વરસાદ કરાવી શકાશે. ગોપાલ રાયે બુધવારે આઇઆઇટી કાનપુરની ટીમ સાથે આ બેઠક યોજી હતી. જે અંતર્ગત આઇઆઇટી કાનપુરે દિલ્હી સરકારને આખો પ્લાન સોંપ્યો છે. હવે શુક્રવારે દિલ્હી સરકાર સુપ્રીમ કોર્ટને આ અંગેની જાણ કરશે. સુપ્રીમ કોર્ટમાં આ પ્રોયગ માટે કેન્દ્ર સરકાર દિલ્હી સરકારની મદદ કરે તેવી વનંતી કરશે. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર છેલ્લાં કેટલાંય સમયથી ગંભીર શ્રેણીમાં છે. પ્રદૂષણની પરિસ્થિતી અંગે સુપ્રીન કોર્ટે પણ પ્રશ્ન ઊભો કર્યો હતો.
બેઠક પહેલાં ગોપાલ રાયે પત્રોકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આઇઆઇટી કાનપુર પાસેથી કૃત્રિમ વરસાદ માટે કોઇ પ્રસ્તાવ મળ્યો નથી. આઇઆઇટી કાનપુર પાસે ચોમાસામાં જે વિસ્તારમાં વરસાદ નથી થતો તે વિસ્તાર માટે કૃત્રિમ વરસાદના પ્રયોગનો ફોર્મ્યુલા છે પણ શિયાળામાં કૃત્રિમ વરસાદ કરાવવા માટે કોઇ ફોર્મ્યુલા તૈયાર નથી.
દિલ્હી સરકારે આઇઆઇટી કાનપુરને વિનંતી કરી હતી કે શિયાળામાં પ્રદૂષણને ધ્યાનમાં રાખીને કૃત્રિમ વરસાદ અંગેનો પ્લાન તૈયાર કરે અને આખો પ્રસ્તાવ સરકાર સામે રજૂ કરે તે અંગે આજે ચર્ચા થઇ છે.