લાડકી

કેરોલિના રીપર પ્રકરણ-૫૨

અરે જંગમાં તોપચી હોય તો નામ આગળ અનારકલી થોડું લગાડે?

પ્રફુલ શાહ

રાજાબાબુએ મોબાઈલ ફોનમાં બે ફોટા જોયા. અને લખાણ વાંચ્યું. એમને પરસેવો વળવા માંડ્યો

“મુરુડ બ્લાસ્ટસમાં મુંબઈના ૧૯૯૩ના બ્લાસ્ટસના શકમંદની સંડોવણી? ટીવી ચેનલોની આવી બૂમાબૂમ વચ્ચે રાજીવ દુબે મીડિયામાં છવાઈ ગયો. ‘બ્રેકિંગ ન્યૂઝ’માં આગળ આવ્યું કે જુહુ પોલીસે દુબેને અટકાયતમાં લીધો છે પણ હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

રામરાવ અંધારેએ રાજીવ દુબે સામે ટેબલ પર જોરથી હાથ પછાડ્યો. હકીકતમાં એનો ગુસ્સો મુસા સામે પણ હતો. શું મુસાએ મીડિયાને આ ખબર આપી હશે? પણ એને પછી જોઈ લેવાશે. હમણાં રાજીવ દુબેને બોલતો કરવો પડશે.

“તો ૧૯૯૩ના બોમ્બ બ્લાસ્ટસના ગુનેગાર સાથે તારે સંબંધ હતા. બરાબર?

“હા અને ના

“વાયડાટ બંધ. હા અને ના એટલે શું?

“સર, ત્યારે મારી ટ્રાવેલ એજન્સી ચાલતી હતી. બ્લાસ્ટ્સ માટે પકડાયેલા બે જણા મારા રેગ્યુલર ક્લાયન્ટ હતા એ લોકો સમાજમાં માનભર્યું સ્થાન ધરાવતા હતા. વરસોથી સંબંધ હતા એટલે દિવાળી-ઈદની ભેટ મોકલવી અને લગ્ન-બર્થ-ડે પાર્ટીમાં મળવાનું થતું હતું. માત્ર પ્રોફેશનલ અને સોશ્યલ રીલેશન હતા. એમના ઘરમાંથી મળેલા આલ્બમમાં મારા ફોટા હતા. પોલીસે મારી ખૂબ તપાસ કરી અને આકરી પૂછપરછ કરી પણ મારા વિરુદ્ધ કંઈ મળ્યું નહોતું. નહિતર આજે હું તમારી સામે બેઠો હોત?

“બોલવામાં બહુ સ્માર્ટ છો. ટ્રાવેલિંગના ધંધો છોડીને જમીનની દલાલી કેમ શરૂ કરી?

“ફ્રેન્કલી કહું તો ટ્રાવેલિંગમાં સ્પર્ધા પહેલા હતી પણ ઓન લાઈન બુકિંગ બાદ કામકાજ ઘટી ગયા. મારે મોટું ઘર પણ લેવું હતું એટલે ઓફિસ વેચી નાખી.

“અને પછી આકાશ મહાજન જેવા મોટા બકરાને ફસાવ્યો બરાબર?

“સર અમે કોલેજમાં સાથે હતા. એ જ વર્ષો બાદ સામેથી મને મળવા આવ્યો અને મારી સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી. મને થયું કે એના મોટા માણસો સાથેના કોન્ટેક્ટ ઉપયોગી થઈ શકે. વળી જમીનનો સોદો થાય તો નફામાં જ ભાગ આપવાનો હોવાથી હું તૈયાર થઈ ગયો.

“પણ પછી એની પાછળ જાસૂસ લગાવી દીધો. ભાઈને છેક મુરુડ સુધી મરવા માટે મોકલી દીધો, બરાબર?

“સર, એના કારણ મેં આપને અગાઉ આપી દીધા. એ ધંધામાં ધ્યાન નહોતો આપતો પેલી છોકરી ખાતર મને ડર લાગ્યો કે ક્યાંક એ મને દગો તો નથી આપી રહ્યો ને? એટલે મેં ભાઈને મુરુડ મોકલ્યો અને એના પાપે મારે નીરજને ગુમાવવાનો વારો આવ્યો જો આકાશ જીવતો હોત તો મેં જરૂર એને ગોળી મારી દીધી હોત…

અંધારેએ ઊભા થઈને એના ગાલ પર એક તમાચો ચોડી દીધો. “બેટા, હજી તો તારે ક્રિકેટના સટ્ટા, દુબઈ કનેકશન લંડન-કાઠમંડુના આંટા વિશે થશે ઘણાં ખુલાસા કરવાના છે એ બધામાંથી બહાર આવે ત્યારે કોઈકને મારવાનું વિચારજે સમજ્યો?

તમાચાના માર અને આ હકીકતો બહાર આવતા રાજી દુબેનું બ્લડ પ્રેશર વધી ગયું અને એને ચક્કર આવવા માંડ્યા.


દિલ્હીના જાણીતા અખબારની હેડલાઈને ઘણાંને ચોંકાવી દીધા. આમાં બે વ્યક્તિની વાતચીતની મેન્યુસ્ક્રીપ્ટ છાપીને દાવો કરાયો હતો કે મુરુડ બ્લાસ્ટસની જવાબદારી લેનારા કથિત આતંકવાદીની વીડિયો શંકાસ્પદ છે. આ વીડિયો બનાવટી અને તપાસને ગેરમાર્ગે હોવા માટેનો સમાચારમાં ઈશારો કરાયો હતો.

હકીકતમાં તો દિલ્હીના સાંસદ રાજકિશોર અને “ખબરે પલ પલના માલિક રજત મીરચંદાનીની વાતચીતમાંથી બન્નેના નામ અને અન્ય થોડી કાપકૂપ કરાયા બાદ એ પ્રસિદ્ધ કરાઈ હતી. સાથો સાથ અણસાર અપાયો હતો કે આ વાર્તાલાપનો વીડિયો પણ હોવાની માહિતી આધારભૂત સાધનો પાસેથી મળી છે. એ મેળવીને વાચકો સમક્ષ પેશ કરવાની અખબારે ખાતરી આપી દીધી.


પીળો પડી ગયેલો લેંઘો, મેલો અને ક્યાંક રફ્ફુ કરેલો ઝભ્ભો. થોડા કાળા-વધુ ધોળા એવા વાળ, હોઠના એક ખૂણેથી બહાર આવેલું લાલ થૂંક અને સોડાની બોટલ જેવા જાડા કાચના ચશ્માં આસપાસ પડેલી દેશી દારૂની ચાર-પાંચ ખાલી બોટલ. અડધી ઊંઘમાં બડબડાતી શાયરી.

તોપચી અબ્દુલ હમીદુલ્લા ‘ગુલાબ’ વિશે જાણકારી મેળવવા એટીએસના “પ્રોડ્યુસર મનમોહન જ્યારે અબ્દુલ ‘જામ’ને મળવા ગયા, ત્યારે સામેના સીનારિયો જોઈને અવાચક થઈ ગયા. ખૂબ અવાજ કર્યો. મોઢા પર પાણીની છાંટ નાખી પણ જનાબે આંખ ન જ ખોલી… એક પડોશીએ “પ્રોડ્યુસર મનમોહનના કાનમાં હળવેકથી ફૂંક મારી પછી જવાબ સાંભળીને એ બહાર દોડી ગયો.

“પ્રોડ્યુસર મનમોહન પ્રયાસ કરતા રહ્યા પણ ફળ ન મળ્યું:
ત્યાં જ પાડોશી પાવશેર દેશી દારૂની બોટલ લઈને આવ્યો. એનું ઢાંકણું ખોલીને અબ્દુલ ‘જામ’ના નાક પાસે ધરી. દશેક સેક્ધડમાં જાણે જડી બુટ્ટી સુંઘાડી એમ એની આંખ ખુલી. એકદમ ચકળવકળ આંખે તેણે સામે જોયું. પાડોશીએ બાટલી “પ્રોડ્યુસર મનમોહનના હાથમાં આપી દીધી. પછી અબ્દુલ ‘જામ’ને કહ્યું “આ સાહેબ, કંઈક પૂછવા આવ્યા છે…

અબ્દુલ ‘જામ’ કંઈ ન બોલ્યો, માત્ર હાથ લંબાવ્યો. એ હાથમાં બોટલ આપી એટલે એક જ ઘૂંટડો પીધો. પછી એકદમ જોશમાં આવી ગયા.

“બોલો, અબ્દુલ ‘જામ’નો ઈન્ટરવ્યુ લેવા આવ્યા છો?

“જનાબ, એના માટે મારા સિનિયર આવશે આપને તોપચી અબ્દુલ હમીદુલ્લા ‘ગુલાબ’ વિશે કંઈ ખબર છે?

“ખામોશ બદ્તમીઝ અમને બધા વિશે ખબર છે, આખી દુનિયાની જાણ છે. આ ‘ગુલાબ’ છે ને સારું લખતો હતો. વધુ જીવ્યો હોત તો મારા લખાણની ઘણી નજીક પહોંચી ગયો હોત. એની શાયરીમાં યુદ્ધ, સૈનિક, વફાદારી અને ગુલાબની વાતો બહુ આવતી હતી.

“પણ જનાબ, નામ આગળ તોપચી કેમ હતું?

“અરે જંગમાં તોપચી હોય તો શું નામ આગળ અનારકલી લખે? સાવ બેવકૂફી ભરી વાત ન કરો… ગુસ્સામાં અબ્દુલ ‘જામ’ બોટલ મોઢાની નજીક લઈ ગયો અને પીવાની ચેષ્ટા કરવા માંડ્યો.

પ્રોડ્યુસર ‘મનમોહન’ એકદમ આગળ ધસી ગયા. એના હાથમાંથી બોટલ આંચકી લીધી. “આપને વધુ બે બોટલ આપીશ, પણ પહેલા મને આ તોપચી વિશે વધુ કહો.

“અરે બહુ જૂની વાત છે. ન જાણે બસો-ત્રણ સો વર્ષ થયા હશે. સાંભળ્યું છે કે એ ખૂબ નામચીન તોપચી હતો. યુદ્ધમાં માહેર પણ એકદમ નાજુક મિજાજ શાયર. એ યુદ્ધમાં માર્યો ન ગયો હોત તો કદાચ મોટા યોદ્ધા અને શાયર તરીકે નામના મેળવી હોત…

“પ્રોડ્યુસર મનમોહનનું ધ્યાન વાત સાંભળવામાં હતું એ તક ઝડપીને અબ્દુલ ‘જામ’ એ બોટલ આંચકીને હોઠે લગાડી લીધી. બોટલ ખાલી થતાં એની આંખ ફરી મીંચાવા માંડી.


કરણ રસ્તોગી એકદમ ઉશ્કેરાઈ ગયો. કારણ કે ‘મહાજન મસાલા’માં પગપેસારાનો પ્લાન ધૂળમાં મળી ગયો કરણ રસ્તોગીએ અજય રૂઈયા, દીપક મહાજન, રોમા મહાજન અને સમીર પટેલ સાથે ઉગ્ર ચર્ચા કરી. આ કોન્ફરેન્સ કોલના અંતે નક્કી થયું કે ‘મહાજન મસાલા’માં કિરણ મહાજનને સફળ ન જ થવા દેવાય. કોઈ પણ ભોગે એને હટાવી દેવી. સાથોસાથ ‘મહાજન મસાલા’ પર બહારથી જોરદાર વ્યાપારી આક્રમણ કરવું અને કંપનીને અંદરથી પણ નબળી પાડી દેવી. આમાં સૌના પોતપોતાના સ્વાર્થ હતા. કરણ રસ્તોગીને હરીફને નબળો પાડવો હતો ને નંબર વન બનવું હતું. અજય રૂઈયાને પપ્પાના રાજકીય સપનાને પૂરું કરવું હતું કે જેમાં મૃત આકાશ અડચણરૂપ બની શકે એમ હતો. દીપક-રોમાને કંપની પર પોતાનું આધિપત્ય સ્થાપવું હતું. સમીર પટેલને પોતાની તગડી ફીમાં રસ હતો.

સૌ પોતપોતાના ટાર્ગેટ વિંધવા માટે અલગ-અલગ રીતરસમો વિચારવા માંડ્યા. હવે મહાજન પરિવાર અને કંપની પર અણધારી દિશામાં દરેક પ્રકારના મિસાઈલ ત્રાટકવાના હતા.


પહેલો ઘા માર્યો રોમા દીપક મહાજને. સવારના પહોરમાં ચા પીતી વખતે તે અચાનક રડવા માંડી. કોઈ કંઈ પૂછે અગાઉ એ હિબકા ભરવા માંડી.

મમતા સિવાય બધા ચોંકી ગયા. દીપકે ચિંતાતુર અવાજે પૂછ્યું, “શું થયું રોમા?

કંઈ બોલ્યા વગર રોમાએ પોતાના મોબાઈલ ફોનમાંથી ફેમિલી ગ્રુપમાં કંઈક ફોરવર્ડ કર્યા કર્યું. દીપકે મોબાઈલ ફોનમાં જોયું તો એ જોતો જ રહ્યો. દીપકે ફોન રાજાબાબુને આપ્યો. રાજાબાબુએ બે ફોટા જોયા અને લખાણ વાંચ્યું. તેમને અચાનક પરસેવો વળવા માંડ્યો. માલતી અને મમતા એમની પાસે દોડી ગયા. કિરણ ઊભી થઈને સાડીના પાલવથી એમનો પરસેવો લૂછવા માંડી મમતા-કિરણ તરત એમની વ્હીલચેરને બેડરૂમ તરફ લઈ ગયા.

બધુ જોઈને શૂન્યમનસ્ક થઈ ગયેલા માલતીબહેન સામે જોઈને દીપક બોલ્યો, “શોકિંગ… હજી તો મોટાભાઈને ગયા ને… અથવા ગયા છે કે નહીં એ પણ જાહેર થયું નથી ત્યાં કિરણભાભી વિશે આવી અફવાઓ ઊડવા માંડી…

માલતીબહેન માંડમાંડ બોલી શક્યાં. “કેવી અફવા? શું છે ફોનમાં?

રોમા ટિપિકલ ટીવી સિરિયલની દેરાણીની જેમ બોલ્યું “ભાભી કોઈક પરાયા પુરુષને મળે છે. માત્ર ગપગોપા હોય તો સમજ્યા. આપની મોટીવહુના ફોટા પણ વ્હોટસએપ પર ફરતા થઈ ગયા છે. આ તમારી સંસ્કારી વહુ વિશે લોકો મને પૂછપૂછ કરે છે. બોલો, હું શું જવાબ આપું? (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button